26th January selfie contest

CM વિજય રૂપાણીએ આપ્યું રાજીનામું, 10 દિવસમાં ગુજરાતને મળશે નવા CM

PC: firstpost.com

ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી પદેથી વિજય રૂપાણીની જગ્યાએ અન્ય પાટીદાર મુખ્યમંત્રીની નિમણૂક થશે, તે અંગે બધી બાજુ ચર્ચા ચાલે છે. બુધવારના રોજ Khabarchhe.comએ સૌ પ્રથમ આ અંગે સ્ટોરી પણ પબ્લીશ કરી હતી. આ બધા વચ્ચે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલે પોતાનું નિવેદન આપતા જણાવ્યું છે કે, વિજય રૂપાણીએ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે અને 10 દિવસની અંદર ગુજરાતને નવા મુખ્યમંત્રી મળશે.

હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું દાવા સાથે કહું છું કે, ગઈકાલે વિજય રૂપાણીએ પોતાનું રાજીનામું આપી દીધું છે. આગામી 10 દિવસમાં વિજય રૂપાણીનું રાજીનામું સ્વીકારીને નવા મુખ્યમંત્રીનું નામ પણ જાહેર થઈ જશે. છેલ્લા કેટલાય સમયથી જ્યારથી વિજય રૂપાણી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા છે, ત્યારથી કાયદા વ્યવસ્થાથી માંડીને રાજ્યની વ્યવસ્થા ન સંભાળી શકવાના કારણો છે. હું દાવા સાથે કહું છું કે, ક્ષત્રીય કે પાટીદાર મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં આવશે.

ગુજરાતના નવા પાટીદાર મુખ્યમંત્રી કોણ...

13 જૂનના રોજ Khabarchhe.com દ્વારા આ સ્ટોરી પબ્લીશ કરવામાં આવી હતી.

ભાજપને દેશમાં આગળ લાવનારા નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમના સ્થાને પરસોત્તમ રૂપાલા મુખ્ય પ્રધાન માટે શ્રેષ્ઠ ઉમેદવાર હતા. પણ રાજકીય ગણિત માટે તેમના સ્થાને આનંદીબેન પટેલ અને ત્યાર બાદ વિજય રૂપાણીને મુખ્ય પ્રધાન બનાવવા પડ્યા હતા. તેમ છતાં ગુજરાતમાં ભાજપમાં રાજકીય સ્થિતી સુધરવાના બદલે આજે બગડી રહી છે. તેથી દિલ્હી હાઈકમાન્ડે ગુજરાત ભાજપના હીતમાં નવા મુખ્ય પ્રધાન કોણ એ દિશામાં છેલ્લાં કેટલાંક દિવસથી પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં સર્વાનુમતે એવું નક્કી થયું છે કે, ગુજરાતના લોકોના દિલ જીતી શકે અને ભાજપને લોકસભા અને આગામી વિધાનસભાની ચૂંટણી જીતાડી શકે એવા મુખ્ય પ્રધાન તરીકે પસંદ કરવા.

આ માટે કેન્દ્રના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાને ગુજરાતના મુખ્ય પ્રધાન બનાવવા એવું આંતરિક રીતે નકકી કરવામાં આવી રહ્યું છે. જોકે, હજુ કેટલીક બાબતો તેમાં સ્પષ્ટ થતી નથી. જોકે, ભાજપના પ્રવક્તા આ બાબત અંગે ઈન્કાર કરી રહ્યા છે. પણ આંતરિક સૂત્ર કહે છે કે, આ નિર્ણય એકદમ ઝડપથી લઈ લેવો એવું પણ નક્કી કરવા માટે દબાણ છે. નરેન્દ્ર મોદીનું ગુજરાતમાં કોઈ સ્થાન લઈ શકે તેમ હોય તો તે અમિત શાહ અને બીજા પરસોત્તમ રૂપાલા છે. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા અને તેમના સ્થાને કોણ મુખ્ય પ્રધાન બને તે અંગે રૂપાલા પહેલેથી પ્રજામતમાં આગળ હતા. પણ ભાજપની આંતરિક સત્તાની ખેંચતાણના કારણે રૂપાલા બની શક્યા નહીં.

તેમના સ્થાને આનંદીબેન પટેલને બનાવાયા તો તેમની સામે આંતરિક દાવપેચ થયા અને અનામત આંદોલનને તેઓ યોગ્ય રીતે ઉકેલી ન શક્યા તેથી તેમને ખસેડીને વિજય રૂપાણીને લાવવામાં આવ્યા હતા. ત્યારે એવું એક ચિત્ર હતું કે તેઓ બિન વિવાદાસ્પદ હોવાથી ગુજરાતમાં બગડેલી બાજી સુધારી શકે તેમ છે. પણ નિતીન પટેલનું નામ મુખ્ય પ્રધાન તરીકે હતું. તેઓ યોગ્ય ઉમેદવાર હોવા છતાં તેમને નાયબ મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. 2017માં વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યારે પણ એવું હતું કે તેમને મુખ્ય પ્રધાન બનાવવામાં આવશે. પણ તેમને નજીવા ખાતા ફાળવીને નાયબ મુખ્ય પ્રધાનને ન છાજે એવા ખાતા આપવામાં આવ્યા હતા. તેથી તેઓ નારાજ થયા હતા અને દિલ્હી મોવડી મંડળ સામે તેમણે અવાજ ઉઠાવીને નાણાં ખાતું માંગી લીધું હતું. જે ભાજપના મોવડી મંડળને પસંદ પડ્યું ન હતું.

તેથી હવે નવા મુખ્ય પ્રધાન બની રહ્યાં છે તે સૌરાષ્ટ્રના પાટીદાર હોવાથી ફરી એક વખત નિતીન પટેલ માટે મુશ્કેલી થઈ શકે તેમ છે. તેથી તેમને કેન્દ્રમાં પ્રધાન બનાવવા માટે નિતીન પટેલને 2019માં લોકસભાની ચૂંટણી લડાવવામાં આવે એવી પણ શક્યતા તપાસવામાં આવી રહી છે. જેથી પરસોત્તમ રૂપાલા ગુજરાતમાં મોકળાશથી સત્તા સંભાળી શકે. તેઓ પોતાની રીતે સરકાર ચલાવી શકે. રૂપાલાની પસંદગી એટલા માટે કરવામાં આવી રહી છે કે, રૂપાણી પાસે જે અપેક્ષા હતી તેમાં તેઓ ખરા ઉતર્યા નથી. જમીન વિકાસ નિગમ, મગફળી ખરીદી કૌભાંડ, મગફળી સળગવાનું કૌભાંડ વગેરે ભાજપને ભારે પડી રહ્યાં છે. ખેડૂતોને પૂરતા ભાવો ન મળતાં હોવાથી તેઓ નારાજ જોવા મળે છે. ભાજપ માટે તકો સુધરવાના બદલે વધું ધુંધળી બની રહી છે. ખેડૂતો રૂપાણીની નીતિઓથી નાખુશ છે. અનામત આંદોલન હજુ પણ એટલું જ તીવ્ર બની શકે તેમ છે

ગ્રામ્ય વિસ્તારમાં ભાજપનું ધોવાણ થયું છે તેથી તેમાં ગ્રામ્ય નેતા તરીકે જો કોઈ સુધારો કરી શકે તેમ હોય તો તે રૂપાલા છે. મનસુખ માંડવીયા, ભીખુ દલસાણીયા કે બીજા કોઈ ખેડૂત પાટીદાર નેતા કરી શકે તેમ નથી. આ ફેરફાર એટલા માટે કરવા હવે જરૂરી બની ગયા છે કે લોકસભાની ગુજરાતની તમામ 26 બેઠકો હાલ ભાજપ પાસે છે. તે તમામ ફરી ભાજપને મળે તો જ કેન્દ્રમાં ભાજપની નરેન્દ્ર મોદીની સરકાર બની શકે તેમ છે. હવે નરેન્દ્ર મોદી જો આકરો નિર્ણય ન લે તો ગુજરાતમાં 10 બેઠક ભાજપ ગુમાવે તેવી સ્થિતી આવીને ઊભી છે. તો તેમાં કોઈ સુધારો કરી શકે તેવા કોઈ નેતા હોય તો તે એક માત્ર પરસોત્તમ રૂપાલા છે. તેઓ ગ્રામ્ય મતદારોને સારી રીતે સમજે છે અને સારી રીતે રીજવી શકે તેમ છે. તેથી ગુજરાતમાં ભાજપના હવે પરસોત્તમ રૂપાલાની અત્યંત આવશ્યકતા ઊભી થઈ છે. ભાજપમાં આ અંગે ગઈ કાલે મંથન થયું હતું. મોડી રાત સુધી બેઠક પણ અલગ અલગ તબક્કે થઈ રહી છે. જેમાં પરસોત્તમ રૂપાલાને જ મુખ્ય પ્રધાન બનાવવા જોઈએ એવી સર્વસામાન્ય લાગણી જોવા મળી છે. પરસોત્તમ રૂપાલાને એવો સવાલ પૂછવામાં આવ્યો હતો કે, તમને સરકારમાં એક સારું પદ મળી રહ્યુંં છે તેવી વાત સામે આવી છે, તેના જવાબમાં પરસોત્તમ રૂપાલાએ કહ્યું હતું કે, 'આ અફવા સારી છે.'

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp