ગુજરાતના આ શહેરમાં 10 દિવસના લોકડાઉનની જાહેરાત, તમામ દુકાનો અને બજારો બંધ રહેશે

PC: youtube.com

ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ દિવસેને-દિવસે વધી રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા પહેલા 29 શહેરોમાં 5 મે સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા અને હવે કુલ 36 જેટલા શહેરોમાં રાત્રી કર્ફ્યૂ સહિતના પ્રતિબંધો 12 મે સુધી લગાવવામાં આવ્યા છે. આ પ્રતિબંધો દરમિયાન માત્ર જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓની દુકાનો જ ખોલવા માટેની છૂટછાટ આપવામાં આવી છે. તો બીજી તરફ જે જગ્યા પર સરકારે પ્રતિબંધ નથી લગાવ્યા તે જગ્યા પર કોરોનાનું સંક્રમણ વધતાં સ્થાનિક ગામડાના લોકો પણ હવે સ્વેચ્છિક લોકડાઉન નિર્ણય લઇ રહ્યા છે. ત્યારે હવે મહેસાણાના જાણીતા યાત્રાધામ બહુચરાજીમાં પણ સ્થાનિક લોકો અને વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉનનો નિર્ણય કરવામાં આવ્યો છે. લોકડાઉન દરમિયાન તમામ દુકાનો અને ધંધા વેપારીઓ દ્વારા બંધ રાખવામાં આવશે.

રિપોર્ટ અનુસાર યાત્રાધામ બહુચરાજીમાં કોરોના પોઝિટિવ કેસો વધતા હોવાના કારણે બહુચરાજી ગ્રામ પંચાયત અને વેપારી એસોસિયેશનની બેઠક મળી હતી. આ બેઠકમાં એવો નિર્ણય કરવામાં આવ્યો છે કે, બહુચરાજીમાં 7 મેથી 10 દિવસ સુધી સ્વેચ્છિક લોકડાઉન પાડવામાં આવશે એટલે કે, 7 મેથી 16મે સુધી બહુચરાજીમાં 10 દિવસનું લોકડાઉન વેપારીઓ અને સ્થાનિક લોકોએ સાથે મળીને લાગુ કર્યું છે.

લોકડાઉન દરમિયાન માત્ર જીવનજરૂરિયાતની ચીજવસ્તુ મળતી દુકાનો ખુલ્લી રહેશે. તો બીજી તરફ બહુચરાજીના લોકોને પણ કામ વગર ઘરની બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. જે લોકો ઘરની બહાર નીકળે છે તેમને પણ સામાજિક અંતર અને માસ્કના નિયમોનું પાલન કરવાનું કહેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 4 મેના રોજ 13050 જેટલા પોઝિટિવ કેસો સામે આવ્યા હતા અને 131 લોકોના મોત થયા હતા. અત્યાર સુધીમાં રાજ્યમાં 7770 લોકોના કોરોનાના કારણે મોત થયા છે અને હાલ રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1,48,297 પર પહોંચ્યો છે અને 778 લોકો વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ હવે ધીમે-ધીમે વધી રહ્યો છે. હાલ રાજ્યમાં રિકવરી રેટ 74.85 ટકા થયો છે.

મહત્ત્વની વાત છે કે, હાલ ગુજરાતમાં પરિસ્થિતી ખૂબ જ વણસી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. તો કેટલાક વેપારીઓ એસોસિએશન દ્વારા સરકાર પાસે લોકડાઉનની માગણી કરવામાં આવી રહી છે. તો બીજી તરફ ડોક્ટરો દ્વારા પણ રાજ્યમાં 15 દિવસનું લોકડાઉન લાગુ કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી રહી છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp