ગુજરાત વોટર લિસ્ટ: 18થી 19 વર્ષની વય ધરાવતા 8.52 લાખ મતદાર

PC: patrika.com

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યની તમામ 182 વિધાનસભા મત વિભાગની મતદાર યાદી માટે તા. 1 જાન્યુઆરી-2018ની લાયકાતની તારીખના સદર્ભમાં ખાસ સંક્ષિપ્ત સુધારણા માટેનો એક કાર્યક્રમ જાહેર કરાયો હતો. ત્યાર બાદ મતદાર તરફથી રજૂ કરવામાં આવેલા હક્ક-દાવા અને વાંધા અરજીઓના નિકાલ બાદ રાજ્યમાં સમાવિષ્ટ તમામ વિધાનસભા મત વિભાગની પ્રસિદ્ધિ કરવામાં આવેલી આખરી મતદાર યાદીમાં મતદારોની સંખ્યામાં 4.46 લાખનો વધારો જોવા મળ્યો હોવાનું રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી ડૉ. એસ. મુરલીક્રિશ્નાએ જણાવ્યું છે.

ગુજરાત રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી દ્વારા તા.14/05/2018ના રોજ તા.1 જાન્યુઆરી-2018ની લાયકાતની તારીખના સદર્ભમાં મતદાર યાદીની આખરી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. તદઅનુસાર વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ-2017 દરમિયાન રાજ્યમાં જે 2,26,53,368 પુરષ મતદારો નોંધાયા હતા. તેમાં 2,26,488નો વધારો થતા આખરી મતદાર યાદીમાં કુલ 2,28,79,856 પુરૂષ મતદારો નોંધાયેલા છે. આ જ રીતે વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન રાજ્યમાં 2,08,74,450 સ્ત્રી મતદારો નોંધાયા હતા. જેમાં 2,20,377નો વધારો થતાં નવી મતદાર યાદીમાં કુલ સ્ત્રી મતદારો 2,10,94,827 નોંધાયેલા છે. આ ઉપરાંત ત્રીજી જાતિના જે 702 ઉમેદવારો હતા તેમાં 108નો વધારો થતા કુલ ત્રીજી જાતિના 810 ઉમેદવારો થયા છે. આમ, સમગ્રતયા જોઇએ તો વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજ્યમાં 4,35,28,520 મતદારો નોંધાયેલા હતાં તેમાં 4,46,973નો વધારો થતાં રાજ્યમાં કુલ 4,39,75,493 મતદારો નોંધાયેલા છે.

મુખ્ય નિર્વાચન અધિકારીના જણાવ્યા પ્રમાણે વર્ષ-2018ની મતદાર યાદીમાં હવે કુલ 8,52,279 મતદારો 18 થી 19 વર્ષની ઉંમરના નોંધાયેલા છે. જ્યારે 80 વર્ષથી મોટી ઉંમરના કુલ 7,15,187 મતદારો નોંધાયા છે. આમ, રાજ્યભરમાં કુલ નોંધાયેલા મતદારો પૈકી 2 ટકા જેટલા મતદારો 18 થી 19 વર્ષની વય ધરાવે છે. સૌથી મહત્વની વાત એ છે કે, મતદાર યાદીમાં નોંધાયેલા કુલ મતદારો પૈકી 99.99 ટકા મતદારોની ઇમેજ-ફોટોગ્રાફ મતદાર યાદીમાં સમાવેશ કરવામાં આવી છે. તેમજ 99.99 ટકા મતદારોને ચૂંટણી તંત્ર તરફથી મતદાર ફોટો ઓળખકાર્ડ આપી દેવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદી સુધારણાના આ કાર્યક્રમ દરમિયાન મતદાર યાદીની ખાસ ઝૂંબેશ માટે નિયત થયેલા દિવસોએ તમામ મતદાન સ્થળો ઉપર જે તે બી.એલ.ઓ. મતદાર યાદીની નકલ તથા ફોર્મ્સ સાથે હાજર રહ્યા હતા. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામસભાઓ તથા શહેરી વિસ્તારમાં સ્થાનિક સંસ્થાઓ અને નિવાસી કલ્યાણ સંઘો (RAWs)ની મીટીંગમાં બુથ લેવલ અધિકારી, મદદનીશ મતદાર નોંધણી અધિકારી તથા અન્ય અધિકારીઓ દ્વારા મતદાર યાદીના સંબંધિત ભાગ / સેકશનમાં સમાવિષ્ટ મતદારના નામ સહિતની વિગતોનું વાંચન કરી મતદાર યાદીની ચકાસણી કરવામાં આવી હતી.

મુખ્ય નિર્વાચન અધિકારીના જણાવ્યા પ્રમાણે તા.14/04/2018ના રોજ સંબંધિત મતદાર નોંધણી અધિકારી દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ વર્ષ-2018ની આખરી મતદાર યાદી મતદાર નોંધણી અધિકારીની કચેરી, કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરી, શહેરી વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના નાગરિક સુવિધા કેન્દ્ર (Civic Centre), મતદાન સ્થળો તેમજ કેટલાક જાહેર સ્થળો ઉપર મતદારો સરળતાથી પોતાનું નામ તથા વિગતો ચકાસી શકે તે માટે પ્રદર્શિત કરવામાં આવી છે. આ ઉપરાંત સમગ્ર રાજ્યની મતદાર યાદી મુખ્યનિર્વાચન અધિકારી(CEO)ની વેબસાઇટ (http://ceo.gujarat.gov.in) ઉપર પણ જોવા માટે ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

આ આખરી પ્રસિદ્ધ થયેલ મતદાર યાદીમાં સુધારા વધારા કરાવવા માટે ‘સતત સુધારણા’ (Continuous Revision) કાર્યક્રમ અંતર્ગત નિયત નમૂનામાં ફોર્મમાં તા.15/05/2018ના રોજથી સંબંધિત મતદાર નોંધણી અધિકારીને મતદાર અરજી કરી શકે છે. તા.01/01/2019ની લાયકાતની તારીખના સંદર્ભમાં તૈયાર થયેલ મતદાર યાદીના આધારે આગામી ચૂંટણીઓ યોજવામાં આવનાર છે. જેથી તમામ લાયક નાગરિકોને તેમને મતાધિકાર મળી રહે તે માટે મતદાર યાદીમાં નામ નોંધાયેલું હોય તે અત્યંત આવશ્યક છે. આમ, આગામી લોકસભા સામાન્ય ચૂંટણી-2019 પૂર્વે રાજ્યની મતદાર યાદી સંપૂર્ણ અને ક્ષતિરહિત તૈયાર થાય તે માટે ચૂંટણી તંત્રને સહકાર મળી રહે તે માટે જાહેર જનતાને અપીલ પણ કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp