બિન સચિવાલય એક્ઝામ વિવાદઃ ઉમેદવારોને પોલીસે દોડાવી-દોડાવીને ફટકાર્યા

PC: news18.com

રાજ્યમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ થવાના મામલે વિદ્યાર્થીઓ શાંત થાય એવું લાગી રહ્યું નથી. તેઓ સખત વિરોધ કરી રહ્યા છે. તે પગલે રાજ્યભરમાંથી વિદ્યાર્થીઓએ ગેરરીતિ મામલે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિરોધને પગલે ગાંધીનગર ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિસ અને કર્મચારી ભવનને ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ રાખવામાં આવ્યુ હતું,

ગાંધીનગરમાં વિરોધ કરી રહેલા અનેક ઉમેદવારોને પોલીસે દોડાવી દોડાવીને દંડાથી ફટકાર્યા હતા અને અનેક ઉમેદવારોની અટકાયત કરી લેવામાં આવી હતી. ઘણા વિદ્યાર્થીઓ આમાં ઇજાગ્રસ્ત પણ થયા હતા. પોલીસે અનેક વિદ્યાર્થિનીઓની પણ અટકાયત કરી હતી.

 જોકે, પરીક્ષાર્થીઓના સમર્થનમાં કૉંગ્રેસની વિદ્યાર્થી પાંખ પણ ઉતરી આવી હતી. પોલીસે એન.એસ.યુ.આઈના કાર્યકર્તાઓ અને કૉંગ્રેસના ધારાસભ્યોની પણ અટકાયત કરી હતી. વિદ્યાર્થીઓની માંગ હતી કે સરકાર અમને સાંભળે પરંતુ તેમને સાંભળવાના બદલે સરકારે પોલીસના હાથે વિદ્યાર્થીઓને માર માર્યો હતો.

ગેરરીતિ મામલે વિરોધ જાહેર કરવા રાજ્યમાંથી વિદ્યાર્થીઓ ગાંધીનગર પહોંચી રહ્યા છે. જેમાં વિરોધ કરી રહેલા મોટા ભાગના વિદ્યાર્થીઓની પોલીસે અટકાયત પણ કરી હતી. ન્યાયની માગણી કરી રહેલા વિદ્યાર્થીઓને પોલીસે પકડી પકડીને પોલીસ વેનમાં બેસાડ્યા હતાં.

 પોલીસે વિદ્યાર્થીઓને પકડી પકડી અને એસ.પી. ઓફિસે ઘેટાબકરાંની જેમ પૂર્યા હતા. કૉંગ્રેસે આ મામલે ગંભીર પ્રતિક્રિયા આપી હતી. કૉંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે 'ગુજરાતમાં લોકશાહી મરી પરવારી છે.'

વિપક્ષે પણ બિન સચિવાલય ક્લાર્કની ગેરીરતિ મામલે રૂપાણી સરકારને બાનમાં લીધી છે. કોંગ્રેસ નેતા કગથરાએ કહ્યું હતું કે, જો સરકાર 410 લાખથી વધુ વિદ્યાર્થીઓને ન્યાય ન આપી શકે તો સરકાર શું કામની? એક બાજુ નિયમ રદ્દ કરો છો અને પછી પરીક્ષા ફરી લેવાની સરકારમાં ત્રેવડ નથી.

 પોલીસ સાથેના ઘર્ષણમાં ઘવાયેલો એક વિદ્યાર્થી મીડિયાના કેમેરા સામે બતાવી રહ્યો હતો. આ તસવીર પરથી સવાલ સર્જાય છે કે આ વિદ્યાર્થીએ શું ગુનો કર્યો છે. વિદ્યાર્થીને શું વિરોધ કરવાનો પણ હક્ક નથી. સંવેદનશીલ સરકારમાં પોલીસ આટલી સંવેદનશીલ કેમ એવા સવાલો પણ સર્જાયા હતા.

સરકાર સમક્ષ વિરોધ પ્રદર્શન કરવા મોટી સંખ્યામાં પરીક્ષાર્થીઓ ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp