વાઘને બચાવવા 966 કરોડ ખર્ચી નંખાયા

PC: livemint.com

કેન્દ્ર સરકાર પ્રોજેક્ટ ટાઇગરની પ્રગતિથી સંતુષ્ટ છે અને છેલ્લાં ચાર વર્ષમાં આ યોજના હેઠળ 966 કરોડની નાણાંકીય સહાય આપી છે. વિશ્વના કુલ વાઘમાંથી 70 ટકા વાઘ ભારતમાં છે અને તેમની સંખ્યા 2006માં 1411થી વધીને 2014માં 2226 થઈ છે. આ વૃધ્ધિનું કારણ 'વાઘ બચાવો' પરિયોજના હેઠળ આપવામાં આવતી નાણાંકીય અને ટેકનિકલ મદદને કારણે છે. કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન રાજ્ય મંત્રી ડૉ.મહેશ શર્માએ રાજ્ય સભામા સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા પ્રશ્નના જવબામાં આ માહિતી ઉપલબ્ધ કરાવી હતી.

ગૃહમાં રજૂ કરવામાં આવેલા નિવેદન અનુસાર, વાઘની વસ્તી ધરાવતાં રાજ્યોને કેન્દ્ર સરકાર પ્રાયોજિત વાઘ પરિયોજના હેઠળ નાણાંકીય મદદ આપવામાં આવે છે. કેન્દ્ર સરકારે વર્ષ 2014-15માં 175.02 કરોડ, વર્ષ 2015-16માં 154.85 કરોડ, વર્ષ 2016-17માં 342.25 કરોડ અને વર્ષ 2017-18માં (ફેબ્રુઆરી 2018 સુધીમાં) 294.09 કરોડની નાણાંકીય સહાય આપી છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

પરિમલ નથવાણી વાઘ બચાઓ પરિયોજના હેઠળ ફાળવવામાં-આપવામાં આવેલા ભંડોળ, વાઘ બચાઓ યોજનાની પ્રગતિ, વાઘની છેલ્લી વસ્તી ગણતરીમાં વાઘની સંખ્યામાં થયેલી વૃધ્ધિ અંગે જાણવા માંગતા હતા.

વાઘની વસ્તીગણતરી 2014 અનુસાર, દેશના 18 રાજ્યોમાં વાઘ જોવા મળે છે. ઝારખંડ રાજ્યમાં પલામુ રીઝર્વમાં વાઘ જોવા મળે છે. કેન્દ્ર સરકારે છેલ્લાં ચાર વર્ષમાં ઝારખંડ રાજ્યને 9 કરોડની નાણાંકીય સહાય વાઘ પરિયોજના હેઠળ આપી છે, એમ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું.

વાઘની વસ્તી ગણતરી 2014 અનુસાર, કર્ણાટક, કેરળ, તામિલનાડુ અને ગોવાના સમાવેશ સાથેના વેસ્ટર્ન ઘાટ્સ લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સમાં 776 વાઘ છે. આંધ્રપ્રદેશ (તેલંગાણા સહિત), છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓરીસ્સા, રાજસ્થાન અને ઝારખંડના સમાવેશ સાથેના સેન્ટ્રલ ઇન્ડિયન લેન્ડસ્કેપ કોમ્પ્લેક્સ અને ઇસ્ટર્ન ઘાટ્સ કોમ્પ્લેક્સમાં 688 વાઘ જોવા મળે છે.

રાજ્ય પ્રમાણે, કર્ણાટકમાં સૌથી વધારે 406 વાઘ નોંધાયા હતા, ત્યાર બાદ ઉત્તરાખંડમાં 340 વાઘ અને મધ્યપ્રદેશમાં 308 વાઘ નોંધાયા હતા, એમ મંત્રીના નિવેદનમાં જણાવાયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp