1થી 8 ધોરણના બાળકોને માસ પ્રમોશન અપાશે? જાણો શું કહ્યુ શિક્ષણ વિભાગે

PC: khabarchhe.com

ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓમાં કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે રાજ્ય સરકાર દ્વારા હજુ સુધી શાળા ખોલવા બાબતે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. વિદ્યાર્થીઓ સુરક્ષિત રહીને અભ્યાસ કરી શકે તે માટે તેમને પોતાના ઘરમાં રહીને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યુ છે. આ ઉપરાંત રાજ્યના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓના ઘરે પેપર પહોંચાડીને તેમની પરીક્ષાઓ લેવા આવી રહી છે. છેલ્લા 6 મહિનાથી કોરોનાની મહામારી વચ્ચે શાળાઓ બંધ હોવાના કારણે એવી પણ ચર્ચાઓ થઈ રહી હતી કે, શિક્ષણ વિભાગ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા અંગે વિચારણા કરી રહ્યું છે અને અગાઉ વાલીમંડળના પણ ધોરણ 1થી 9ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબતે સરકારને રજૂઆત કરી હતી. વાલીમંડળની રજૂઆત કરી હતી કે, કેટલીક શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવતું નથી. જેના કારણે વિદ્યાર્થીઓ અભ્યાસથી વંચિત રહે છે, તેથી 1થી 9 ધોરણના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે.

વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા બાબતે રાજ્યના શિક્ષણ વિભાગે સ્પષ્ટતા કરી હતી કે, ધોરણ 1થી 8 સુધીના બાળકોને માસ પ્રમોશન આપવા અંગે શિક્ષણ વિભાગ કોઇ વિચારણા કરી રહ્યું નથી. શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટતાની સાથે-સાથે વાલીઓને ગેરમાર્ગે ન દોરાવવાની પણ અપીલ કરી હતી.

તો બીજી તરફ એવી પણ માહિતી સામે મળી આવી રહી છે કે, દિવાળી બાદ પણ ધોરણ 1થી 5માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની શાળાઓ ખોલવામાં આવશે નહીં. દિવાળી બાદ પણ સરકાર ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ માટે જ શાળા ખોલવાની વિચારણા કરી રહી છે અને આ સંકેતો શાળા સંચાલકો અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા વચ્ચે યોજાયેલા વેબીમિનારમાં મળ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અગાઉ વાલી મંડળના પ્રમુખ દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે ઘણી શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવામાં આવી રહ્યો નથી કેટલાક વિદ્યાર્થીઓના ઘરે મોબાઈલ કે, પછી કોમ્પ્યુટરની સુવિધા ન હોવાના કારણે તે અભ્યાસથી વંચિત રહે છે. જેથી તેમને માસ પ્રમોશન આપી આગળના ધોરણમાં મોકલવામાં આવે પરંતુ શિક્ષણ વિભાગ દ્વારા માસ પ્રમોશન નહીં આપવા અંગે સ્પષ્ટતા કરવામાં આવતા વાલી મંડળ દ્વારા કરવામાં આવેલી માંગણી શિક્ષણ વિભાગ દ્વારા ફગાવવામાં આવી છે. મહત્ત્વની વાત છે કે, એવા પણ કિસ્સાઓ સામે આવે છે કેટલાક ગામડાઓમાં વિદ્યાર્થીઓને ઓનલાઇન અભ્યાસ કરવામાં તકલીફ પડી રહી છે. કારણ કે ગામડાઓમાં મોબાઇલ નેટવર્કનો ખૂબ જ અભાવ હોય છે. આ ઉપરાંત કેટલાક ગરીબ પરિવારના લોકો તેમના બાળકોને સ્માર્ટ ફોન અપાવી શકતા નથી. જેથી તેમના બાળકોને પણ અભ્યાસથી વંચિત રહેવાનો વારો આવ્યો છે. ત્યારે જો આ પરિસ્થિતિમાં પરીક્ષા યોજાય તો બાળકોના પરિણામને લઇને પણ ઘણા સવાલો ઉભા થઇ શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp