ખુદ પોલીસ કમિશનર ચીતરંજનસિંગે એન્કાઉન્ટર અંગે સવાલો ઉભા કર્યા હતા

PC: khabarchhe.com

અમદાવાદના પોલીસ કમિશનર પદે ત્યારે કે આર કૌશીક હતા, પ્રમાણિક અને કડક અધિકારીની છાપ ધરાવતા હતા, પણ સુચક બાબત એવી હતી કે તેમના કાર્યકાળ દરમિયાન જેટલા એન્કાઉન્ટર થયા તે દિવસે તેઓ રજા ઉપર હોય ત્યારે જ એન્કાઉન્ટર થતાં હતા, ગણેશ ખુટે અને મહેન્દ્ર જાધવના એન્કાઉન્ટર વખતે પણ તેઓ દિવસની રજા ઉપર હતા અને એન્કાઉન્ટર થયુ હતું. કદાચ તેમના શાસનમાં થઈ રહેલા એન્કાઉન્ટર સાથે તેઓ સંમત્ત ન્હોતા, પણ ડી જી વણઝારા ગાંધીનગરથી સીધી સુચના મેળવતા હોવાને કારણે જે દિવસે એન્કાઉન્ટર થવાનું તેના આગળના દિવસથી તેઓ રજા ઉપર ઉતરી જતા હતા, દરેક વખતને ઘટનાને તમે અનાયસ કહી શકો નહીં. સમીર ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં હતો અને કૌશીક રજા ઉપર જતા રહ્યા હતા, પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ આઈજીપી ચીતરંજનસિંગને સોંપવામાં આવ્યો હતો.

ચીતરજનસિંગ પાસે એકાદ બે દિવસનો પોલીસ કમિશનરનો ચાર્જ રહેતો હોવાને કારણે વણઝારા અને અથવા ગાંધીનગરે તેમને વિશ્વાસમાં લેવાની જરૂર ન્હોતી, જેના કારણે તેમને ઉપરથી અથવા નીચેથી કોઈ સુચના ન્હોતી. તેઓ સાવ અજાણ હતા, એક વહેલી સવારે તેમને પોલીસ કંટ્રોલરૂમ દ્વારા જાણ કરવામાં આવી કે ક્રાઈમ બ્રાન્ચની કસ્ટડીમાં રહેલા સમીરખાને પોલીસના હથિયાર આંચકી લેવાનો પ્રયત્ન કરતા પોલીસે કરેલા ગોળીબારમાં તે માર્યા ગયો હતો, ત્યારે સવારે તો ખુદ ચીતરંજનસિંહને પણ કઈ અજગુતુ લાગ્યુ નહીં, પણ જયારે સવારે તેમના ટેબલ ઉપર એન્કાઉન્ટરની ઘટનાનો રીપોર્ટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા મુકવામાં આવ્યો ત્યારે તેમને કાગળો જોતા જ એન્કાઉન્ટર બનાવટી હોવા શંકા ગઈ હતી, તેમણે તે રીપોર્ટ ઉપર ક્રાઈમ બ્રાન્ચને કેટલાંક પ્રશ્નોના ખુલાસા પુછી નાખ્યા હતા.જો કે ત્યાર બાદ તરત કૌશીકે હાજર થઈ જાય ક્રાઈમ બ્રાન્ચને બચાવી લીધી હતી.

ક્રાઈમ બ્રાન્ચની સ્ટોરી પ્રમાણે તેઓ સમીરખાનને મોડી રાતે વિષ્ણુની જયા હત્યા થઈ તે સ્થળની તપાસ માટે લઈ ગયા હતા, તેઓ જયારે ઉસ્માનપુરા પહોંચ્યા ત્યારે તેણે પોલીસ જાપ્તામાં રહેલા એક પોલીસવાળાનું હથિયાર છીનવી લીધુ અને પોલીસ ઉપર ગોળીબાર કરવાનો પ્રયત્ન કર્યો, જેમાં પોલીસે કરેલા ગોળીબારમાં સમીર માર્યો હતો, સમીર પણ ત્યાં જ મર્યો હતો જયાં કોન્સટેબલ વિષ્ણુની હત્યા થઈ હતી. પોલીસની હત્યા થઈ હોવાને કારણે પોલીસે તેને મારી નાખ્યો ત્યાં સુધી વાત તો કદાચ સ્વીકારી શકાય, પણ હવે જે સ્ટોરી ક્રાઈમ બ્રાન્ચે તૈયાર કરી તે પ્રમાણે પોલીસની હત્યા બાદ ફરાર થયેલા સમીરે રાજસ્થાનમાંથી બનાવટી દસ્તાવેજોના આધારે ડ્રાઈવીંગ લાઈસન્સ કઢાવ્યુ અને ત્યાર બાદ પાસપોર્ટ લીધો અને પાકિસ્તાન જતો રહ્યો.

પાકિસ્તાનમાં તે લશ્કર એ તોઈબાનો સદસ્ય થયો અને ત્યાં તેણે હથિયાર ચલાવવાની તાલીમ લીધી હતી, તે ચોક્કસ ઈરાદા સાથે ભારત પાછો આવ્યો અને તેના નિશાન ઉપર ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી હતા. હવે વણઝારાની સ્ટોરી ફીટ થઈ રહી હતી, પહેલા એન્કાઉન્ટર કેસમાં હિન્દુઓ હતા અને નરેન્દ્ર મોદી ન્હોતા જેના કારણે વાત બરાબર જામી ન્હોતી, પણ હવે લશ્કર એ તોઈબા અને નરેન્દ્ર મોદી હોવાને કારણે સમીર એન્કાઉન્ટરને સારી એવી જગ્યા અખબારમાં મળવા લાગી હતી, સમીર નરેન્દ્ર મોદીને મારવા માટે ગાંધીનગર પહોંચે અથવા તેમના કોઈ સમારંભમાં પહોંચે તે પહેલા ક્રાઈમ બ્રાન્ચે આઈબી ઈનપુટના આધારે તેને ઉપાડી લીધો અને પોલીસ સાથે મુઠભેડમાં તે માર્યો ગયો હતો. પોલીસે સમીરખાનના કેસમાં તેના મીત્રો સહિતના કુલ 22 લોકોની ધરપકડ કરી સમીરખાન જે માર્યો ગયો હતો તેની સામે ચાર્જશીટ કોર્ટમાં રજુ કરી હતી.

પણ આશ્ચર્યની વાત સમીરના એન્કાઉન્ટર બાદ આઈપીએસ અધિકારી ચીતરંજનસિંગે જે સવાલો ઉભા કર્યા હતા, તેવા જ સવાલો અમદાવાદ જિલ્લા અદાલતમાં ઉભા થયા હતા, સેશન્સ કોર્ટે ક્રાઈમ બ્રાન્ચની આતંકવાદની થીયરી માનવાનો ઈન્કાર કરી, સમીરખાન સહિત તમામને નિદોર્ષ છોડી દેવાનો હુકમ કર્યો હતો, જો કે સમીર તો કોર્ટમાંથી નિદોર્ષ છુટયો હોવા છતાં હવે તે દુનિયામાં જ રહ્યો ન્હોતો. ક્રાઈમ બ્રાન્ચ અને ગુજરાત પોલીસની કોર્ટમાં પહેલી હાર હતી, ખુદ કોર્ટમાં પોલીસની આતંકવાદની થીયરી માનવા તૈયાર ન્હોતી. ગુજરાત સરકારે અમદાવાદ સેશન્સ કોર્ટના હુકમને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો, પણ લંબાણપુર્વક દલીલ સાંભળ્યા પછી હાઈકોર્ટમાં તે માનવા તૈયાર થઈ નહીં કે સમીર આતંકવાદી હતો અને તે નરેન્દ્ર મોદી મારવા આવ્યો હતો. જો કે કોર્ટમા મળેલી હાર પછી ડી જી વણઝારાએ થોડો મજુબત સ્ટોરી પ્લાન તૈયાર કર્યો હતો.

(ક્રમશ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp