દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજાનો વિવાદ, કલેક્ટર અને દેવસ્થાન સમિતિને નોટિસ

PC: twitter.com

ભગવાન રણછોડરાયની નગરી દેવભૂમિ દ્વારકાનાં મંદિરને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે.દ્વારકા મંદિરમાં છઠ્ઠી ધ્વજા ચઢાવવાના નિર્ણય સામે બ્રહ્મ સમાજે જિલ્લા કલેક્ટર અને મંદિરની દેવસ્થાન સમિતિને નોટિસ પાઠવી છે. બ્રહ્મ સમાનો આરોપ છે કે તેમને વિશ્વાસમાં લીધા વગર જ છઠ્ઠી ધ્વજા ચઢાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોટિસનો 3 દિવસમાં જવાબ આપવાનું કહેવામાં આવ્યું છે.

જિલ્લા કલેક્ટર અને દેવસ્થાન સમિતિને નોટિસ આપનાર ત્રિવેદી અબોટી બ્રહ્મ પરિવારનો દાવો છે કે દ્વારકા મંદિરમાં ધ્વજ ચઢાવવાનો અધિકાર તેમની પાસે જ છે. પરંતુ તાજેતરમાં ત્રિવેદી અબોટી પરિવારને વિશ્વાસમાં લીધા વગર જ છઠ્ઠી ધ્વજા ચઢાવવાનો નિર્ણય લેવાયો છે, જે ખોટું છે અને એકતરફી નિર્ણય છે. તેમણે 3 દિવસમાં ખુલાસો કરવા જણાવ્યું છે અને જવાબ નહીં મળશે તો કોર્ટના દરવાજા ખટખટાવવાની પણ ચિમકી આપી છે.

ચારધામ પૈકાના એક ધામ સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં જગત મંદિરના શિખર પર દરરોજ 6 ધ્વજાનું આરોહણ કરવાનો નિર્ણય મંદિરની વ્યવસ્થાપક સમિતિની બેઠકમાં  લેવાયો હતો. જેમાં જિલ્લા કલેક્ટરની હાજરીમાં છઠ્ઠી ધ્વજાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ બેઠકમાં પ્રાંત અધિકારી, મંદિર વહીવટદાર પાર્થ તલસાણિયા સહિતના સભ્યો હાજર રહ્યા હતા.

અબોટી બ્રાહ્મણ જ્ઞાતિની નોટિસમાં કહેવામાં આવ્યું  છે કે, છઠ્ઠી ધ્વજાના આરોહણ અંગેની પહેલી બેઠકમાં ત્રિવેદી પરિવારને બોલાવવામાં આવ્યો હતો, આ બેઠકમાં ત્રિવેદી પરિવારે ધ્વજા આરોહણ કરનારની સલામતી અને સન્માનજનક લોગો લગાવવાના સૂચનો કર્યા હતા. પરંતુ દેવસ્થાન સમિતિએ ત્રિવેદી પરિવારની માંગણી કોઇ માંગણી સ્વીકારી નથી અને  એ પછીને બેઠકમાં ત્રિવેદી પરિવારને  બોલાવ્યા વગર એકતરફી નિર્ણય લેવામાં આવ્યો છે. એટલે અંબોટી બ્રાહ્મણ સમાજના ત્રિવેદી પરિવારે કલેક્ટર અને મંદિરની સમિતિને નોટીસ મોકલી છે.

નોંધનીય છે કે, દ્વારકાધીશ મંદિર પર 151 ફૂટની ઊંચાઈ પર 25 ફૂટનો ધ્વજદંડ આવેલો છે. એના ઉપર એક ધ્વજ સ્તંભ છે, જેના પર ભગવાન દ્વારકાધીશની ધજા ફરકાવવામાં આવે છે. મંદિર પર આ ઊંચાઈએ ધ્વજા ફરકાવવા રોજ અબોટી પરિવારના સદસ્યો જાય છે અને પાંચ વખત ધજા બદલી કરે છે. જોકે બિપોરજોય વાવાઝોડું આવતા 3 દિવસ મંદિર પર નવી ધ્વજા ફરકાવાઈ નહોતી, જેથી ભક્તોની ધજા ચડાવવાની યાદી લંબાતા 15 દિવસ માટે રોજ છ ધ્વજા ચડાવવાનો નિર્ણય કરાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp