ભાણવડમાં ભાંજગડઃ નગરપાલિકા પ્રમુખ અને તેમના પતિ વિકાસના કામો થવા દેતા નથી

PC: khabarchhe.com

ભાજપનો આંતરિક વિખવાદ સામે આવી રહ્યો છે. દ્વારકા જિલ્લાના ભાણવડ નગરપાલિકાના કારોબારી અધ્યક્ષ નિમિશ ઘેલાણીએ નગરપાલિકાના પ્રમુખ પર વિકાસના કામો નહીં કરવા દેતા હોવાના આક્ષેપો લગાવીને રાજીનામું આપી દીધું છે. ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ વચ્ચે આંતરીક વિખવાદ સામે આવ્યો છે. નગરપાલિકાના પ્રમુખ પર આક્ષેપો કરતા નિમિશ ઘેલાણીએ કહ્યું છે કે, નગરપાલિકાના પ્રમુખ અને તેના પતિ દ્વારા કોઈપણ પ્રજાલક્ષી કામ કરવામાં આવતા નથી. નગરપાલિકાના પ્રમુખને વારંવાર જનતાના કામો કરવાની અપીલ કરવામાં આવે છે છતાં પણ જનતાના એક પણ કામ થતા નથી. નગરપાલિકાના પ્રમુખ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે.

20 ફેબ્રુઆરી 2018માં ભાણવડ નગરપાલિકાનો એક અજબ કિસ્સો ચૂંટણી પંચની ગાંધીનગરની કચેરી સમક્ષ આવીને પડ્યો હતો. વોર્ડ નંબર ત્રણમાં EVMની મતગણતરી પૂરી થઈ ત્યારે અપક્ષ અને ભાજપના ઉમેદવારને એક સરખા 907 મત મળ્યા હતા. તેથી નાની બાળકી દ્વારા ચિટ્ઠી ખેંચવાનું નક્કી કરાયું હતું. જેમાં ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર કરાયા હતા. એક બાળકીએ સત્તા અપાવી હોવા છતાં ભાજપના નેતાઓ આંતરિક લડાઈ લડી રહ્યાં છે.

પ્રમુખ પદે અનુસૂચિતજાતિ અનામત બેઠક ઉપર 35 વર્ષના યુવાન જ્યોત્સના હિતેષભાઈ સાંગઠિયા ચૂંટાઈ આવ્યા હતાં. ઉપપ્રમુખ પદે કિશોર નરસીભાઈ ખાણધર બહુમતિથી ચૂંટાઈ આવ્યા હતાં. જ્યોત્સનાબેન સામાન્ય મહિલા બેઠક ઉપરથી ચૂંટાયા હતાં. ગત્ ટર્મમાં તેમના પતિ પણ નગરપાલિકામાં સભ્ય હતાં. નગર પાલિકાના ભાજપના સભ્ય અને યુવા ભાજપના શહેર પ્રમુખ ચેતન શેઠે રાજીનામું આપી દીધું હતું. પક્ષ પર દબાણ વધારવા માટે રાજીનામું આપ્યું હતું. નગરપાલિકામાં પ્રમુખ જયોત્સનાબેન સાગઠીયા, ઉપપ્રમુખ કિશોરભાઇ ખાણધર સિમેન્ટના રોડ બનેલા છે તે અંગે સતત પ્રશ્નોથી ઘેરાયેલા રહેતાં છે. હવે તેમના જ સભ્યોનો હુમલો થયો છે.  ભાણવડના ભાજપના પ્રદેશ નેતા અને ગ્રામ ગૃહનિર્માણ બોર્ડના અધ્યક્ષ તથા પૂર્વ પ્રધાન મુળુ બેરા અહીંની સ્થિતી સંભાળવામાં નિષ્ફળ રહ્યાં છે.

ગુંડાગીરી

2018માં ભાણવડ સતાધિશો માટે ઘરની જાગીર હોય તેમ પ્રજાના કામ કરવાના બદલે સતાધિશો સત્તાના મદમાં રીતસર ગુંડાગીરી ઉપર ઉતરી આવ્યા હતા. કારોબારી સમિતિની બેઠક કોઇ રાજકીય પક્ષની બેઠક હોય તેમ મહિલા સદસ્યોના પતિદેવો તેમજ સગા સબંધિઓ હાજર રહ્યાં હતા.  પાલિકા મહિલા પ્રમુખના પતિદેવ અધ્યક્ષ સ્થાનની ખુરશીઆે સમકક્ષ બેસી પ્રમુખશાહી કરી રહ્યાં હતા. દોઢ માસ થવા છતાં પ્રજાના પ્રશ્નોનું નિરાકરણ ન કરવામાં આવતા તે અંગે ઉગ્ર રજુઆત કરતા પાલિકા પ્રમુખના પતિદેવ અને કારોબારી ચેરમેન નગરપાલિકા જાણે પોતાની જાગીર હોય તેમ પ્રજા પ્રશ્નોને કોરાણે મુકી ખુદ ભાજપના યુવા હોદેદારોને માર મારવા સુધી ઉતરી આવ્યા હતાં. ભાજપના જ રાજમાં ભાજપની જ ગુંડાગીરી થતી હોવાનું ભાણવડ નગરપાલિકામાં રીતસર જોવા મળ્યું હતું. જે પાલિકતાના સભ્યો ન હતા તેઓ ખુરશી પર બેસી ગયા હતા. જામજોધપુરના પૂર્વ કૃષિ પ્રધાન પણ આંખો બંધ કરીને મજા લઈ રહ્યાં છે. 

કોંગ્રેસે તેનો વિરોધ કરીને સભામાંથી બહાર નિકળી જવા મજબુર બનવું પડયું હતું.

આ સમયે ત્યાં ઉપસ્થિત રહેલા ગ્રામગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી જે.કે. કણજારીયા તથા શહેર ભાજપ મહામંત્રી રામભાઇ આેડેદાર હાજર હતા. ત્યારે મામલો બગડ્યો હતો. થોડી મિનિટોમાં સભા પૂરી કરી દેવી પડી હતી. પત્રકારોને તેના અહેવાલો તૈયાર કરતા રોકીને બહાર કાઢી મૂકવા દાદાગીરી કરી હતી. છતાં મૂળુ બેરાએ કોઈ જ દરમિયાનગીરા કરી ન હતી.

સત્તાનો નશો

ભાણવડ નગરપાલિકા પર સતત એક હથ્થું શાસન ભોગવતી આવેલા ભાજપને સત્તાનો નશો ચઢી ગયો હતો. જે હવે રાજીનામાં પડતાં ઉતરે એવી શક્યતા ઊભી થઈ છે. શહેરની રોડ, સફાઇ, સ્ટ્રીટ લાઇટો, રેઢીયાળ ઢોરોની સમસ્યા ઉકેલવાને બદલે પેટા કોન્ટ્રાકટરો મેળવવાની સતત ગોઠવણમાં રચ્યા પચ્યા રહેતા સતાધિશો ત્યાં સુધી રઘવાયા થયા છે કે મોવડી મંડળનું પણ સાંભળતા નથી. ભ્રષ્ટાચારે માજા મૂકી છે. તે માટે મૂળુ બેરા જવાબદાર છે. 2017માં ભાણવડ નગરપાલિકાના પ્રમુખ લખન ભૂતિયા હતા. અગાઉ ભાણવડ તાલુકા પંચાયત પણ ભાજપના બળવાખોરોને લીધે કોંગ્રેસના હાથમાં ગઇ હતી.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp