અમદાવાદના આ કામો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરતા CM

PC: dnaindia.com

ગુજરાત સરકારે જણાવ્યું હતું કે, CM વિજય રૂપાણીએ રાજ્યના નગરો, મહાનગરોમાં ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ તેમજ સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ સહિતના વિવિધ જનહિત વિકાસ કામો માટે સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત માતબર રકમ ફાળવવાનો અભિગમ અપનાવેલો છે મુખ્યમંત્રીએ આ હેતુસર અમદાવાદ મહાનગરપાલિકાને આવા વિકાસ કામો માટે 702 કરોડ રૂપિયાની ફાળવણી કરવાનો લોકહિતકારી નિર્ણય કર્યો છે.

CM વિજય રૂપાણીના આ નિર્ણય અનુસાર સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભૌતિક આંતરમાળખાકીય વિકાસના 63 કામો માટે રૂ. 354.80 કરોડની ફાળવણી કરવામાં આવી છે. આ 63 કામોમાં રસ્તા રીસરફેસ તથા માઇક્રો સરફેસીંગના 22 કામો, સ્ટ્રોમ વોટર ડ્રેનેજ અને સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના 13, પાણી પુરવઠાના 2, ફાયર સાધનો 2 તથા સોલા ગામ તળાવ ડેવલપમેન્ટનું 1 અને વિવિધ ઝોનના 21 વિકાસ કામોનો સમાવેશ થાય છે.

મુખ્યમંત્રીએ અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં સામાજીક આંતરમાળખાકીય વિકાસના કામો માટે રૂ. 85 કરોડની રકમ ફાળવી છે. આ કામો અંતર્ગત બિલ્ડીંગ, શાળા અને વોર્ડ ઓફિસના 6 કામો અને પ્રહલાદનગર, સિંધુભવન તથા ચાંદલોડીયા એમ 3 મલ્ટીલેવલ પાર્કિંગના કામો હાથ ધરાશે. એટલું જ નહિ, મુખ્યમંત્રીએ બે રેલ્વે ઓવરબ્રીજ અને 1 રેલ્વે અંડરબ્રીજ એમ 3 કામો માટે રૂ. 8 કરોડની ફાળવણી કરવાનો પણ નિર્ણય અમદાવાદ મહાનગર માટે કર્યો છે

તેમણે અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં હાલ કાર્યરત એવા રોડ-રસ્તા, પાણી, ગટર વિગેરેના પ્રોજેકટસ માટે રૂ. 164 કરોડની ફાળવણી કરી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અન્વયે રસ્તા-માર્ગોના 41 કામો માટે 90 કરોડ રૂપિયા ફાળવવાનો નિર્ણય પણ વિજય રૂપાણીએ કર્યો છે. ગુજરાતના મહાનગરો-નગરોને જનસુખાકારીના કામોથી સુવિધાસભર બનાવવા રાજ્યની સ્થાપનાના સુવર્ણજ્યંતિ વર્ષ 2009થી સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરવામાં આવેલી છે

આ યોજનાનો મુખ્ય હેતુ નગરો-મહાનગરોમાં ભૌતિક-સામાજીક આંતરમાળખાકીય સુવિધા વિકાસ કામોથી લોકહિત કાર્યોને વેગ આપી શહેરી જનજીવન સુખાકારીમાં વૃદ્ધિ કરવાનો છે. રાજ્ય સરકારે આ હેતુસર 20-21ના વર્ષમાં આઠ મહાનગરોમાં આવા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ કાર્યો માટે 1555 કરોડ રૂપિયા મંજૂર કરેલા છે

અમદાવાદ મહાનગર માટે રૂ. 576 કરોડ, સુરત માટે રૂ. 470 કરોડ, વડોદરા માટે 176 કરોડ, રાજકોટ માટે રૂ. 140 કરોડ તેમજ ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર માટે અનુક્રમે રૂ. 65 કરોડ, 62 કરોડ, 32 કરોડ અને 33 કરોડ એમ સમગ્રતયા 1555 કરોડ રૂપિયા મંજૂર કરીને મહાનગરોને ચૂકવી દેવામાં આવેલા છે. 2021-22ના આ વર્ષમાં સ્વર્ણિમ જ્યંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 8 મહાનગરોમાં આંતરમાળખાકીય સુવિધાના કામો માટે રાજ્ય સરકારે કુલ 1699 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે

મુખ્યમંત્રી શહેરી સડક યોજના તહેત રાજ્યની નગરપાલિકા-મહાનગરપાલિકા વિસ્તારોમાં રસ્તાના કામો માટે 300 કરોડ રૂપિયાની જોગવાઇ થયેલી છે. આ રકમમાંથી 8 મહાનગરો માટે 200 કરોડ રૂપિયા વર્ષ 2020-21માં મંજૂર થયેલા છે તથા 2021-22 માટે પણ રૂ. 200 કરોડની ફાળવણી રાજ્ય સરકારે કરી છે. CM વિજય રૂપાણીએ રાજ્યના નગરો-મહાનગરોને વધુ પ્રાણવાન અને વ્યાપક જનહિત સુવિધાસભર બનાવવાના ઉદેશ્ય સાથે ફાળવેલી આ માતબર રકમથી વિકાસ કામોને નવી ગતિ મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp