ડમી તરીકે મિલને 7 વખત પરીક્ષા આપી, એક વિદ્યાર્થી તો ડોક્ટરનું ભણે છે

PC: divyabhaskar.co.in

ડમીકાંડ મામલે તપાસ કરી રહેલી ગુજરાતની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે વધુ એક આરોપીને ઝડપી પાડ્યો છે અને તેની કરતૂત જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી છે. આ આરોપીએ ડમી બનીને બીજા વતી 7-7 વખત પરીક્ષા આપી હતી, એક પરીક્ષા આપવાના 25,000 રૂપિયા ચાર્જ વસુલતો હતો. મતલબ કે તેણે 7 વખત ડમી તરીકે પરીક્ષા આપીને 1.75 લાખ રૂપિયા ઘર ભેગા કરી દીધા હતા. ડમી તરીકે આ આરોપીઓ કોઇ શિક્ષકના પુત્ર માટે તો વિદેશમાં મેડિકલ માટે ભણતા વિદ્યાર્થી માટે પરીક્ષા આપી છે.

ડમી કાંડમાં ભાવનગરમાં અત્યાર સુધીમાં 36 લોકો સામે ફરિયાદ નોંધાઇ છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે તાજેતરમાં 6 આરોપીને પકડી લીધા પછી વધુ એક આરોપીની ધરપકડ કરી હતી. પોલીસે જે સાતમો આરોપી પક્ડયો તો તે જાણી ડમી કાંડનો મોટો ખેલાડી નિકળ્યો. પોલીસે મિલન બારૈયાની ધરપકડ કરી છે, જેણે 7-7 વખત ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી હતી. મિલનની પુછતાછમાં પોલીસને જાણવા મળ્યુ હતું કે તે એક પરીક્ષા આપવાનો 25000 રૂપિયા ચાર્જ વસુલતો હતો.

પોલીસે કહ્યુ કે મિલન બારૈયાએ ફિલીપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરતા દેવર્ષિની ફિઝિક્સની પરીક્ષા ડમી ઉમેદવાર બનીને આપી હતી. દેવર્ષિના પિતા પોતે શિક્ષક છે. પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે દેવર્ષિના પિતા દશરથભાઇએ જ મિલન સાથે મુલાકાત કરી હતી અને ડમી પરીક્ષા આપવા માટે તૈયાર કર્યો હતો. બોલો, નવાઇની વાત એ છે કે દેવર્ષી અત્યારે ફિલીપાઇન્સમાં મેડિકલનો અભ્યાસ કરી રહ્યો છે.

પોલીસની કડક પુછપરછમાં મિલન બારૈયાએ કહ્યું હતું કે તે ડમી કાંડના મુખ્ય સુત્રધાર શરદ પનોત અને પ્રકાશ દવેની કહેવાથી તેણે સાત વખત પરીક્ષા આપી છે. મિલને એક વિદ્યાર્થીના 12 આર્ટસની અંગ્રેજીનું પેપર પણ ડમી તરીકે આપ્યું હતું. તો એક વિદ્યાર્થીની પશુધન નિરિક્ષક તરીકેની પરીક્ષામાં પણ ડમી ઉમેદવાર તરીકે પરીક્ષા આપી આવ્યો હતો. એક લેબ ટેકનિશયન, એક વનરક્ષક પરીક્ષામાં પણ મિલન ડમી તરીકે બેઠો હતો.

પોલીસે ડમી કાંડ મામલે અત્યાર સુધીમાં જેમની ધરપકડ કરી છે તેમાં ભાનુશંકર પનોત, પ્રકાશ દવે, બળદેવ રાઠોડ, પ્રદીપ બારૈયા,સંજય પંડયા અને અક્ષય બારૈયાની ધરપકડ કરી છે, હવે 7મા આરોપી તરીકે મિલન બારૈયને પકડી લેવામાં આવ્યો છે.

પોલીસે કહ્યું હતું કે, આરોપીઓ ગુજરાત રાજ્ય શૈક્ષણિક બોર્ડ અને સ્પર્ધાત્મક પરીક્ષા માટે હોલ ટિકીટ અને આધાર કાર્ડ પર ફોટોગ્રાઉને લેપટોપથી ચેડાં કરતા હતા અને ડમી તરીકે પરીક્ષા આપતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp