નો રીપીટેશનની વાત આવતા આ નેતાઓ રૂપાણીને મળવા દોડી ગયા હોવાની વાત

PC: https://www.indiatoday.in

ગુજરાતમાં આખું મંત્રીમંડળ બદલવાની વાતે ભારતીય જનતા પાર્ટીમાં ભારે ઘમાસાણ મચી ગયું છે અને નારાજ ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને મળવા તેમના ઘરે પહોંચ્યા છે. જાણવા મળેલી માહિતી મુજબ  રાજભવન પર લાગેલા પોસ્ટર્સ પણ ઉતારી નાંખવામાં આવ્યા છે.

બુધવારે બપોરે નવા મંત્રીમંડળના શપથ ગ્રહણ કાર્યક્રમ થવાનો હતો. પરંતુ છેલ્લી ઘડીએ આ કાર્યક્રમ ટાળી દેવામાં આવ્યો હતો અને હવે ગુરુવારે શપથ વિધિ કાર્યક્રમ થશે. બુધવારે સવારથી ગુજરાતના રાજકારણમાં સખત ગરમાટો આવ્યો છે.

આજ તકના એક રિપોર્ટના કહેવા મુજબ ગુજરાતમાં મંત્રી મંડળમાં મોટા પાયે ફેરબદલની વાત સામે આવી હતી, જેની પર વિવાદ ઉભો થઇ ગયો હતો. બે દિવસ પહેલાં વરાયેલા નવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 90 ટકા મંત્રીઓને બદલી દેવાના મૂડ છે. એવામાં મંત્રી મંડળમાં બે-ત્રણ જ એવા ચહેરાં જોવા મળે જે મંત્રી તરીકે રિપીટ થાય. આ વાત જાહેર થતા જેમને મંત્રી  મંડળમાં ફરી સ્થાન નહીં મળે તેવી આશંકા રાખનારા ધારાસભ્યો બુધવારે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘરે પહોંચ્યા હતા.

 આજ તકના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ભુપેન્દ્ર પટેલની સરકાર નવી કેબિનેટમાં 21થી 22 મંત્રીઓને બુધવારે શપથ લેવડાવવાની હતી. મંત્રી મંડળમાં નવા ચહેરાંઓને પ્રાથમિકતા અને મહિલાઓની સંખ્યામાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. આને કારણે અનેક જુના અને દિગ્ગજ નેતાઓની કેબિનેટમાંથી છુટ્ટી થઇ શકે તેમ છે. જાતીય સમીકરણને બેસાડવાની સાથે સાફ સુથરી ઇમેજ ધરાવતા  નેતાઓને મંડળમાં ખાસ ભાર આપવાની રણનીતિ છે.

બુધવારે મંત્રી મંડળમાં બદલાવ થાય તે પહેલાં જ કેટલાંક ધારાસભ્યો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવાસ સ્થાને પહોંચી ગયા હતા. આજ તકના અહેવાલ મુજબ ઇશ્વર પટેલ, બચુ બાખડ, વાસણ આહીર, યોગેશ પટેલ રૂપાણીના ઘરે પહોંચ્યા હતા.

વિજય રૂપાણીએ રાજીનામા આપ્યા પછી ભાજપના દિગ્ગજ નેતાઓ નિતિન પટેલ, ભુપેન્દ્ર ચુડાસમા, આર.સી. ફળદુ અને કૌશિક પટેલના રાજકીય ભવિષ્ય સામે પણ સવાલો ઉભા થઇ રહ્યા છે.

પાટીદાર સમાજમાંથી આવતા ભુપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બનવાને કારણે ડેપ્યુટી સીએમ નિતિન પટેલની ખુરશી પણ જોખમમાં મુકાઇ ગઇ છે કારણ કે નિતિન પટેલ પણ પાટીદાર છે. એક જ સમાજના નેતાઓને મુખ્યમંત્રી અને ડેપ્યૂટી મુખ્યમંત્રીનું પદ મળે તે શક્યતા ઓછી દેખાઇ રહી છે.

 

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp