ઓનલાઈન ગેમમાં 24 લાખ ગુમાવી દેતા પોલીસકર્મીએ ઘર છોડી હર્ષ સંઘવી પાસે મદદ માગી

PC: khabarchhe.com

અરવલ્લી જિલ્લાના મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ ઓનલાઈન ગેમ રમવાની લતમાં રૂ. 24 લાખનું આંધણ કર્યા બાદ દેવાના ભાર નીચે દબાઈ પોતાનો મોબાઇલ સ્વીચ ઓફ કરીને ઘર છોડી દેતા પરિવારજનો અને પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરી ગુમ થએલા પોલીસકર્મીને શોધી કાઢી પરિવારને સુપ્રત કરતા હાશકારો અનુભવાયો હતો.

અરવલ્લી જિલ્લાના પીપરાણા ગામના મૂળ વતની અને મોડાસા ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા નવઘણભાઈ ભરવાડ છેલ્લા કેટલાક અરસાથી ઓનલાઈન ગેમના રવાડે ચઢી ગયા હતા. આ લતના કારણે અગાઉ રૂ. 8 લાખનું દેવું થઈ જતા આ દેવું માંડ માંડ પરિવારજનોએ ભરી દીધું હતું. પરંતુ ઓનલાઈન ગેમની ખરાબ લતે ચઢી ગયેલા આ પોલીસકર્મીએ તાજેતરમાં જ રૂ. 24 લાખનું દેવું કરી દીધું હતું. દેવાના ભાર નીચે દબાઈ ગયેલા નવઘણ ભરવાડે 24 કલાક પહેલા મોબાઇલ પર વીડિયો બનાવી વાયરલ કરી દીધો હતો અને પોતાના મોબાઇલને સ્વીચ ઓફ કરી દઈ ઘર છોડી દીધું હતું.

પોલીસકર્મી કોઈ અઘટિત પગલું ન ભરી બેસે તે માટે પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ અલગ-અલગ ટીમો બનાવી પોલીસકર્મીની શોધખોળ શરૂ કરી દેતા ટેક્નિકલ સર્વેલન્સ અને છેલ્લા મોબાઇલ લોકેશન પ્રમાણે મળેલી સચોટ વિગત લઈ પોલીસકમી નવઘણ ભરવાડને મજરા નજીકથી હસ્તગત કરી લીધો હતો. પોલીસે નવઘણ ભરવાડને તેના પરિવારજનોને સુપ્રત કર્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, નવઘણ ભરવાડ નામના પોલીસકર્મીએ દેવામાંથી બહાર કાઢવા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીને ઉદ્દેશીને વીડિયો વાયરલ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp