બંગાળની પ્રેમિકા 4 વર્ષના બાળકને લઈ 18 વર્ષના પ્રેમીને મળવા ગુજરાત આવી પછી...

PC: tadst.com

લંકાની લાડી અને ઘોઘાનો વર જેવી એક ઘટના ગુજરાતમાં સામે આવી છે. એવું કહેવામાં આવે છે કે પ્રેમ આંધળો હોય છે અને પ્રેમને ઉંમરની સાથે કોઈ લેવાદેવા હોતા નથી. ત્યારે આવી જ ઘટના વિદ્યાનગરમાં સામે આવી છે. આ ઘટનામાં બંગાળની પરિણીતા પ્રેમિકા તેના પ્રેમીને મળવા પોતાની સાથે એક પુત્રને લઈને આણંદ આવી પહોંચી હતી. પરિણીતાએ આણંદ આવીને પ્રેમી સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી હતી પરંતુ આ મામલે યુવકના પરિવારના સભ્યોએ મહિલા અભયમ્ હેલ્પલાઇનની ટીમનો સંપર્ક કરતા પરિણીતાને નારી સંરક્ષણ ગૃહમાં મોકલીને તેને સમજાવવામાં આવી હતી.

રિપોર્ટ અનુસાર આણંદમાં રહેતા 18 વર્ષના રાજેશને બંગાળની એક પરિણીતા સાથે મિત્રતા થઈ હતી. સોશિયલ મીડિયામાં મિત્રતા થયા બાદ બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો અને ત્યારબાદ રાજેશ અને પરિણીતાએ મોબાઈલ નંબરની આપ લે કરી હતી. મોબાઈલમાં વાત કરતા કરતા બંને વચ્ચેનો પ્રેમ ખૂબ જ ગાઢ બની ગયો. રાજેશ પણ પરિણીતાને પ્રેમ કરવા લાગ્યો હોવાના કારણે તેને બંગાળમાં રહેતી પરિણીતાને ગુજરાત આવવાનું કહ્યું હતું. તેથી પરિણીતા રાજેશના પ્રેમમાં પાગલ થઈને તેના પતિને છોડવા પણ તૈયાર થઈ ગઈ હતી અને પાગલ બનેલી પ્રેમિકાએ ગુજરાત આવવાનું નક્કી કર્યું. તેથી પ્રેમિકાને બંગાળથી ગુજરાતમાં આવવા માટે રાજેશે ટિકિટ બુક કરાવી આપી હતી અને જેના માધ્યમથી પરિણીતા રાજેશના ઘરે વિદ્યાનગરમાં પહોંચી હતી.

પરિણીતા રાજેશના ઘરે આવતા રાજેશનો ભાંડો ફૂટયો હતો અને આ જ કારણે રાજેશના ઘરમાં હોબાળો થયો હતો. પરિણીતા તેના પતિને છોડીને ચાર વર્ષના સંતાનને સાથે લાવી હતી..તેથી આ બાબતે તાત્કાલિક રાજેશના પરિવારના સભ્યોએ મહિલા અભયમ હેલ્પલાઇનની ટીમની મદદ માગી હતી. તેથી અભયમ હેલ્પલાઇનના કાઉન્સીલરો રાજેશના ઘરે પહોંચ્યા હતા અને બંગાળની પરિણીતાને નારી સંરક્ષણ ગૃહમાં લઈ જવામાં આવી હતી અને ત્યાં તેનું કાઉન્સિલીંગ કરવામાં આવ્યું હતું અને તેને સમજાવવામાં આવી હતી. ત્યારબાદ પરિણીતાના પતિને પણ ફોન કરીને આ બાબતે માહિતી આપવામાં આવી હતી. આ ઘટનામાં મહત્વની વાત એ છે કે, રાજેશ માત્ર 18 વર્ષનો હોવાના કારણે તે કાયદાકીય રીતે લગ્નની ઉંમર ધરાવતો ન હતો પરંતુ બંગાળની પરિણીતાએ રાજેશની સાથે લગ્ન કરવાની જીદ્દ પકડી હતી કે હું હવે ક્યાંય પણ જઈશ નહીં પ્રેમી સાથે જ રહેવાની છું. મહિલા અભયમ હેલ્પલાઇનના કાઉન્સિલરોની સમજાવટ બાદ પણ આ કેસમાં હજુ સુધી કોઈ નિવેડો આવ્યો નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp