26th January selfie contest

લગ્નના 1 મહિના સુધી પતિને હાથ ન લગાડવા દીધો અને પછી દાગીના લઈને છૂ થઇ ગઇ દુલ્હન

PC: divyabhaskar.co.in

ફરી એક વખત અમદાવાદ શહેરમાં લૂંટેરી દુલ્હનની ઘટના સામે આવી છે. અમદાવાદના એક યુવકને સમાજમાંથી લગ્ન માટે યુવતી નહીં મળતાં તેણે અન્ય સમાજની યુવતી સાથે લગ્ન કર્યા હતા. જો કે, લગ્ન બાદ આ યુવકે આ યુવતી સાથે એક મહિના સુધી પતિ-પત્ની તરીકેના શારીરિક સંબંધ પણ બાંધ્યા નહીં હતા. જે અંતર્ગત એક વખત યુવકને મંદિર જવાનું કહીને આ યુવતીએ ઘરમાંથી દાગીના કાઢીને પહેર્યાં હતાં. અને ત્યારબાદ તે દાગીના લઈને ફરાર થઈ ગઈ હતી. આથી યુવકે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી.

રિપોર્ટ મુજબ અમદાવાદના નિર્ણયનગરમાં રહેતા એક યુવકના લગ્ન થઈ રહ્યા નહીં હતા. આથી આ યુવકે પોતાના પાડોશમાં રહેતાં એક વ્યક્તિને પોતાના માટે કોઈ પણ સમાજની છોકરી શોધી આપવા માટે જણાવ્યું હતું. ત્યારબાદ પાડોશમાં રહેતાં વ્યક્તિ દ્વારા આ યુવતીનો સંપર્ક કરાવવામાં આવ્યો હતો. જેની સાથે એક નાની સાતેક વર્ષની છોકરી પણ હતી. આ છોકરીને લઈને યુવકે સવાલ કરતાં મહિલાએ કહ્યું હતું કે, તેના છૂટાછેડા થઈ ગયાં છે. તમે જો મારી સાથે લગ્ન કરવા માંગતાં હોવ તો, તમારા ઘરે હું મારી દીકરીને લઈને આવીશ.

જે બાદ યુવકે લગ્નની તૈયારી બતાવતા એ બંને મોબાઈલ પર વાતચીત કરવા લાગ્યા હતા. જે પછી યુવતીએ લગ્ન કરવા માટે હાં કહ્યું હતું અને કહ્યું હતું કે, તમે કહો ત્યારે લગ્ન કરીશું. પરંતુ મારે ચાંદીની ચાર પાયલ, સોનાની બંગડી તથા મંગળસૂત્ર જોઈશે અને તમારે તે લાવી આપવાની રહેશે. જે બાબતે યુવકે પોતાના ઘરે વાત કરતાં ગાંધીનગરના એક જ્વેલર્સ પાસેથી યુવકના પરિવારે દાગીનાની ખરીદી કરી હતી. ત્યારબાદ થોડા દિવસમાં જ કોર્ટમાં બંનેએ લગ્ન કરી લીધા હતાં.

આ યુવતી લગ્ન બાદ એક મહિના સુધી યુવકની સાથે રહી હતી, પણ બંનેએ પતિ-પત્નીના હકો ભોગવ્યા નહીં હતા. પતિ દ્વારા જ્યારે પણ સંબંધ બાંધવાની વાત કરવામાં આવતી ત્યારે આ યુવતી કહેતી કે, મારી તબિયત સારી નથી, સારી થાય પછી આપણે સંબંધ બાંધીશું. જે બાબતે પતિએ કોઈને કઈં કહ્યું નહીં હતું. પરંતુ તેણે તેના પાડોશીને આ બાબતે વાત કરી હતી. જે બાબતે પાડોશીએ કહ્યું હતું કે, કોઈ મહિલા દ્વારા તેને સમજાવીશું. જે બાદ એક દિવસ પતિએ ફરીથી સંબંધ બાંધવા માટે પત્નીને કહેતા તેણે ઝગડો કર્યો હતો.

જે બાદ એક દિવસ કબાટમાં પડેલા દાગીના પહેરીને પત્નીએ મંદિર જવાનું કહેતા પતિએ સવાલ પણ કર્યો હતો કે, મંદિર જવા માટે દાગીના શું કામ પહેરે છે. ત્યારે તેણે કહ્યું હતું કે, મંદિરથી આવીને હું દાગીના કાઢી નાખીશ. આમ કહી તે મંદિરે જતી રહી હતી. જો કે, મંદિરે ગયાના એકાદ કલાક સુધી તે પાછી નહીં આવતાં યુવકને કંઈક અજૂગતું થયું હોવાનું લાગતાં. તેણે પત્નીને ફોન કર્યો હતો ત્યારે તેણે કહ્યું કે, મારી સાથે તું છૂટાછેડા લઈ લે, હું ક્યારેય પાછી તારી પાસે આવવાની નથી. આમ આ સમગ્ર ઘટના બન્યા બાદ યુવકને પોતાના સાથે છેરપિંડી થઈ હોવાની જાણ થતાં તેણે પોલીસ સ્ટેશનમાં જઈ ઘરેણાં લઈને ફરાર થઈ ગયેલી યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે છેતરપિંડીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp