રાજ્યભરમાં તા. 14 થી 21 જાન્યુઆરી સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી કરાશે

PC: dnaindia.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ રાજ્યમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.14 થી 21 જાન્યુઆરી-2021 સુધી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે. જે અંતર્ગત રાજ્યભરમાં અબોલ પ્રાણીઓના કલ્યાણને લગતા તથા તેમના પ્રત્યે પ્રેમ વધે તે સંલગ્ન વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. ગત વર્ષે પ્રાણી કલ્યાણ પખવાડિયાની ઉજવણી દરમિયાન 1.16 લાખથી વધુ અબોલ પ્રાણીઓની સારવાર કરી તે તમામને તંદુરસ્ત કરવામાં આવ્યા હતા. COVID-19ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારની ગાઇડલાઇનના ચૂસ્ત પાલન સાથે સમગ્ર ઉજવણી કાર્યક્રમ યોજાશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા જણાવાયું છે.

વર્ષ-2020માં થયેલી પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી દરમિયાન પશુકલ્યાણના કરવામાં આવેલા કાર્યો અંગે વિગત આપતા બોર્ડ દ્વારા જણાવાયુ છે કે, પ્રાણી કલ્યાણ પખવાડિયા 2020 દરમિયાન 450 જેટલા ‘પશુ સારવાર કેમ્પસ’ ઉભા કરવામાં આવ્યા હતા જેમાં 1,16,527 પશુઓની સારવાર કરાઇ હતી. તે ઉપરાંત 2,417 પશુઓનું રસીકરણ અને 1,816 પશુઓનું ખસીકરણ કરવામાં આવ્યુ હતું. જ્યારે 4,590 બિનવારસી, બીમાર અને ઇજાગ્રસ્ત પશુઓની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી હતી. ગત વર્ષના પ્રાણી કલ્યાણ પખવાડીયાની ઉજવણી કાર્યક્રમ દરમિયાન 281 જેટલી પ્રાણી કલ્યાણ સંસ્થાએ મુલાકાત લીધી હતી. પ્રાણી કલ્યાણ પખવાડિયા-2020માં 50,828 પશુ સારવાર સંસ્થાઓએ પોતાનું યોગદાન આપ્યુ હતું. તેમજ 68 પ્રાણી કલ્યાણ ગ્રામસભાનું પણ આયોજન કરવામાં આવ્યુ હતું. કરૂણા અભિયાન-2021 અંતર્ગત S.P.C.A. (Society for the Prevention of Cruelty to Animals) દ્વારા ઓછામાં ઓછા બે પશુ સારવાર કેન્દ્રો ખોલવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે.

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડનો મુખ્ય હેતુ તમામ જીવોનું કલ્યાણ, પ્રાણી કલ્યાણની પ્રવૃત્તિઓ, પશુઓને બંધનમુક્ત કરવા તેમજ પ્રાણીઓના સંરક્ષણ કરવા સહિતના કાર્યો કરવાનો છે. પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા રચાયેલ પ્રાણી ક્રુરતા નિવારણ સમિતિ 33 જિલ્લાઓમાં કાર્યરત છે.

સમગ્ર પખવાડિયા દરમિયાન જનજાગૃતિને લગતા કાર્યક્રમોનું આયોજન કરીને બોર્ડ દ્વારા નાગરિકોને ગૌશાળાઓ દ્વારા ગાયોના છાણ તથા મુત્રનો ઉપયોગ, બાયોગેસ, વર્મી કમ્પોઝ્ડ, બાયો-પેસ્ટીસાઇઝ્ડ, ઓર્ગેનીક સાબુ, અગરબત્તી તથા પંચગવ્ય ઔષધિઓ બનાવવા અંગેની સમજ અપાશે. વિવિધ સંસ્થાઓ દ્વારા સર્જીકલ કેમ્પ, વંધત્વ નિવારણ કેમ્પ, અટીરેબીસ કંટ્રોલ પ્રોગ્રામ તેમજ તાલીમ શિબિરને પ્રાણી પખવાડીયાની ઉજવણીમાં સામેલ કરવામાં આવી છે. શાળા, કોલેજ, કન્યા કેળવણી મંડળો તેમજ ગ્રામ પંચાયતો અને નગરપંચાયતો તરફથી પ્રાણી કલ્યાણ અને પ્રાણી પ્રત્યે પ્રેમ, દયા વિશે ચર્ચાઓ, વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજવામાં આવશે. પશુઓને ખુલ્લામાં ટાઢ, તાપ અને વરસાદમાં લાંબા સમય સુધી બાંધી રાખવામાંથી મુક્તિ આપવા લોકોને સમજ અપાશે તેમજ ઇરાદાપૂર્વક ઘાતકીપણું અટકાવવા પગલાં લેવામાં આવશે. પખવાડિયા દરમિયાન પ્રાણી કલ્યાણનું કામ કરતી સંસ્થાઓની મુલાકાત લઇ પ્રાણીઓ પ્રત્યે માયાળું વર્તન કરવાનું સૂચન કરવામાં આવશે.

રખડતા પશુઓના આરોગ્યને પ્લાસ્ટીકની કોથળી ખાવાના કારણે નુકશાન થાય છે તો કેટલાક સંજોગોમાં પશુના મૃત્યુ થવાની સંભાવના પણ રહે છે. તે બાબતે વધુ ભાર આપી નાગરિકો ઘરનો કચરો, રસોડાનો વધેલો ખોરાક અથવા એઠવાડ, પ્લાસ્ટીકની કોથળી જાહેર રસ્તા પર ન ફેંકે તે અંગે નાગરિકોને યોગ્ય માર્ગદર્શન પણ અપાશે. રખડતા કુતરાઓ પર ક્રુરતા ન આચરવામાં આવે તેની પણ ખાસ તકેદારી લેવામાં આવશે. પખવાડીયા દરમિયાન દરેક પશુચિકિત્સક અધિકારીઓ તથા પશુઘર નિરીક્ષક દ્વારા કોઇપણ બિમાર કે ઇજા પામેલ બિનવારસી પ્રાણીઓની સારવાર માટે જીવદયા સંસ્થા કે કોઇપણ વ્યક્તિ લાવે તો વિનામૂલ્યે સારવાર અપાશે.

ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ દ્વારા જનજાગૃતિ માટે વિવિધ પોસ્ટરો છપાવવા ઉપરાંત પ્રાણી કલ્યાણ પખવાડિયા દરમિયાન ગ્રામ્ય કક્ષાએ યોજાતી શિબિરો દરમિયાન ગૌવંશ હત્યાના પ્રતિબંધ ધારો અમલમાં છે તેની જનજાગૃતિ કેળવવા માટે પ્રચાર કરાશે. તે ઉપરાંત પક્ષીઓ માટે સાનુકુળ વૃક્ષો જેવા કે જાંબુ, લીમડો, પીપળો, શીમળ જેવા વૃક્ષોના મોટા પ્રમાણમાં વાવેતર માટે લોકોને અનુરોધ કરતી પ્રવૃત્તિઓ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ‘ઓકસિટાંસીન’ ઇન્જેકશનના દુરૂપયોગ બાબતે લોકજાગૃતિ લાવવા પણ પુરતા પ્રયાસો કરવામાં આવશે તેમ ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડની યાદીમાં જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp