જામનગરથી 2 કિલો ડ્રગ્સ સાથે વધુ 4ની ધરપકડ, અત્યારસુધી કુલ 11 આરોપી ઝડપાયા

PC: hindustantimes.com

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી ડ્રગ માફિયાઓ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે. રાજ્યમાં અલગ-અલગ જગ્યાઓ પરથી કરોડો રૂપિયાનો ડ્રગ્સનો મુદ્દામાલ પકડાયો હોવાના કિસ્સાઓ સામે આવ્યા છે. ગુજરાત ATS દ્વારા ડ્રગ્સના એક પછી એક પેડરરને પકડવામાં આવી રહ્યા છે. ત્યારે થોડા દિવસ પહેલાં જ ડ્રગ્સ કેસમાં જામનગરમાંથી ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા અને આ કેસમાં હવે કુલ 11 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

જામનગરના ચાર આરોપીઓ પકડાયા હતા તે તમામની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે ચારેય આરોપીમાંથી હાજી દાઉદ, હાજી સંધાર અકબર પોતાની બોટ લઈને મધદરિયે ડ્રગ્સ લેવા માટે જતા હતા અને ત્યારબાદ પાકિસ્તાની બોટમાં આવેલા ડ્રગ્સનો મુદ્દામાલ તેઓ જામનગર લઈ આવ્યા હતા. જામનગરથી આ ડ્રગ્સનો મુદ્દામાલ આ ઈસમો પંજાબ મોકલવાના હતા પરંતુ, ડ્રગ્સનો મુદ્દામાલ ગુજરાતથી પંજાબ જાય તે પહેલાં જ ગુજરાત ATSની સતર્કતાના કારણે કરોડો રૂપિયાનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે.

આ કેસમાં ગુજરાત ATS દ્વારા અત્યાર સુધીમાં 146 કિલો ડ્રગ્સનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે અને આ ડ્રગ્સની કિંમત 730 કરોડ રૂપિયા થાય છે. આ ડ્રગ્સ કેસમાં મુખ્ય આરોપીનું નામ ઈશા રાવ હોવાનું સામે આવ્યું છે અને તે જામનગરના જોડીયા ગામનો રહેવાસી હોવાનું પણ સામે આવ્યુ છે. આ આરોપીએ અવાર નવાર પાકિસ્તાનની પણ મુલાકાત લીધી હતી. તો બીજી તરફ ગુજરાત ATS દ્વારા આ મામલે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને તેમને પકડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જામનગર ડ્રગ્સ કેસમાં અમિત જાફર અને ભોલા નામના આરોપીની પણ સંડોવણી સામે આવી છે. આ ઇસમો ગુજરાતમાં મોટાપાયે ડ્રગ્સ સપ્લાય કરતા હોવાનું સામે આવ્યું છે. તેથી આરોપીની ધરપકડ કરવા માટે ગુજરાત ATS દ્વારા 10 ટીમો બનાવીને આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, હવે રાજ્યમાં ડ્રગ્સ બાબતે પણ રાજકારણમાં ગરમાવો આવ્યો છે. થોડા દિવસ પહેલા વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે, આ ડ્રગ્સ માફિયાને રોકવા દરિયાકાંઠે છીંડા નહીં પૂરી શકનારી સરકાર હવે ઈંડાની લારી પર પણ આક્રમણ કરે છે. સાહેબ ઈંડાની લારી પર આક્રમણ કરવાના બદલે ડ્રગ્સ માફિયાઓના દૂષણને રોકવા માટે છીંડા બૂરશો તો ગુજરાતનો યુવાન નશાની ગરતામાં ધકેલાતો બચશે. આવતીકાલે અમારા ગુજરાતના યુવાનનું ભવિષ્ય અંધકારમાં ધકેલાતું બચશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp