યુવાનોને નોકરી મળતી નથી ને સરકારમા 220થી વધુ ઓફિસર રીટાયરમેન્ટ પછી પણ કામ કરે છે

PC: https://www.google.com

સચિવાલયના વિવિધ વિભાગો, બોર્ડ-નિગમ અને વિવિધ કચેરીઓમાં હાલની સ્થિતિએ 220 થી વધુ ઓફિસરો અને કર્મચારીઓ વયનિવૃત્તિ પછી એક્સટેન્શન ભોગવી રહ્યાં છે. સચિવાલયમાં મહત્વની 62 એવી પોસ્ટ છે કે જ્યાં વિવિધ અધિકારીઓને એક્સટેન્શન આપવામાં આવેલું છે. આશ્ચર્ય સાથે એવાં પણ અધિકારી છે કે જેમને છ વખત એક્સટેન્શન મળી ચૂક્યું છે.

ગુજરાત સરકારમાં એક્સટેન્શનનો સિલસિલો વર્ષો જૂનો છે પરંતુ એક્સટેન્શન મેળવનારા અધિકારીઓની સંખ્યા એટલી વધી ચૂકી છે કે વિભાગોમાં બીજા અધિકારીઓ પ્રમોશનથી વંચિત રહી જવા પામે છે. તેઓ નવી ભરતીને પણ અટકાવી રહ્યાં છે.

સરકારમાં વધારાના હવાલા, કોન્ટ્રાક્ટ પદ્ધતિથી ભરતી ઉપરાંત એક્સટેન્શન એવી સિસ્ટમ છે કે જેના કારણે સરકારના વિવિધ કર્મચારી મંડળો અને એસોસિયેશનોએ વિરોધ કર્યો છે. આ એસોસિયેશને કહ્યું છે કે સરકાર અનુભવી અધિકારીનો ઉપયોગ કરવા માગતી હોય તો તેમને અન્ય કર્મચારીઓને ટ્રેઇનીંગ આપવાનું કામ સોંપવું જોઇએ કે જેથી સેકન્ડ કેડર તૈયાર થઇ શકે.

એક્સટેન્શન મેળવનાર અધિકારી એકહથ્થુ સત્તા ભોગવતા હોય છે. તેઓ કોઇને તાલીમ આપતા નથી. રાજ્યના કર્મચારી મંડળો વારંવાર સરકારને લેખિતમાં રજૂઆત કરે છે કે નિવૃત્ત અધિકારીઓને એક્સટેન્શન આપવાનું બંધ કરી સેકન્ડ કેડરમાં કામ કરતા કર્મચારીને પ્રમોશન આપવું જોઇએ કે જેથી નવી ભરતી થઇ શકે. આ મંડળોએ એવા પણ આરોપ મૂકેલા છે કે એક્સટેન્શન મેળવનાર અધિકારી કે કર્મચારી વિભાગનું નહીં પણ હિત ધરાવતા તત્વોને મોટો ફાયદો કરાવી રહ્યાં છે.

ગુજરાત સરકારમાં આઇએએસ, આઇપીએસ અને આઇએફએસ ઉપરાંત ગુજરાત વહીવટી સેવાની વિવિધ કેડરના અધિકારીઓ તેમજ કર્મચારીઓને એક્સટેન્શન આપવામાં આવે છે. એક્સટેન્શનમાં વર્ગ-1ના અધિકારીઓની સંખ્યા વધારે જોવા મળે છે. કામગીરીની કદર કરી તેના અનુભવનો વધુ સમય સુધી લાભ લેવા માટે સામાન્ય રીતે નિવૃત્તિ પછી એક વર્ષ કે બે વર્ષનું એક્સટેન્શન આપવામાં આવતું હોય છે પરંતુ રાજ્યમાં એવા પણ કિસ્સા છે કે છ થી સાત વર્ષ સુધીનુ એક્સટેન્શન આપવામાં આવેલું છે.

કોઇપણ અધિકારી અતિ મહત્વનો હોય અને સરકારને યોગ્ય માર્ગદર્શન આપતો હોય તો 62 વર્ષ સુધી તેને એક્સટેન્શન મળી શકે છે પરંતુ સચિવાલયમાં જીએડીના આ પરિપત્રનું ઉલ્લંઘન થયું છે અને એવા ડઝનબંધ અધિકારીઓ છે કે જેઓ 58 વર્ષે નિવૃત્ત તો થયાં છે પરંતુ 65 વર્ષે પણ તેઓ સરકારમાં એક્સટેન્શનથી નોકરી કરી રહ્યાં છે. ભૂતકાળમાં ગેરરીતિ કરી હોય અને જેમની સામે તપાસ થઇ હોય તેવા અધિકારીઓને પણ એક્સટેન્શન આપીને જીએડીએ આશ્ચર્ય ફેલાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp