મારે ત્યાં બિન્દાસ દારૂ લેવા આવો, PIનો પણ 50% ભાગ છે, વડોદરા પોલીસમાં ખળભળાટ

PC: DainikBhaskar.com

રાજ્યમાં દારૂબંધીના કાયદાનું પાલન થતું હોવાની વાત રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. પણ ક્યાંક પોલીસ અને બુટલેગરની સાંઠગાંઠની દારુનું વેચાણ થતું હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે વડોદરામાં પોલીસે બુટલેગરની દારૂની બોટલો જપ્ત કરી હોવાના કારણે બુટલેગરે આ બાબતે એક સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને કહ્યું હતું કે, મારે ત્યાં બિન્દાસ દારુ લેવા આવો, તમને કોઈ નહીં પકડે, PIની પણ 50% ભાગીદારી છે. તમને હોમ ડીલીવરી પણ મળશે.

રિપોર્ટ અનુસાર વડોદરાના કારેલીબાગ પોલીસે વિશ્વામિત્રી નદીના કચરામાંથી બુટલેગર હુસૈન સિંધીનો દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દારુ કબજે લીધા પછી પોલીસ દ્વારા બુટલેગરની સામે ગુનો દાખલ કરીને તેને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બુટલેગર હુસૈન સિંધીએ પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને ખૂદ પોલીસ સ્ટેશન PIની દારૂના વેચાણમાં 50%ની ભાગીદારી હોવાનું કહેતો વીડિયો વાયરલ કર્યો હતો. આ વીડિયોને લઇ કારેલીબાગ પોલીસ સ્ટેશનના PI વી.એન. મહીડાએ જણાવ્યું હતું કે, બે દિવસ પહેલા હુસૈનને ત્યાં દરોડો કરીને 29 દારૂની બોટલો કબજે કરી હતી. ત્યારબાદ આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. તેથી તે ધરપકડથી બચવા માટે ખોટા આક્ષેપ કરી રહ્યો છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.

બુટલેગર હુસૈન સિંધી દ્વારા જે વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે તેમાં તે ખુલ્લે આમ કહી રહ્યો છે કે, તેને ત્યાં દારૂ મળશે. દારુની હોમ ડીલીવરી પણ થશે. સાથે જ તે વીડિયોમાં પંકજભાઈ, PI સાહેબ, વનરાજભાઈ, તરુણભાઈ, મનોજભાઈ અને ચંદુભાઈ કહેર અમે લોકોએ મળીને દારુ ધંધો શરૂ કર્યો છે તેવું પણ કહી રહ્યો છે. સાથે જ તેને કહ્યું હતું કે, મારી દારુની પેટીઓ પકડાય છે આ અમે સામે ચાલીને પોલીસને કામ આપ્યા છે. તમારે ચિંતા કરવાની જરૂર નથી, તમે મારે ત્યાં બિન્દાસ દારુ લેવા આવો. તમને જે જોઈએ તે મળશે સાથે જ તે વીડિયોમાં તે અલગ-અલગ બ્રાંડના દારુનું નામ લઇને તેના ભાવ પણ કહી રહ્યો છે. સાથે જ દારુની હોમ ડીલીવરી કરવાનું પણ જણાવી રહ્યો છે. વીડિયોમાં તે નાવાયાર્ડની ટ્રેનની અંદર બેસેલો છે તેવુ પણ કહે છે.

બુટલેગર હુસૈન સિંધીએ પોલીસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, પોલીસે મને કહ્યું છે કે તું જે કરે તે છપ્પરમાં કરજે, બહુ જાહેરમાં કરવાની જરૂર નથી. સાથે જ તેને કહ્યું હતું કે, હું પોલીસને કામ આપીને થાકી ગયો છું. પોલીસ મને કહે છે કે, હજુ તું 50થી 100 કેસ તારા નામ પર કરાવી લે તને અમે મોટી પરમીશન આપી દઈએ. સાથે જ તેને કહ્યું છે કે PI સાહેબે પરમીશન આપી જ દીધી છે. મનોજ, ચંદુ અને હુસૈન અમે ત્રણ જણાએ સંપ કરી લીધો છે. અમે ખુલ્લેઆમ ભાગમાં ધંધો ચાલુ કર્યો છે. જેમાં પંકજભાઈ અને PI સાહેબ પૂરેપૂરા 50% ભાગમાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં બુટલેગરે વાયરલ કરતા પોલીસની કામગીરી સામે સવાલ ઉઠી રહ્યા છે. આ વીડિયોને લઇને જોવાનું એ રહે છે કે, આ મામલે વડોદરા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp