ભાજપે નેતાઓના રાજ્યભરમાં રાત્રિ રોકાણ પણ નક્કી કરી દીધા, કોંગ્રેસ હજુ ઊંઘે જ છે

PC: https://www.deshgujarat.com

પહેલાં સ્નેહમિલન અને પછી ગ્રામ સભાઓ અને હવે વન ડે વન ડિસ્ટ્રીક્ટ નામના મિલન કાર્યક્રમ કરીને ગુજરાત ભાજપે વિધાનસભાની ચૂંટણીનો પ્રચાર જોરશોરથી શરૂ કરી દીધો છે ત્યારે કોંગ્રેસ હજી પણ ઊંઘી રહી છે. ગુજરાત ભાજપનો ગોલ 150 પ્લસ બેઠકો મેળવવાનો છે તેથી પાર્ટીના નેતાઓ મરણિયા બન્યાં છે. નેતાઓ રાત્રી રોકાણ પણ ગામડાઓમાં કરી રહ્યાં છે.

ગુજરાતમાં નવેમ્બર-ડીસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી છે. હવે એક વર્ષ જેટલો સમય બચ્યો છે ત્યારે ભાજપે ચૂંટણી પ્રચાર ગ્રામ્ય વિસ્તારોમાંથી શરૂ કર્યા છે કે જ્યાં કોંગ્રેસનું થોડું ઘણું અસ્તિત્વ મોજૂદ છે. સ્થાનિક ચૂંટણીમાં ભાજપે જિલ્લા અને તાલુકા પંચાયતો કબજે કર્યા પછી હવે 10600 ગામડાઓની ચૂંટણીમાં ભાજપ તરફી સરપંચ મૂકવા માટે ભાજપે તૈયારી શરૂ કરી છે. 19મી ડિસેમ્બરે યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપના નેતાઓ તમામ જિલ્લાઓનો પ્રવાસ કરશે.

ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે 1લી ડિસેમ્બરથી વન ડે વન ડિસ્ટ્રીક્ટ અભિયાન શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. પાર્ટીના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્નેહમિલનમાં લગભગ તમામ જિલ્લા અને મહાનગરોનો પ્રવાસ પૂર્ણ કર્યો છે અને હવે ફરીથી પ્રદેશ પ્રમુખ અને મહામંત્રી સહિતના નેતાઓ એક આખો દિવસ જિલ્લામાં રોકાણ કરશે.

ગ્રામ પંચાયતોની ચૂંટણી જાહેર થયા પછી પણ મરી પરવારેલી કોંગ્રેસમાં જીવ આવ્યો નથી. પાર્ટી નિષ્ક્રિય બની ચૂકી છે. પ્રદેશ પ્રમુખ બનવા કોઇ નેતા તૈયાર નથી પરંતુ વિધાનસભામાં વિપક્ષના નેતા બનવા અડધો ડઝન ધારાસભ્યો તૈયાર થયાં છે. કોઇને બળતું ઘર લેવું નથી. પોતાની જાતને રાજ્યના નેતા તરીકે ઉપસાવ્યા છે તેવા અર્જુન મોઢવાડિયા, શક્તિસિંહ ગોહિલ કે ભરતસિંહ સોલંકી પ્રદેશ પ્રમુખ બનવા તૈયાર નથી પરિણામે હાઇકમાન્ડ દ્વિધામાં મૂકાયેલું છે.

બીજી તરફ ગ્રામ પંચાયત અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે ભાજપે બૂથ કમિટીના કાર્યકરોથી માંડીને જિલ્લાભરના પદાધિકારીઓજનપ્રતિનિધિઓ સાથે સીધો સંવાદ કરવાએમના પ્રશ્નોમુશ્કેલીઓ સમજવા માટે પ્રમુખ પાટીલે વન ડે-વન ડિસ્ટ્રીક્ટનો કાર્યક્રમ ટૂંક સમયમાં શરૂ કરવાની જાહેરાત કરી છે. સીઆર પાટીલે કહ્યું છે કેઆ કાર્યક્રમ હેઠળ તેઓ અને સંબંધિત જિલ્લાના મહામંત્રી જિલ્લામાં રોકાશે.

કાર્યકરોની સાથોસાથ કોઇ નાગરિકને પણ મળવું હશે એ મળી શકશે. ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં બે કરોડ મતદારો 90,000 જનપ્રતિનિધિઓને ચૂંટવાના છે. આ જનપ્રતિનિધિઓ વિધાનસભાની ચૂંટણીમાં સીધી અસર કરી શકે છે તેવું ભાજપ માને છે તેથી આ અભિયાન શરૂ કર્યું છે. હાલ ભાજપ પાસે 31 જિલ્લા205 તાલુકા પંચાયત75 નગરપાલિકા અને સાત કોર્પોરેશન છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp