કાશ્મીર સરહદ પર ફરજ બજાવતા વડોદરાના જવાનનું બાઈક પરથી પટકાતા મોત

PC: youtube.com

ભારતીય લશ્કરમાં કાશ્મીર સરહદ પર ફરજ બજાવતા જવાનની દિવાળીની રજાઓ પૂરી થતા તે પોતાની ફરજ પર જવા રવાના થયો હતો, તે સમયે બાઈકમાં કોઈક કારણોસર આગ લાગતા જવાન બાઈક સાથે રસ્તા પર પટકાયો હતો. આ ઘટનાને પગલે કેટલાક રાહદારીઓ દ્વારા જવાનને સારવાર માટે 108 દ્વારા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ફરજ પરના ડૉક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.

એક રિપોર્ટ અનુસાર, 25 વર્ષના અમિત નાયક છેલ્લા 5 વર્ષથી ભારતીય લશ્કરમાં ફરજ બજાવતા હતા અને તેઓ ઘોઘંબાના લામડાધરા ગામના કાટુ ફળિયામાં રહેતા હતા. અમિત નાયકનું પોસ્ટિંગ કાશ્મીર બોર્ડર પર હતું અને તેઓ દિવાળીની રજાઓ પરિવાર સાથે વિતાવવા માટે પોતાના વતનમાં આવ્યા હતા. દિવાળીનું વેકેશન પૂર્ણ થતા તેમણે ફરજ પર પરત જવાનું હતું અને તેમના ગામથી કોઈ ટ્રેન ન હોવાના કારણે અમિત નાયક તેમના બનેવી પ્રમોદ નાયકની સાથે તેમની બાઈક લઇને વડોદરા જવા માટે રવાના થયા હતા.

જ્યારે તેઓ વડોદરા-હાલોલ રોડ પર આવેલી સર્વોત્તમ હોટેલની સામે વિઠ્ઠલપુરા ગામથી થોડા દૂર હતા ત્યારે બાઈકમાં અચાનક કોઈક કારણોસર આગ ભભૂકી ઉઠી હતી. બાઈકમાં આગ લાગવાના કારણે અમિત નાયક પગના ભાગે ગંભીર રીતે દાઝી ગયા હતા. બાઈકમાં આગ લાગતા અમિત નાયકે બાઈક પરથી કાબુ ગુમાવ્યો હતો, તેથી બાઈક રસ્તા પર પડી ગઈ હતી અને બાઈકની સાથે તેઓ પણ રસ્તા પર પટકાયા હતા. આ ઘટનાને પગલે આસપાસના રાહદારીઓ ઘટના સ્થળ પર એકઠાં થઈ ગયા હતા અને ગંભીર રીતે ઘાયલ થયેલા આર્મી જવાન અમિત નાયકને 108ની મદદથી અમદાવાદની SSG હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

SSG હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટરોએ અમિત નાયકની તપાસ કરીને તેમને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતા હાલોલ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ પછી અકસ્માતના બીજા દિવસે અમિત નાયકનો મૃતદેહ આર્મીના વાહનમાં અમિત નાયકના વતન લામડાધરા ગામમાં લઇ જવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp