ગામોમાં સરકારી સુવિધા નથી, સેવા કરનાર ડિગ્રી વગરના ડોક્ટરોને હેરાન ન કરોઃ MLA

PC: Dainikbhaskar.com

ગુજરાતમાં કોરોનાની મહામારી વચ્ચે ડિગ્રી વગરના ડૉક્ટરો દર્દીની સારવાર કરીને દર્દીનો જીવ જોખમમાં મૂકતા હોવાના કિસ્સાઓ સામે આવે છે. તો બીજી તરફ રાજ્ય પોલીસ વડાના આદેશ બાદ પોલીસ દ્વારા ડીગ્રી વગરનો ડૉક્ટરો સામે કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે.

ત્યારે કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોર આવા ડૉક્ટરોની મદદે આવ્યા હોય તેવું લાગી રહ્યું છે. બનાસકાંઠા પોલીસે એક અઠવાડિયાના સમયમાં 25થી વધુ ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા નકલી ડૉક્ટરને ઝડપી પાડયા છે. ત્યારે ધારાસભ્ય ગેની ઠાકોરે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને પત્ર લખીને ગ્રામીણ પ્રેક્ટિશનરો સામે કાર્યવાહી ન કરવામાં આવે તેવું જણાવ્યું છે.

વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેની ઠાકોર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, રાજયની જનતાને આરોગ્ય અને શિક્ષણની સેવા પુરી પાડવાની સરકારની બંધારણીય જવાબદારી છે. તે મુજબ દરેક ગામે જરૂરી મેડીકલ સેવા સરકાર આપી શકતી નથી. તેવા સંજોગોમાં જનતાએ સરકારી ઉપરાંત ખાનગી દવાખાનાઓનો સહારો લેવો પડે છે.

હોસ્પિટલોમાં પુરતા બેડની વ્યવસ્થા ન હોવાથી અથવા દર્દીની આર્થિક નબળી પરિસ્થિતિના કારણે ખાનગી હોસ્પિટલોના ખર્ચને પહોંચી વળે તેમ ન હોવાથી દાખલ થઈ સારવાર લઈ શકાતી નથી. જેથી જે તે ડૉકટર જરૂરી ઈજેકશન, બાટલા વગેરે લખી આપી જણાવે તેવા પ્રકારની સારવાર ગ્રામ્ય પ્રેકટીશનર દ્વારા આપવામાં આવે છે.

 પાટાપીંડી કે ઈમરજન્સી પ્રાથમિક સારવાર આપતા હોય છે. વળી આ ગ્રામીણ પ્રેકટીશનરો નાના-મોટા ડીપ્લોમા, નર્સિગ, પેસન્ટ કેર જેવા માન્ય કોર્સ કરેલા હોય છે, અથવા અધિકૃત તબીબ પાસે ત્રણ વર્ષ, પાંચ વર્ષ કે તેથી વધુ સમય રહી તાલીમ પ્રાપ્ત હોય છે. જેના કારણે ડોકટરે આપેલ ઈજેકશન, બાટલા, દવાને યોગ્ય રીતે આપવા સક્ષમ અને અધિકૃત હોય છે.

તેમને પત્રમાં વધુ લખ્યું હતું કે, કોરોના મહામારી દરમિયાન દર્દીઓથી ઉભરાતી હોસ્પિટલોના સમયમાં હોસ્પિટલે આપેલ દવાઓના ડોઝ સમયસર ગામડાઓના દર્દીઓને આપી પોતાના જીવના જોખમે સુંદર સેવા પુરી પાડેલ છે. જેથી આવા ગ્રામીણ પ્રેકટીશનરો વિરુધ્ધ આડેધડ ફરીયાદો અને કાર્યવાહી કરવાથી ગ્રામીણ પ્રજામાં અસંતોષની લાગણીની રજુઆતો મારી સમક્ષ થયેલ છે.

જેથી ખરેખર ખોટી ડીગ્રી ખોટું નામ ધારણ કરવું કે, બિન તાલીમી વ્યક્તિ વિરુદ્ધ કાર્યવાહી કરવાના બદલે અનુભવી અથવા ડીપ્લોમાં, ANM, GNM જેવા માન્ય કોર્ષ કરી ફોલોપ ટ્રીટમેન્ટ કે પ્રાથમિક સારવાર કરતા આ ગ્રામીણ પ્રેકટીશનરો વિરુદ્ધ કાર્યવાહી કરવાનું બંધ કરવા અને દરેક ગામે જરૂરી MBBS તબીબો કુલ ટાઈમ સેવા આપે તેવી સરકાર દ્વારા વ્યવસ્થા ઉભી કરવા મારી વિનંતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp