ફાટેલા ઢોલથી નગર ઢંઢેરો ન પિટાય ભરતસિંહ સોલંકી...

PC: Khabarchhe.com

ગુજરાત કોંગ્રેસે પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા 50 જણાને નોટીસ ફટકારી છે. નોટીસનો ક્રાઈટેરીયા શું હતો તે કોઈ કહી શકે તેમ નથી. માત્ર ભરતસિંહ સોલંકીના રિપોર્ટને માન્ય રાખી કોંગ્રેસ નામના હાઈકમાન્ડે મોટા મગરમચ્છોને છોડી દીધા છે. ભરતસિંહની મજબૂરી હતી કે પછી પોતાની હરીફોને જ મહાત કરવાની યોજના હતી તે નોટીસ જોતા માલમ પડે છે.

ભરતસિંહે વિધાનસભાની ચૂંટણીમાં રાહુલ ગાંધી સાથેની સભા સિવાય એકેય સભા કરી હોવાનું ધ્યાને આવતું નથી. હવે ભરતસિંહ સોલંકી ધોકો પછાડીને નીકળી પડ્યા છે ત્યારે વાત એ છે કે મોટા મગરમચ્છો અને પોતાના વફાદારોએ કોંગ્રેસની ખોદેલી ઘોરને લઈ પગલા ભર્યા નથી. ભરતિસંહે મામા-માસીવાળું ચલાવ્યું. કોંગ્રેસ પાર્ટી નહી પણ ભરતિસંહ સોલંકીનો આ નિર્ણય છે.

પ્રથમ તો એવી વાત મીડિયામાં વહેતી કરવામાં આવી કે 170 જણાને નોટીસ ફટકારી દેવામાં આવી છે પરંતુ જ્યારે કોથળામાંથી બિલાડું નીકળ્યું ત્યારે 50 જણાને નોટીસ આપવામાં આવી હોવાનું બહાર આવ્યું. આનન-ફાનનમાં ટીકાઓથી બચવા શિસ્ત સમિતિના બાલુ પટેલે યાદી જાહેર કરી દીધી.

કોંગ્રેસમાં પાછલા 30 વર્ષમાં પહેલી વાર આ રીતે શિસ્તનો કોરડો વિંઝાઈ રહ્યો છે. ભરતસિંહ દ્વારા કોંગ્રેસમાં શિસ્ત લાવવામાં આવી રહી છે, સારી વાત છે. પણ ખાટલે મોટી ખોટ એ છે કે નોટીસના પછીતે પણ કોંગ્રેસની યાદવસ્થળી જવાબદાર છે. તટસ્થતાપૂર્વક કાર્યવાહી કરવામાં આવી નથી.

ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભરતસિંહ સોલંકીના માણસોએ સુરત, તાપી, નવસારી અને વલસાડમાં જે પ્રકારે કોંગ્રેસના લીરેલીરા કરતા ખેલ કર્યા તેમને કોઈ પણ રીતે કશું પણ કહેવામાં આવ્યું નથી. નબળો માટી બૈરી પર શૂરાની જેમ કોંગ્રેસે વણી-વણીને જિલ્લા સ્તરના લોકોને નોટીસ આપી ખુલાસા માંગ્યા છે. ખુલાસા કાર્યકરો પાસેથી માંગવાના હોતા નથી.

કોંગ્રેસના અચ્છે દિન આવી રહ્યા છે તેવું માની રહેલી ગોડફાધરીયા સિસ્ટમ સામે ભરતસિંહ પ્રથમ કાર્ય કરી દેખાડવું પડશે. બાકી નોટીસ આપવાની સાર્થકતા કેટલી છે તે નોટીસ આપનાર અને જેમને નોટીસ મળી છે તે તમામ સારી રીતે સમજે છે. 

હવે દરેક જિલ્લામાં કોંગ્રેસમાં બાર ગામ અને તેર ચોકા જેવી હાલત છે. કાર્યકરો કોઈને કોઈ ગોડફાધર સાથે સંકળાયેલા છે. આવા બધા કાર્યકરો કોંગ્રેસ કરતા પણ ગોડફાધરોનું કહ્યું માને છે. મીડિયાની ભાષામાં ગોડફાધરોને મોટા મગરમચ્છ કહેવામાં આવે છે. ત્રણ નેતાના રાજીનામા લેવામાં આવ્યા તો તેમના ગોડફાધરો સામે કાર્યવાહી કેમ કરવામાં આવી નથી. શું દિલ્હીથી આવેલી 170ની યાદીને 50ની કરવામાં આવી છે?આ પ્રશ્ન કોંગ્રેસમાં ઉઠી રહ્યો છે.

ગણદેવીના રામબાબુ શુક્લાને નોટીસ આપવામાં આવી તે તો 17મીએ યોજાનારી ગણદેવી નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર પણ છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ માટે નોટીસ અપાઈ હોય તો રામબાબુને ઉમેદવાર કેમ બાનવાયા? આ તો એવું છે કે છાશ લેવા જાય અને દોણી સંતાડે જેવો ઘાટ સર્જાયો છે.

કોંગ્રેસનું ઢોલ કેટલું ફાટેલું છે તે આના પરથી ખબર પડે છે. સિટી વિસ્તારોમાં વર્ષો સુધી કાર્યકરોને અંદરો-અંદર લડાવતા રહેલા નેતાઓ વિરુધ્ધ કાર્યવાહી કરતા ભરતસિંહ સોલંકી કેમ ડરે છે? શું ભરતસિંહમાં મોટા મગરમચ્છો સામે કાર્યવાહી કરવા માટેની હિંમત નથી. ગુજરાતમાં કોંગ્રેસને બેઠી કરવી હશે તો ભરતસિંહે ધૂણી ધખાવવાના બદલે ધોકો જ ઉપાડવો પડશે અને એ પણ મોટા મગરમચ્છો પર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp