ભાજપ દ્વારા મુખ્યમંત્રી બદલવા પર બ્રેક બાદ પણ લોકો અને કાર્યકરોમાં અટકળો તેજ

PC: dnaindia.com

લોકસભાની ચૂંટણીઓ સામે હોવાથી ગુજરાતની વર્તમાન સરકારમાં હાલ મંત્રીમંડળના વિસ્તરણની કોઈ શક્યતા દેખાતી નથી. છેલ્લા 2 ટર્મથી સુશાસન કરતા વિજય રૂપાણી ઉપર ભાજપ હાઈકમાન્ડને સંપૂર્ણ ભરોસો છે, એટલે હાલ મંત્રીમંડળનું વિસ્તરણ કે પછી મુખ્યમંત્રી બદલવાની કોઈ શક્યતાઓ જોવા મળતી નથી. પણ લોકો અને કાર્યકરો આજે પણ અટકળો તેજ કરી રહ્યા છે. જેના કારણે ભારતીય જનતા પાર્ટીમાં પોતાની ગોઠવણ થઈ જ જશે તેવી મીટ માંડીને બેઠેલા અગ્રણી હોદ્દેદારો/કાર્યકરોની આશા ઉપર હાલ પાણી ફરી વળ્યાં જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. તો બીજી તરફ મંત્રીમંડળનું વિસ્તરણ, પ્રદેશ પ્રમુખ બદલાશે, અને ભાજપમાં જડમૂળથી ફેરફારો થવાની વહેતી થયેલી અટકળો પર હાલ રોક લાગી ગઈ છે. અને આ તમામ વાતો પાયા વિહોણી બની ગઈ હોવાનું મનાઈ રહ્યું છે.

ભાજપના જ અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કે હાલ ભાજપમાં ચાલતી યાદવાસ્થળી અને જૂથબંધીના કારણે અગ્રણી હોદ્દેદારો અને કાર્યકર્તાઓની અચ્છે દિનની આશા પર પાણી ફરી વળ્યાં જેવી સ્થિતિ બની ગઈ છે. જેના કારણે હાલ કોઈપણ મુદ્દે નિર્ણય નહીં લેવાનું રાજ્યની ટોચની નેતાગીરીએ નિર્ણય લઈ લીધો છે. આ ઉપરાંત બોર્ડ/નિગમમાં પણ નવી નિમણૂકો નહીં કરવામાં આવે અને લાંબા સમયથી અટવાયેલો બોર્ડ નિગમ અંગેનો નિર્ણય પણ સ્થગિત કર્યો છે.

બીજી તરફ વર્ષ 2019ની આવી રહેલી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને કાર્યકર્તાઓને સારા હોદ્દાઓની અપેક્ષા હતી પરંતુ ભાજપ હાઇ કમાન્ડે હાલ પોતાના નિર્ણયો સ્થગિત કરીને તમામ કાર્યકરોને અસમંજસમાં નાખી દીધા છે. મનાઈ રહ્યું છે કે હાલમાં રાજ્યના વિવિધ બોર્ડ નિગમોમાં અંદાજે 100થી વધુ જગ્યાઓ વિવિધ હોદ્દાની ખાલી રહી છે ત્યારે ઊંડે-ઊંડે પણ સરકારી નિગમોમાં નિમણૂકો દ્વારા કાર્યકર્તાઓને સરપાવર મળવાની એક આશા હતી, પરંતુ હાઇકમાન્ડના નિર્ણયના કારણે આ આશા ઠગારી નીવડી હોય તેમ મનાઈ રહ્યું છે. જોકે ભાજપના જ નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર કર્ણાટક વિધાનસભા ચૂંટણી બાદ તરત જ બોર્ડ નિગમમાં નિમણૂકોનું અનુમાન હતું પરંતુ આજે ભાજપમાં વર્તમાન સ્થિતિનું જે રીતે નિર્માણ થયું છે તે જોતાં કાર્યકર્તાઓની આશા ઠગારી નીવડી છે અને જૈસે થેની સ્થિતિ હાલ યથાવત્ રાખતા અનેક યક્ષપ્રશ્નો નું સર્જન થયું છે.

એ વાત નિશ્ચત છે કે જ્યારે પણ બોર્ડ-નિગમમાં સ્થાન આપવાની વાત આવશે ત્યારે ભાજપના સીનીયર નેતાઓને બોર્ડ નિગમમાં સ્થાન આપવામાં આવશે તેવી એક ચર્ચા પણ ચર્ચાઈ રહી છે. બીજી તરફ વિજય રૂપાણીની સરકારની બીજી ઇનિંગ દરમિયાન વહેતી થયેલી અટકળો બાદ હાલ રૂપાણી સરકારના મંત્રી મંડળનુ વિસ્તરણ થશે નહિ. એટલું જ નહીં હાલના મંત્રી મંડળમાં પણ જૈસે થેની સ્થિતિ જ રહેશે એટલે કેટલાંક દિવસ અગાઉ સોશિયલ મીડિયામાં ઉપજાવી કાઢેલી વહેતી થયેલી વાતો અને વિવિધ અટકળોનો ઉપર હાલ ભાજપ હાઇકમાન્ડ દ્વારા રોક લગાવી દેવામાં આવી છે. તમામને લોકસભાની તૈયારીમાં લાગી જવા મોવડી મંડળે આદેશ આપી દીધો છે, તેમ ભાજપના જ નજીકના સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ એવી વાતો વહેતી થઈ હતી કે કર્ણાટકની વિધાનસભા ચૂંટણી બાદ એક કે બે દિવસમાં વિજય રૂપાણીની સરકારના મંત્રીમંડળ વિસ્તરણ થશે જેની સૌને આશા હતી, પરંતુ કર્ણાટકમાં ભાજપ વિરોધી સ્થિતિનું નિર્માણ થઈ જતાં હાલ આ મુદ્દે પણ ભાજપનું હાઇકમાન્ડ કોઈપણ નિર્ણય લેવા તૈયાર નથી. આ કારણે વિસ્તરણની આશા સાથે બંધાયેલા કેટલાક નેતાઓને કેબિનેટમાં સ્થાન મેળવવા અને કેટલાક ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળશે તેવી આશા ઉપર હાલ પાણી ફરી વળ્યુ છે. જોકે ભાજપ મોવડી મંડળે લીધેલ આ નિર્ણયની અસર કેવી રહેશે તે કહેવું હાલ ઉચિત નથી, પરંતુ ભાજપ હાઇકમાન્ડે તમામ ધારાસભ્યો મંત્રીઓ હોદ્દેદારો અને કાર્યકરોને સુચના આપતા જણાવી દીધું છે કે, આગામી 2019ની આવી રહેલી લોકસભા ચૂંટણીમાં સારી કામગીરી જે કરશે તેની કેન્દ્રીય નેતાગીરી નોંધ લેશે અને તેને જ સત્તાનો સરપાવ ભાજપ હાઇકમાન્ડ આપશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપની વર્તમાન સ્થિતિને જોતા અને જૂથવાદ વકરવાની આશંકાના કારણે તમામને સંતુષ્ટ કરવા હાલ ભાજપ માટે અશક્ય બન્યું છે. બીજી તરફ પરસ્પર વિરોધી લોબીઓથી ભાજપની નેતાગીરી દ્વારા જ ભાજપને નુકશાન થવાની શક્યતાઓ સેવાઈ રહી છે. મનાઈ રહ્યું છે કે 2019ની આવી રહેલી લોકસભા ચૂંટણીમાં વિધાનસભા વાળી ન થાય તે માટે હાલ મંત્રીમંડળનું વિસ્તરણ બોર્ડ નિગમની નિમણૂકો અને પ્રદેશ સંગઠનમાં ફેરફારો તેમજ નવી નિમણૂકો બાબતે હાલ જૈસે થેની સ્થિતિ રાખવાનું મોવડી મંડળે યોગ્ય માન્યું છે, કારણકે ભાજપની વર્તમાન રૂપાણી સરકારમાં જો વિસ્તરણ થાય તો જૂથવાદ વકરે તેમ છે. તેની અસર આગામી લોકસભા ચૂંટણીમાં ઊભી થઈ શકે છે એટલે આ બધા કારણો વચ્ચે અસંતોષનો ઇશ્યુ નહીં સળગાવામાંજ મોવડી મંડળ ડહાપણ સમજે છે. ભાજપ મોવડી મંડળ દ્વારા હાલ આ તમામ મુદ્દે બ્રેક લગાવી દેતાં સત્તાના સ્વપ્નોમાં રાચી રહેલા નેતાઓની ઇચ્છાઓ પર પાણી રેડાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp