પાકિસ્તાનમાં જન્મી, ભારત આવી MBBS કર્યુ, CAAથી ભારતીય નાગરિક બની, અમદાવાદની હિશા

PC: x.com/sanghaviharsh

ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદમાં 55 પાકિસ્તાની નાગરિકોને નાગરિકતા (સુધારા) અધિનિયમ (CAA) હેઠળ ભારતીય નાગરિકતાના પ્રમાણપત્રો આપ્યા છે. આ ખાસ અવસર પર ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ તમામ પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર આપતાં કહ્યું, 'સ્માઈલ આપો, હવે તમે આ મહાન દેશ ભારતના નાગરિક છો.'

2017થી માર્ચ 2024 સુધીમાં, 1167 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. તાજેતરમાં, વધુ 55 પાકિસ્તાની નાગરિકોને CAA હેઠળ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર સોંપવામાં આવ્યા તેની સાથે, આ આંકડો 1222 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં CAA હેઠળ આપવામાં આવતા ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર પત્ર કાર્યક્રમમાં અમદાવાદના ઘોડાસરમાં રહેતી હિશા કુમારી નંદલાલ છવાઈ ગઈ હતી.

હિશા કુમારીનો જન્મ વર્ષ 1998માં પાકિસ્તાનમાં થયો હતો. તે 2013માં પરિવાર સાથે ભારત આવી હતી. ગુજરાતના અમદાવાદમાં શાળાકીય અભ્યાસ પૂર્ણ કર્યા પછી, હિશા રાજસ્થાનના અજમેરમાં મેડિકલ કોલેજમાંથી અભ્યાસ કર્યા પછી 2022માં ડૉક્ટર બની ગઈ છે. પાકિસ્તાનમાં જન્મેલી અને ભારતમાં અભ્યાસ કરીને ડોક્ટર બનેલી હિશા કુમારીએ મીડિયા સૂત્રને કહ્યું, 'મારી ઓળખ મને પાછી આપવા બદલ દેશના PM નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહનો આભાર. આજે ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મેળવ્યા પછી, હું હવે ગમે ત્યાં અરજી કરી શકું છું.'

હિશા કુમારીએ કહ્યું, 'મારો જન્મ 1998માં પાકિસ્તાનમાં થયો હતો, 2013માં મારા પરિવાર સાથે ભારત આવી હતી. ત્યાર પછી મેં ભારત આવીને અમદાવાદમાં 8મીથી આગળનો મારો અભ્યાસ પૂરો કર્યો. આ પછી, તેણે વર્ષ 2017માં રાજસ્થાનથી મેડિકલનો અભ્યાસ કર્યો. મારા સિવાય મારા પરિવારમાં દરેક વ્યક્તિ પાસે ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર હતું. આજે મને પણ ભારતીય નાગરિકતા પ્રમાણપત્ર મળ્યું છે, મને આનો ગર્વ અને આનંદ પણ છે.'

અમદાવાદના નરોડાના BJP ધારાસભ્ય પાયલ કુકરાણીએ જણાવ્યું હતું કે, 'જ્યારે દેશનું વિભાજન થયું ત્યારે લઘુમતીઓને તેમના અધિકારો આપવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે સમયે પાકિસ્તાનમાં 15 ટકા હિંદુઓ હતા, જેમની સંખ્યા સતત ઘટી રહી છે. અગાઉની સરકારોએ આપણા હિંદુઓ વિશે ક્યારેય કશું વિચાર્યું ન હતું. લોકો નાગરિકતા માટે છેક દિલ્હી સુધી ધક્કા ખાઈ રહ્યા હતા પરંતુ મોદી સરકારે આ બધા લોકો વિશે વિચાર્યું અને તેમને તેમના અધિકારો અપાવ્યા. છેલ્લા છ મહિનામાં, 50થી વધુ પાકિસ્તાની નાગરિકોને CAA હેઠળ ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે.'

55 પાકિસ્તાની નાગરિકોને ભારતીય નાગરિકતાનું પ્રમાણપત્ર આપવા પ્રસંગે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, 'જ્યારે હું તમને જોઉં છું, ત્યારે હું કહું છું કે, સ્માઈલ આપો, હવે તમે આ મહાન દેશ ભારતના નાગરિક છો.' તેમણે કહ્યું, 'PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં હિન્દુ, ખ્રિસ્તી, જૈન, પારસી, શીખ અને બૌદ્ધોને લઘુમતી કહેવામાં આવે છે. અમે આ દેશોમાં લઘુમતીઓ પર અત્યાચારની ઘટનાઓ જોઈ છે. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન જેવા દેશોમાં ફસાયેલા મારા હિન્દુ પરિવાર સાથે બનેલી ઘટનાઓને કારણે મારી બહેનો માટે ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની ગયું હતું, પરિવારો તેમના પુત્ર-પુત્રીઓના ભવિષ્ય વિશે ચિંતિત રહેતા હતા. પરંતુ નરેન્દ્ર મોદી PM બનતાની સાથે જ તેમણે સૌથી પહેલું કામ નિયમોમાં ફેરફાર કરીને અહીંથી દિલ્હી સુધી આંટા ઓછા મારવા પડે તેવી વ્યવસ્થા કરી હતી. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં મોદી સરકારે કલેક્ટરને વિશેષ સત્તા આપીને તમારા માટે સુવિધાઓમાં વધારો કર્યો છે.'

હર્ષ સંઘવીએ કહ્યું, 'આજે એક હિંદુ, એક ભારતીય અને મોદી સૈનિક તરીકે મને ગર્વ છે કે, એવી વ્યવસ્થા બનાવવામાં આવી છે કે તમે તમારી કર્મભૂમિ ભારતમાં આવી શકો અને તમારા અધિકારો મેળવી શકો.' હર્ષ સંઘવીએ આગળ કહ્યું કે, મને ગર્વ છે કે અમદાવાદમાં માઈગ્રન્ટ ડોક્ટર્સના નામે એક એસોસિએશન ચાલી રહ્યું છે અને અહીં તમે બધા એક થઈને સમાજની સેવા કરી રહ્યા છો. તેમણે કહ્યું, 'આજે આપણી વચ્ચે એક એવી નાગરિક છે, જેનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો અને ભારત આવીને ડોક્ટર બની. તે આપણા અને દેશ માટે ગર્વની વાત છે.'

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp