ચાર્ટર્ડ પ્લેન, લક્ઝરી હોટેલ, શિવસેનાના બળવાખોર ધારાસભ્યોનો ખર્ચો જાણી ચોંકી જશો

PC: theweek.in

મહારાષ્ટ્રમાં શિવસેનાના નેતા એકનાથ શિંદેની બગાવત બાદથી જ રાજકીય સંકટ ચાલુ છે. ઉદ્ધવ ઠાકરેની મુખ્યમંત્રીની ખુરશી પર પણ જોખમ તોળાઇ રહ્યું છે. પણ મહારાષ્ટ્રમાં આવેલા આ રાજકીય ભૂકંપનું કેન્દ્ર મુંબઇથી 2732 કિલોમીટર દૂર ગુવાહાટીની રેડિશન બ્લુ હોટેલમાં છે. ગુવાહાટીની આ હોટેલમાં એકનાથ શિંદે અન્ય બળવાખોર ધારાસભ્યો સાથે રોકાયા છે. કહેવાઇ રહ્યું છે કે, શિંદેની સાથે લગભગ 42 ધારાસભ્યો પણ હાજર છે. એમાંથી 34 ધારાસભ્યો શિવસેનાના છે જ્યારે, 8 ધારાસભ્યો અપક્ષના છે. મહારાષ્ટ્રમાં ફરી એકવાર શરૂ થયેલી આ રિઝોર્ટ પોલિટિક્સમાં પૈસા પણ પાણીની જેમ વહાવાઇ રહ્યા છે.

રાજકીય સંકટ મહારાષ્ટ્રમાં છે. પણ એક એપિસેન્ટર સુરતમાં પણ બનાવાયું છે. શિવસેના સાથે બળવો કરી રહેલા ધારાસભ્યો સૌથી પહેલા સુરત પહોંચ્યા હતાં. અહીંથી ધારસભ્યોને ચાર્ટર્ડ પ્લેન દ્વારા ગુવાહાટીમાં મોકલવામાં આવી રહ્યા હતાં. ખાસ વાત એ છે કે, શિવસેનાના ધારાસભ્યો એક સાથે ગુવાહાટી નથી પહોંચ્યા. બળવાખોર ધારાસભ્યો 2-2, 3-3ની સંખ્યામાં સુરત આવતા હતાં. કેટલાક ધારાસભ્યો અહીં મંગળવારે પહોંચ્યાં હતાં અને કેટલાક બુધવારે પહોંચ્યા હતાં. ગુરુવારે પણ શિવસેનાના કેટલાક ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા હતાં. અહીંથી ચાર્ટર્ડ પ્લેન દ્વારા ધારાસભ્યોને ગુવાહાટી પહોંચાડવામાં આવતા હતાં. એવામાં તમે અંદાજો લગાવી શકો છો કે, ચાર્ટર્ડ પ્લેનોની બુકિંગમાં કેટલો ખર્ચ આવતો હશે.

બળવાખોર ધારાસભ્યોના તેવરોના કારણે શિવસેના ચિંતામાં છે. શિવસેના પ્રમુખ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી આવાસ છોડી ચૂક્યા છે. તેમણે બળવાખોર ધારાસભ્યોને મનાવવા માટે મુખ્યમંત્રી પદ પણ છોડવાની તૈયારી બતાવી છે. તો ગુવાહાટીમાં હોટેલમાં રહેલા ધારાસભ્યોની દરેક સુખ સુવિધાનો ખ્યાલ રાખવામાં આવી રહ્યો છે. રેડિશન હોટેલની આસપાસની સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.

ભાજપ ભલે આખા રાજકીય પરિસ્થિતિને શિવસેનાનો આંતરિક મુદ્દો ગણાવી રહી છે. પણ કહેવાઇ રહ્યું છે કે, ભાજપ આ બાબત સાથે કોઇક રીતે સંબંધિત છે. ભલે ગુવાહાટીની રેડિશન બ્લુ હોટેલ હોય કે પછી સુરતના એરપોર્ટ નજીક આવેલી લી મેરિડિયન હોટેલ હોય. ભાજપના નેતાઓ એ ધ્યાન રાખી રહ્યાં છે કે, શિવસેનાના ધારાસભ્યોને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે. રેડિશન બ્લુ હોટેલમાં તો ભાજપના નેતાઓની અવરજવર ચાલુ જ છે. સૂત્રો અનુસાર, આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમા પણ બળવાખોર ધારાસભ્યોની મુલાકાત લઇ ચૂક્યા છે. આસામના ADGP પણ ગુરુવારે રેડિશન હોટેલ પહોંચ્યા હતાં. તે પહેલા ભાજપના કેટલાક ધારાસભ્યો શિવસેનાના ધારાસભ્યોની હોટેલમાં પહોંચીને ખબર અંતર પુછી ચૂક્યા છે.

કહેવાઇ રહ્યું છે કે, હોટેલ રેડિશન બ્લુમાં 6 દિવસ માટે બુકિંગ કરવામાં આવ્યું છે. 90 લોકો હોટેલમાં રોકાયેલા છે. તેમાં શિવસેના અને વિપક્ષના ધારાસભ્યો પણ સામેલ છે. ધારાસભ્યોની સંખ્યા વધતા હોટેલમાં કેટલાક વધુ રૂમ પણ ખાલી કરવા માટે કહેવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, રેડિશન બ્લુ હોટેલમાં એક રૂમનું ભાડું 6800 રૂપિયાથી શરૂ થાય છે. ડીલક્ષ રૂમનું ભાડું 8000 રૂપિયાથી શરૂ થાય છે. એવામાં તેમે અંદાજો લગાવી શકો છો કે, મહારાષ્ટ્રમાં આવેલા રાજકીય ભૂકંપ પર કેટલો ખર્ચ કરવામાં આવી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં ચાલી રહેલું રિઝોર્ટ પોલિટિક્સ કોઇ નવી વાત નથી. તે પહેલા કર્ણાટક અને મધ્યપ્રદેશમાં રિઝોર્ટ પોલિટિક્સ બાદ કોંગ્રેસ સરકાર પડી ગઇ હતી. રાજસ્થાનમાં પણ કોરોનાકાળમાં આવી જ સ્થિતિ સામે આવી હતી. ત્યારે કોંગ્રેસ નેતા બળવાખોર ધારાસભ્યો સાથે હરિયાણા પહોંચી ગયા હતાં. જ્યારે ગેહલોત તરફના ધારાસભ્યોને જયપુરમાં અલગ અલગ રિઝોર્ટમાં રોકાણ આપ્યા હતાં. આ વર્ષે રાજ્યસભાની ચૂંટણીમાં પણ રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્રમાં ક્રોસ વોટિંગ અને હોર્સ ટ્રેડિંગના ડરથી ધારાસભ્યોને રિઝોર્ટમાં રોકાણ અપાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp