કોંગ્રેસમાં વંટોળ, સુરતમાં લાગ્યા બેનર: મુસલમાન કો ટીકટ નહી તો વોટ નહી

PC: Khabarchhe.com

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા સુરત શહેરની 12 વિધાનસભા પૈકી એક પણ સીટ મુસ્લિમ ઉમેદવારને નહી આપવાના લેવાયેલા નિર્ણયની વિરુધ્ધમાં સુરતનાં મુસ્લિમ યુવાનો હવે આક્રમક રીતે રસ્તા પર ઉતરી આવ્યા છે. સુરતનાં નાનપુરા અને કાદરશાની નાળમાં મુસ્લિમ યુવાનોએ બેનર લગાવી વિરોધ શરૂ કર્યો છે.

પાછલા કેટલાક દિવસોથી સુરત કોંગ્રેસનાં મુસ્લિમ યુવાનોમાં ઉકળતો ચરૂ જોવા મળી રહ્યો છે. મુસ્લિમ યુવાનોએ નાનપુરા ખાતે આવેલી જૂની કોંગ્રેસ ઓફિસ ખાતે મીટીંગ કરી સુરત પૂર્વ અને લીંબાયત વિધાનસભા પૈકી એક બેઠક મુસ્લિમને આપવા માટે માંગ કરી હતી અને માંગને કોંગ્રેસ હાઈકમાન્ડ સુધી પહોંચાડવામાં આવી હતી.

કોંગ્રેસ હાઈકમાન્ડ સુરતમાં મુસ્લિમ સમાજને ટીકીટ આપે તે માટે સુરત પૂર્વ વિધાનસભાનાં કોંગ્રેસના યુવાન કાર્યકરોએ રસ્તા પર બેનર લગાડી લખ્યું છે કે મુસલમાન કો ટીકટ નહી તો મુસલમાન કો વોટ નહી. કોંગ્રેસનાં મુસ્લિમ યુવાનોએ આ વખતે સિનિયર નેતાઓની કોઈ દરકાર રાખ્યા વગર કોંગ્રેસ હાઈકમાન્ડ પર આ રીતે ટીકીટ આપવા માટે પ્રેશર ઉભું કર્યું છે.

આવનાર દિવસોમાં સિનિયર નેતાઓનાં ધેરાવથી લઈ રેલી અને વિરોધ પ્રદર્શન કરવાની પણ તૈયારી કરવામાં આવી રહી છે. સુરત પૂર્વની બેઠક પરથી મુસ્લિમનાં બદલે અન્યને ટીકીટ આપવાનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસનાં યુવા નેતા ફિરોજ મલેક, સલીમ ઘડીયાળી, અસલમ સાયકલવાળા, ફિરોઝ પઠાન, મુકદ્દર રંગુની, સાજીદ શેખ, શાન ખાન, મકસુદ મીર્ઝા વગેરેએ મુસ્લિમને ટીકીટ આપવા માટે માગ કરી છે.

બીજી તરફ કોંગ્રેસનાં અન્ય એક ગ્રુપે ગઈકાલે મીટીંગ કરી હતી. આ મીટીંગમાં રાંદેરનાં પૂર્વ કોર્પોરેટર ઈકબાલ મલેકે કાદરશાની નાળનાં લોકો ચૂંટણીમાં રૂપિયા ખાઈ ગયા હોવાની વાતને લઈ ભારે બબાલ થઈ હતી. આ મીટીંગમાં ઈકબાલ મલેકે કરેલી ટીપ્પણીથી મુસ્લિમો ઉશ્કેરાઈ ગયા હતા. છેવટે ઈકબાલ મલીકે માફી માંગવી પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp