સૈનિક ફોર્મમાં જાતિવાદને લઈને ઊભા થયેલા વિવાદ અંગે BJPએ કર્યો ખુલાસો

PC: facebook.com/MAHENDRA PATEL

લોકસભાની ચૂંટણી પહેલા ગાંધીનગર ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ભાજપ સૈનિકના ફોર્મ મામલે મોટો વિવાદ સર્જાયો હતો. આ વિવાદનું કારણ એ હતું કે, ભાજપના સૈનિકના ફોર્મમાં જ ભાજપની બેવડીનીતિ દેખાઈ આવી હતી. ભાજપ દ્વારા બહાર પાડવામાં આવેલા ફોર્મ વિષે વાત કરવામાં આવે તો ફોર્મની ઉપરની તરફ લખવામાં આવ્યું છે, 'ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ, અમારો તો રાષ્ટ્રવાદ', ત્યારબાદ બે મોટા કમળના ચિન્હ વચ્ચે લખવામાં આવ્યું છે' વંદે માતરમ્, ભારતીય જનતા પાર્ટી, ગાંધીનગર મહાનગર, સૌનો સાથ - સૌનો વિકાસ' આ લખાણની નીચે એક ફોટો ચોંટાડવાની જગ્યા રાખવામાં આવી છે અને નીચે લખ્યું છે 'ભાજપ સૈનિક' ફોટાની બંને સાઈડ ભાજપના નેતાઓના ફોટાઓ મુકવામાં આવ્યા છે. ત્યારબાદ ઉમેદવારનું નામ, જાતિ, સરનામુ, ગામ, વોર્ડ, મોબાઈલ નંબર, ઉંમર, જન્મ તારીખ અને અભ્યાસ જેવી વિગતો માગવામાં આવી છે.

ભાજપના સૈનિક બનવાના ફોર્મમાં ઉપર લખવામાં આવ્યું છે- 'ન જ્ઞાતિવાદ, ન પ્રાંતવાદ, અમારો તો રાષ્ટ્રવાદ' અને આ ફોર્મમાં જ સભ્યની જ્ઞાતિ પૂછવામાં આવી છે 'SC/ST/OBC/Other'. આમ, ભાજપ એક તરફ જ્ઞાતિવાદ અને પ્રાંતવાદને ત્યજી રાષ્ટ્રવાદની વાત કરી રહ્યુ છે અને બીજી તરફ ભાજપમાં જોવાડા ઈચ્છતા ઉમેદવારોની જાતિ પૂછવામાં આવી રહી છે.

ત્યારે આ બાબતે સ્પષ્ટતા કરતા ગાંધીનગર ભાજપના શહેર પ્રમુખ મહેન્દ્ર પટેલે નિવેદન આપ્યું હતું કે, સરકારના જે કંઇ પણ લાભો છે, તે છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે અમે તમામ સભ્યોનો એક ડેટાબેઝ ઊભો કરવા માંગતા હતા. આ ઉપરાંત અમે એક સામાજિક સંસ્થા ઊભી કરવા માંગીએ છીએ, જેમાં દરેક સમાજના લોકોને અમે જોડવા માંગીએ છીએ અને અમારા ભારતીય જનતા પાર્ટીના કોઈપણ સદસ્ય સાથે અન્યાય ન થાય તે માટે આ વિગત માંગવામા આવી હતી. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કર્યો હતો કે, કોંગ્રેસ ખોટો વિવાદ ઊભો કરીને જ્ઞાતિવાદનું ઝેર ફેલાવી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp