બિલ્કીસ બાનો કેસનો દોષી ગુજરાત સરકારના કાર્યક્રમમાં MP-MLA સાથે જોવા મળ્યો

PC: aajtak.in

બિલ્કીસ બાનો ગેંગરેપ કેસના 11 દોષિતોને ગયા વર્ષે મુક્ત કરવામાં આવ્યા હતા. તેમાંથી એકે શનિવારે એક સરકારી કાર્યક્રમમાં BJPના દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર અને તેમના ભાઈ લીમખેડાના BJPના ધારાસભ્ય શૈલેષ ભાભોર સાથે સ્ટેજ શેર કર્યું હતું.

શૈલેષ ભટ્ટ, 63, દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના કરમડી ગામમાં ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ (GWSSB) પ્રોજેક્ટના શિલાન્યાસ સમારોહમાં હાજરી આપી હતી. દાહોદ જિલ્લા માહિતી વિભાગ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમની તસ્વીરોમાં જશવંતસિંહ ભાભોર અને સીંગવડ તાલુકા પંચાયતના પ્રમુખ કાંતા ડામોર વચ્ચે શૈલેષ ભટ્ટ આગળની હરોળમાં બેઠા છે. સ્ટેજની પૃષ્ઠભૂમિમાં PM નરેન્દ્ર મોદી, CM ભૂપેન્દ્ર પટેલ, પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયા અને જસવંતસિંહ ભાભોરના પોસ્ટરો પ્રદર્શિત કરવામાં આવ્યા છે.

આ સમગ્ર વિવાદ પર મીડિયા સાથે વાત કરતા શૈલેષ ભટ્ટે કહ્યું, 'તે (GWSSB) એક જાહેર કાર્યક્રમ હતો જેમાં મેં ભાગ લીધો હતો. મારે વધુ કંઈ કહેવું નથી. જ્યારે સાંસદ જસવંતસિંહ ભાભોરે શૈલેષ ભટ્ટની હાજરી અંગે પ્રશ્નોના જવાબ આપ્યા ન હતા. સાંસદના ભાઈ શૈલેષ ભાભોરે કહ્યું કે, ધારાસભ્ય તરીકે હું કાર્યક્રમમાં એટલો વ્યસ્ત હતો કે, મંચ પર બીજું કોણ બેઠું છે તે મેં જોયું ન હતું. હું જોઈશ કે તે (ભટ્ટ) આ કાર્યક્રમમાં હાજર હતા કે કેમ.' દાહોદ જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓએ જણાવ્યું હતું કે, તેઓ જાણતા નથી કે શૈલેષ ભટ્ટને આ કાર્યક્રમમાં કોણે આમંત્રણ આપ્યું હતું.

GWSSB દાહોદના ડેપ્યુટી એન્જિનિયર પ્રદીપ પરમારે જણાવ્યું હતું કે, 'અમારા દ્વારા આયોજિત કાર્યક્રમ હોવા છતાં પાણી પુરવઠા વિભાગ દ્વારા આમંત્રણ મોકલવામાં આવતા નથી. તાલુકા પંચાયતના સભ્યોએ મહેમાનોને આમંત્રણ આપ્યું હશે. અમને ખબર નથી કે કોણે મંચ પર બેસવાનું નક્કી કર્યું. શક્ય છે કે લીમખેડામાં GWSSBના સ્થાનિક ઈજનેર આ યાદીથી વાકેફ હોય.'

અહીં તમને જણાવી દઈએ કે, આ કાર્યક્રમમાં રૂ. 101.88 કરોડના પ્રોજેક્ટનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જેમાં મહીસાગર જિલ્લાના કડાણા ડેમમાંથી લીમખેડા, સિંગવડ અને ઝાલોદ તાલુકાના 64 ગામોમાં પીવાલાયક પાણી લાવવા માટે પાઇપલાઇનનું નેટવર્ક જોવા મળશે. 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કીસ બાનો પર સામૂહિક બળાત્કાર અને તેના પરિવારના 14 સભ્યોની હત્યા માટે આજીવન કેદની સજા પામેલા શૈલેષ ભટ્ટ અને અન્ય 10ને 15 ઓગસ્ટ, 2022ના રોજ મુક્ત કરવામાં આવ્યા હતા. 27 માર્ચે સુપ્રીમ કોર્ટની બેન્ચ આ અરજીઓ પર સુનાવણી કરશે. 11 દોષિતોની સમય પહેલા મુક્તિને પડકારવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp