ગીરના 30 સિંહો ગુજરાતની બહાર જશે અને બદલામાં 142 પ્રાણી સક્કરબાગ ઝૂને મળશે

PC: facebook.com/vijayrupanibjp

ગુજરાતમાં સિંહોના સંવર્ધન માટે 350 કરોડના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા એક પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. ગઈકાલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સાસણગીર ખાતે સિંહને ખાસ સારવાર મળી રહે તે માટે અદ્યતન સુવિધાવાળી લાયન એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપ્યું હતું. ત્યારબાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સિંહ સદનમાં કાર્યરત હેન્ડીક્રાફ્ટ શોપમાંથી ટીશર્ટ અને ટોપીની ખરીદી કરી હતી. આ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્લ્ડ ક્લાસ ટેકનોલોજીવાળા ગીર હાઈટેક મોનિટરીંગ સેન્ટરનું લોકાર્પણ કર્યું હતું. આ મોનિટરીંગ સેન્ટરની ખાસિયત એ છે કે, ગીર અને તેની આસપાસના જંગલોમાં નિરીક્ષણ હેઠળ મુકવામાં આવેલા સિંહોનું એક સાથે અને એક જ સ્થળ પરથી મોનિટરીંગ થઇ શકશે. તેની સાથે તમામ એક્ટિવિટી અને સિંહોના વર્તનનો પણ અભ્યાસ અહીંથી કરી શકાશે.

સાસણગીરમાં મુખ્યમંત્રી વિજય રૂપાનીએ ઉત્તર પ્રદેશ, આંધ્રપ્રદેશ, કર્ણાટક સહિતના રાજ્યોના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી હતી. આ બેઠક દરમિયાન એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળના કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ કરારથી 30 સિંહોને અન્ય રાજ્યોના ઝૂ માટે મોકલવામાં આવશે અને સિંહોના બદલામાં અન્ય રાજ્યોમાંથી અલગ-અલગ પ્રજાતિઓના 142 જેટલા પ્રાણીઓ જુનાગઢના સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવશે.

આ ઉપરાંત, ગીરમાં સિંહ દર્શન માટે તમામ જીપ પર નજર રાખવા માટે તેમાં GPS સિસ્ટમ લગાડવામાં આવશે જેના કારણે તેનું લોકેશન અને તે કયા રૂટ પરથી જાય છે તે જાણી શકાશે. હાલમાં રોજની 150 જેટલી જીપ સિંહ દર્શન માટે ટ્રેક પર જાય છે. GPS લગાડવાના કારણે તંત્રને ખબર પડશે કે, કઈ જીપ કયા રૂટ પર જાય છે અને જો કોઈ પણ જીપ અન્ય રૂટ પર જતી જણાય તો તેના પર કડક કાર્યવાહી કરી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp