CMએ બર્ડફલૂના કેસ સંદર્ભમાં પક્ષી બચાવ-સારવાર માટે અનુસરવાની S.O.P જાહેર કરી

PC: khabarchhe.com

ગુજરાત સરકારની પ્રેસ રીલિઝમાં જણાવ્યા મુજબ CM વિજય રૂપાણીએ તાજેતરમાં રાજ્યના જૂનાગઢ, વડોદરા, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં નોંધાયેલા બર્ડફલુના કેસોના સંદર્ભમાં આ વર્ષના કરૂણા અભિયાન-2021 અંતર્ગત પક્ષી બચાવ અને સારવાર કામગીરીમાં વિશેષ કાળજી-તકેદારી રાખવાની સૂચનાઓ આપી છે. CMએ પક્ષીઓમાં ઝડપથી ફેલાતા આ બર્ડફલુ રોગ અને રોગ્રસ્ત પક્ષીના સંપર્કમાં આવતા વ્યકિત-માનવીઓને પણ આ રોગનો ચેપ લાગી શકે છે તેની સંભાવનાઓ ધ્યાને લઇ આવા પક્ષીઓની કરૂણા અભિયાન દરમ્યાન બચાવ-સારવાર કામગીરીમાં જોડાનારા કર્મચારી-અધિકારીઓ તેમજ NGOના સ્વયંસેવકો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીજર SOP નિયત કરી છે.

CM વિજય રૂપાણીએ આજે ગાંધીનગરમાં વનપર્યાવરણ અને પશુપાલન વિભાગના વરિષ્ઠ સચિવો સાથે ઉચ્ચસ્તરીય બેઠક યોજી આ અંગેની વિસ્તૃત કાર્યયોજના નિર્ધારીત કરી છે. CMએ આ અંગે સંબંધિત વિભાગોને જે માર્ગદર્શીકા અનુસરવા સૂચનાઓ આપી છે તે અનુસાર...

- કરૂણા અભિયાનની તમામ કામગીરી દરમ્યાન પ્રવર્તમાન કોવિડ-19 અંગેની તમામ ગાઇડલાઇન સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક, વારંવાર સાબુથી હાથ ધોવા તથા સેનેટાઇઝરનો ઉપયોગનું ચુસ્ત પાલન કરવાનું રહેશે.

- રાજ્યમાં કેટલાંક જિલ્લાઓમાં નોંધાયેલ છુટાછવાયા બર્ડ ફલુના કેસ ધ્યાને લેતા કરૂણા અભિયાનમાં મર્યાદિત સંખ્યામાં બિનસરકારી સંસ્થાના સ્વયંસેવકો ભાગ લે તે ઇચ્છનિય હોવાથી તમામ સહભાગી સંસ્થાઓએ આ કામગીરી માટે સિમીત સંખ્યામાં સ્વયંસેવકો ફાળવવાના રહેશે.

- પક્ષી બચાવ અને સારવાર દરમિયાન વન વિભાગના તમામ અધિકારી/કર્મચારીઓએ ડીસ્પોઝેબલ પી.પી.ઇ સુટ અને હાથના મોજા ફરજિયાત પહેરવાના રહેશે.

- જો કોઇ મૃત પક્ષી મળી આવે તો તેને ઝીપલોક ધરાવતી પ્લાસ્ટીકની બેગમાં પેક કરી નજીકના પશુપાલન વિભાગના સારવાર કેન્દ્રમાં અલગથી સુપ્રત કરવાનું રહેશે.

- ઘાયલ પક્ષીઓને કાળજીપૂર્વક યોગ્ય કન્ટેનરમાં મૂકી સારવાર કેન્દ્ર પહોચતા કરવાના રહેશે.

- કન્ટેનરને દરેક ઉપયોગ પછી વ્યવસ્થિત સેનેટાઇઝ કરવાનું રહેશે.

- જે બિનસરકારી સંસ્થાઓ કરૂણાા અભિયાનમાં સહભાગી થવા માંગતી હોય તેઓએ તેમના તમામ સ્વયંસેવકોને પુરતા પ્રમાણમાં પી.પી.ઇ. સુટ, હાથના મોજા, ઝીપલોક ધરાવતી પ્લાસ્ટીકની બેગ અને ઘાયલ પક્ષીઓને ટ્રાન્સ્પોર્ટ કરવા માટે યોગ્ય કન્ટેનર ફરજિયાત પુરા પાડવાના રહેશે. જે સંસ્થાઓ ઉપરોકત સાધન-સામગ્રી પુરી પાડી સક્ષમ ન હોય તેઓ કરૂણા અભિયાનમાં જોડાઇ શકશે નહી.

- રાજ્યના મુખ્ય ચાર શહેરો-અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ વોર્ડમાં કોર્પોરેશનના કર્મચારીઓને પુરતા પ્રમાણમાં પી.પી.ઇ. સુટ, હાથના મોજા, ઝીપલોક ધરાવતી પ્લાસ્ટીકની બેગ અને ઘાયલ પક્ષીઓને ટ્રાન્સ્પોર્ટ કરવા માટે યોગ્ય કન્ટેનર આપી તા.11 થી ર0 જાન્યુઆરી દરમ્યાન ઘાયલ પક્ષીઓને વિવિધ વિસ્તારમાંથી કાળજીપૂર્વક એકત્ર કરી નજીકના સારવાર કેન્દ્રો ઉપર પહોંચાડવાની કામગીરી સોંપવાની રહેશે.

- આ માટે સંબંધિત મ્યુનિસિપલ કમિશનરોએ વન વિભાગ અને પશુપાલન વિભાગના સ્થાનિક અધિકારીઓનું માર્ગદર્શન અને સહયોગ મેળવવાનો રહેશે.

આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વનપર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તા, પશુપાલન નિયામક ફાલ્ગુનીબહેન અને અગ્ર મુખ્ય વનસંરક્ષક ટિકેદાર ઉપસ્થિત રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp