હું મુખ્યમંત્રીની કોઈપણ હરિફાઈમાં નથીઃ સી.આર.પાટીલ

PC: khabarchhe.com

વિજય રૂપાણીના રાજીનામા બાદ મુખ્યમંત્રી પદ માટે અનેક નામો સામે આવી રહ્યા છે, જેમાં પ્રદેશ પ્રમુખ અને સાંસદ સી.આર.પાટીલનું નામ પણ સામે આવી રહ્યું છે, ત્યારે સી.આર.પાટીલે આ અંગે સ્પષ્ટતા કરતા એક નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે કહ્યું હતું કે, નવા મુખ્યમંત્રી માટેની વાતો ચેનલો અને મીડિયામાં ચાલી રહી છે.કેટલાક નામો પૈકી એક નામ મારું નામ પણ એમાં વહેતું થયું છે. હું આપને આ ક્લિયર કરવા માગું છું કે, હું આવી કોઈપણ હરિફાઈમાં નથી, પરંતુ નવા મુખ્યમંત્રી જે પાર્ટી તરફથી નક્કી કરવામાં આવશે. તેમને વિજય રૂપાણી સાથે મળીને અમે અમારા આવનારા ઇલેક્શનમાં 2020મા 182માથી 182 સીટ જીતવાની જે  અમારો ટાર્ગેટ છે, તે ચોક્કસપણે પૂર્ણ કરીશું અને પાર્ટીને વધુ ઊંચાઈ તરફ લઈ જવા માટે પૂરી તાકાત સાથે કામ કરીશું 

ગુજરાતમાં 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજકારણમાં મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. અકિલાના તંત્રી કિરીટ ગણાત્રાએ જણાવ્યું હતું કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપ્યું છે. તેમણે અકિલામાં પ્રસિદ્ધ કરેલા અહેવાલમાં લખ્યું છે કે મુખ્યમંત્રી બપોરે 2:41 મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજીનામું આપવા માટે ગયા છે. મુખ્યમંત્રીના રાજીનામાં પહેલા જ ભાજપ પ્રદેશ કાર્યાલય પર મંત્રીઓની બેઠક મળી હતી.

રાજીનામા અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મીડિયાને જણાવ્યું હતું કે, હું ભારતીય જનતા પાર્ટી પ્રત્યે આભાર વ્યક્ત કરું છું, કે મારા જેવા એક કાર્યકર્તાને ગુજરાતના મુખ્યમંત્રીની મહત્ત્વપૂર્ણ જવાબદારી આપી. મુખ્યમંત્રી તરીકે મળેલી ફરજને નિભાવતા સમયે મારા કાર્યકાળના સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માર્ગદર્શન મળતું રહ્યું છે.

તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાત સમગ્ર વિકાસ અને સર્વજન કલ્યાણના રસ્તા પર આગળ વધતા નવા આયામો સર કર્યા છે. ગુજરાતના વિકાસની યાત્રામાં ગત પાંચ વર્ષમાં મને પણ જે યોગદાન કરવાનો અવસર મળ્યો તે માટે હું વડાપ્રધાનનો આભાર છું. મારું માનવું છે કે ગુજરાતના વિકાસની આ યાત્ર પ્રધાનમંત્રીના નેતૃત્વમાં નવા ઉત્સાહની સાથે આગળ વધવી જોઈએ. આ ધ્યાનમાં રાખીને મેં ગુજરાતના મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપ્યું છે. સંગઠન અને વિચારધારા આધારિત પાર્ટી હોવાના કારણે ભારતીય જનતા પાર્ટીની આ પરંપરા રહી છે કે સમયની સાથે કાર્યકર્તાઓની જવાબદારી બદલતી રહી છે.

હવે પાર્ટી દ્વારા મને જે પણ જવાબદારી મળશે તેને હું સંપૂર્ણ નિષ્ઠા અને ઉર્જાની સાથે પ્રધાનમંત્રીના નેતૃત્વ અને રાષ્ટ્રીય અધ્યક્ષના માર્ગદર્શનમાં કામ કરતો રહીશ. ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું કે, તેમને પાંચ વર્ષમાં થયેલી ચૂંટણીમાં અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પાર્ટી અને સરકારને ખૂબ જ સહયોગ અને વિશ્વાસ મળ્યો છે. ગુજરાતની જનતાનો વિશ્વાસ ભાજપની તાકાત બની છે.

મારા માટે જનહિતમાં કામ કરવાની ઉર્જા મળી છે. અમારી સરકારમાં પ્રસાશનના ચાર આધારભૂત ચાર સિદ્ધાંત પારદર્શિતા, વિકાસશીલતા, નીર્ણાયકતા અને સંવેદનશીલતાની આધારે જનતાની સેવા કરવાનો પ્રયાસ કર્યો હે. આ કાર્યમાં મંત્રીમંડળમાં મારા સાથી, વિધાનસભાના સભ્યો અને પાર્ટીના તમામ પદાધિકારીઓ અને કાર્યકર્તાઓનો સંપૂર્ણ સહયોગ મળ્યો છે. હું આ તમામનો આભાર વ્યક્ત કરું છું.

કોરોનાના આ મુશ્કેલીના સમયમાં અમારી સરકારે દિવસ રાત મહેનત કરીને ગુજરાતની જનતાને સુરક્ષિત રાખવાનો પ્રયાસ કર્યો છે. ગુજરાત રસીકરણના કામમાં પણ ગુજરાત અગ્રેસર રહ્યું છે. અમે તેમાં નવા કીર્તિમાન સ્થાપિત પણ કર્યા છે તેનો મને ગર્વ છે. પૂર્વરાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તરફથી મને પ્રશાસનીક વિષયોમાં નવા અનુભવો જાણવાનો સમજવાનો અવસર મળ્યો છે. પાર્ટીના કામમાં પણ તેનો સહકાર અને સહયોગ અમુલ્ય મળ્યો છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષનો સહયોગ પણ મારા માટે અતૂટ રહ્યો છે. મારા રાજીનામાંથી ગુજરાત ભાજપના નવા નેતૃત્વને અવસર મળશે. અમે સૌ એક થઇને વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાતની આ વિકાસ યાત્રાને નવી ઉર્જા અને ઉત્સાહ અને નવા નેતૃત્વની સાથે આગળ લઇને જઈશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp