જિગ્નેશ મેવાણીએ જણાવ્યું- આમ આદમી પાર્ટીને ગુજરાતમાં કેટલી સીટ મળશે

PC: dnaindia.com

વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી અપક્ષ ચૂંટણી જીતનારા જિગ્નેશ મેવાણી કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા અને આ વખતની વિધાનસભાની ચૂંટણીમાં વડગામથી જ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. એક વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં મેવાણીએ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને કેટલી સીટ મળશે તેના વિશે વાત કરી છે.

એક ન્યૂઝ વેબસાઇટને આપેલા ઇન્ટરવ્યૂમાં કોંગ્રેસ નેતા અને વડગામ બેઠકના ઉમેદવાર જિગ્નેશ મેવાણીને સવાલ પુછવામાં આવ્યો હતો કે ગુજરાતમાં આમ આદમી પાર્ટી જોરશોરથી પ્રચાર કરી રહી છે. એવામાં આમ આદમી પાર્ટીની ગુજરાતમાં કેટલી સંભાવના તમને દેખાઇ રહી છે? AAPનું ચૂંટણીમાં પ્રદર્શન કેવું રહેશે?  આ સવાલના જવાબમાં કોંગ્રેસના વર્કિંગ પ્રેસડિન્ટ જિગ્નેશ મેવાણીએ જવાબ આપ્યો હતો કે, આમ આદમી પાર્ટીને ગુજરાતમાં એક પણ સીટ મળશે નહીં. મેવાણીએ કહ્યું કે , હું પુરા હોશ સાથે અને તટસ્થ રહીને કહી રહ્યો છું. તમે મારી આ વિડિયો ક્લિપને સાચવીને રાખજો. આ વીડિયો ક્લિપ અને મારા નિવેદનના આધારે તમે મને આ ચૂંટણી પછી પ્રશ્નો પૂછજો. આ સમયે મારા મતે આ વાસ્તવિકતા છે. ગુજરાતમાં સુરત એકમાત્ર એવું સ્થળ છે જ્યાં આમ આદમી પાર્ટીની સ્થિતિ અન્ય પાર્ટીઓ કરતા સારી દેખાય છે. પરંતુ, મને શંકા છે કે તેમને સુરતમાં પણ કોઈ બેઠક મળશે કે કેમ. AAP સુરતમાં ચોક્કસ લડત આપશે, પરંતુ મને નથી લાગતું  કે કોઇ સીટ મેળવવામાં તેમને સફળતા મળી શકે.

જિગ્નેશ મેવાણીને એક સવાલ હાર્દિક પટેલ સાથે જોડાયેલો પણ પુછવામાં આવ્યો હતો. સવાલ એ પુછવામાં આવ્યો હતો કે વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર્દિક પટેલ અને જિગ્નેશ મેવાણી સાથે મળીને કસમ ખાતા હતા કે ગુજરાતમાંથી ભાજપને ઉખેડીને ફેંકી દઇશું. પરંતુ, 2022ની ચૂંટણીના કેટલાંક મહિનાઓ પહેલાં જ હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને ભાજપનો ખેસ પહેરી લીધો હતો. આની પાછળ જિગ્નેશ મેવાણીને કયું કારણ નજરે પડી રહ્યું છે?

જિગ્નેશ મેવાણીએ જવાબ આપતા કહ્યું હતું કે હું જે કહેવા જઇ રહ્યો છું તે વાત કદાચ હાર્દિકને પસંદ નહીં પડે, પરંતુ મારું માનવું છે કે, હાર્દિકની સામે જે 30થી 35 કેસો ચાલે છે, તેમાંથી બે-ત્રણ રાજદ્રોહ જેવા ગંભીર કેસો છે. એ કેસોને લઇને 12થી 15 વર્ષની સજાનો હાર્દિકને ડર હોય અથવા તેને ધમકાવવામાં આવ્યો હોય. હાર્દિકનું ભાજપમાં જોડાવવાનું મને આ કારણ લાગે છે.

મેવાણીને સવાલ પુછવામાં આવ્યો કે શું હાર્દિક પટેલ ફરી કોંગ્રેસમાં આવી શકે? જેના જવાબમાં તેમણે કહ્યું હતું કે હા પણ અને ના પણ. પરંતુ એક વાત નક્કી છે કે જિગ્નેશ મેવાણી ક્યારેય ભાજપ જોઇન નહીં કરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp