તમે STમાં ઓનલાઇન ટિકિટ બુક કરાવો છો તેનો 1 ટકો કૌભાંડીઓ પાસે જાય છે?

PC: dnaindia.com

રાજ્યના એસટી નિગમ દ્વારા લોન્ચ કરાયેલી એપ તૈયાર કરાવવામાં નિગમના અધિકારી દ્વારા મોટાપાયે ભ્રષ્ટાચાર કરાયો છે. કરોડોનો ચૂનો સરકારી તિજોરી પર લગાવાયો હોવા છતાં પણ કહેવાતી સંવેદનશીલ સરકાર દ્વારા આંખ આડા કાન કરીને આ અધિકારીને છાવરવામાં આવી રહ્યા છે. સરકારના એસટી નિગમ દ્વારા જીએસઆરટીસીની એપ તૈયાર કરવા માટે સરકારના તમામ નીતિ નિયમો નેવે મૂકીને રેડિયન્ટ ઈન્ફોસિસ્ટમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હોવાની સિલસિલાબંધ વિગતો બહાર આવી છે. આ ઉપરાંત આ જ અધિકારી દ્વારા વર્ષ 2018માં ડ્રાઈવર અને કંડક્ટરની ભરતીમાં પણ મોટાપાયે ગેરરીતિ કરી હોવાના કારણે વાહનવ્યવહાર પ્રધાને તેમની બદલી દૂરના સ્થળે કરવાનો આદેશ કર્યો હોવા છતાં નિગમના ઉપાધ્યક્ષ અને વહિવટી સંચાલક દ્વારા તેને ગણકારવામાં આવ્યો નથી. ત્યારે આ સમગ્ર કૌભાંડમાં નિગમના ઉચ્ચ અધિકારીઓની પણ સંડોવણી હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, ઓનલાઈન બુકિંગના નામે રેડિયન્ટ ઈન્ફોસિસ્ટમ પ્રા. લિ. સાથે ટેન્ડર બહાર પાડીને એસટી નિગમના ઈડીપી મેનેજર કે. સી. બારોટ દ્વારા યેનકેનપ્રકારેણ કરાર કરાવ્યા છે. સામાન્ય રીતે સરકાર દ્વારા જે ટેન્ડર બહાર પડાય અને ત્યારબાદ જે કંપનીને કોન્ટ્રાક્ટ અપાય તેની સાથે એક વર્ષનો જ કરાર કરવામાં આવતો હોય છે. અને ત્યારબાદ તેને રિન્યૂ કરવાનો નિયમ વર્ષોથી અન્ય કરારોમાં પાળવામાં આવે છે. પરંતુ નિગમના અધિકારી બારોટ દ્વારા શરૂઆતથી જ આ કંપની સાથે શરૂઆતથી જ પાંચ વર્ષનો કરાર કરી દીધો હતો. આ કરાર 10 ફેબ્રુઆરી 2009માં કરવામાં આવ્યો હતો. અને તે પણ પાંચ વર્ષ માટે કરાયો હતો. તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા આ અધિકારી સામે કોઈ પગલાં ભરવામાં ન આવ્યા. આટલું ઓછું હોય એમ આ કરાર કરીને ઓનલાઈન બૂકિંગ થાય એના એક ટકા કમિશન આપવાનું પણ ઠરાવ્યું હતું. આમ શરૂઆતથી જ થયેલા સરેરાશ ઓનલાઈન બૂકિંગના કરોડો રૂપિયા કમિશન પેટે ચૂકવવાનું શરૂ કરી દીધું હતું. આ અંગે સૂત્રોના જણાવ્યા પ્રમાણે જે તે સમયે નિગમના કેટલાંક અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા રાજ્ય સરકારના વાહનવ્યવહાર વિભાગના કમિશનર તેમ જ મુખ્યપ્રધાન સુધી રજૂઆતો કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી આ અધિકારી સામે કોઈ જ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી.

કરાર બીઓટીના આધારે કરીને કૌભાંડ કર્યું

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રેડિયેન્ટ ઈન્ફોસિસ્ટમ સાથે વર્ષ 2009માં બિલ્ટ ઓપરેટ એન્ડ ટ્રાન્સફર (બીઓટી)ના ધોરણે કરાર કરવામાં આવ્યો હતો. તો પછી તેને રિન્યૂ કેવી રીતે કરાયો એ એક પાયાનો સવાલ છે. કરાર બીઓટીના આધારે હોવાના કારણે એકવાર ઓનલાઈન બૂકિંગ સિસ્ટમ ડેવલપ કરીને શરૂ કરાવ્યા બાદ બીજા વર્ષે અન્ય કંપનીને તે ટ્રાન્સફર કરવાનો હોય છે. પણ આ કિસ્સામાં જેણે આ સિસ્ટમ ડેવલપ કરી તે જ કંપનીને પહેલેથી જ પાંચ વર્ષનો કોન્ટ્રાક્ટ આપી દીધો હતો. અને પાંચ વર્ષ બાદ જ્યારે રિન્યૂ કરવાનો વારો આવ્યો ત્યારે ફરીથી ટેન્ડર પાડ્યા વગર બારોબાર આ જ કંપનીની સાથે કરાર કરી દેવામાં આવ્યો. અને તેમાં પણ કુલ ઓનલાઈન બૂકિંગની આવકના એક ટકા કમિશન આપવાની શરતો રાખવામાં આવી. નિગમના એક પૂર્વ અધિકારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું કે, ઈડીપી મેનેજર કે. સી. બારોટ દ્વારા આ કંપની સાથે સારા સંબંધો છે અને તેના કારણે તેમણે બારોબાર આ કંપનીને જ કરાર આપવા માટે વિભાગના કેટલાંક ઉચ્ચ અધિકારીઓને મનાવી લીધા હતા. તેમણે આક્ષેપ કરતાં કહ્યું કે, આ કંપનીને કરાર આપવામાં જે કોઈ સંડોવાયેલા છે તે તમામ આ ભ્રષ્ટાચારના ભાગીદાર છે.

રેડિયેન્ટને એક ટકા કમિશન પેટે કરોડોનું ચૂકવણું થયું

 રેડિયેન્ટ ઈન્ફોસિસ્ટમ પ્રા. લિ. દ્વારા ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (એસટી)ની બસની ટિકીટો ઓનલાઈન બૂકિંગ માટેની વેબસાઈટ અને એપ તૈયાર કરવા માટે બીઓટીના આધારે કરાર કરવામાં આવ્યો હતો. અને કરારની શરતોને આધિન તેને પ્રતિવર્ષ ઓનલાઈન બૂકિંગની કુલ આવકના એક ટકા કમિશન ચૂકવવાનું ઠરાવવામાં આવ્યું હતું. જેના આધારે વર્ષ 2009થી અત્યાર સુધીમાં કરોડો રૂપિયાની લ્હાણી આ કંપનીને નિગમ દ્વારા કરી દેવામાં આવી છે. આ અંગે અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવા છતાં પણ કંપની કે કંપની સાથે કરાર કરાવવામાં મહત્વની ભૂમિકા ભજવનાર ઈડીપી મેનેજર કે. સી. બારોટ સામે કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી.

બારોટની બદલી કરવા ભલામણ

એસટીના ઓનલાઈન બૂકિંગના કરારમાં થયેલી ગેરરીતિ તેમ જ અન્ય ગેરરીતિઓની અનેક ફરીયાદો રાજ્યના બંદર અને વાહનવ્યવહાર વિભાગને મળતાં આ વિભાગના ઉપસચિવ એસ. આર. સોનીએ 29મી મે 2019ના રોજ એક પત્ર એસટી નિગમના ઉપાધ્યક્ષ અને વહિવટી સંચાલક સોનલ મિશ્રાને લખ્યો હતો. જેમાં આ મામલે અધિકારી કે. સી. બારોટને તાત્કાલિક અસરથી દૂરના સ્થળે બદલી કરવાની ભલામણ કરવામાં આવી હતી. 

પ્રધાનના આદેશ બાદ પણ બારોટ ઠેરના ઠેર

રાજ્યના વાહનવ્યવહાર પ્રધાન દ્વારા વર્ષ 2018માં બારોટની દૂરના વિસ્તારમાં બદલી કરવાનો આદેશ કરવામાં આવ્યો હોવા છતાં પણ આ અધિકારી આજે પણ એ જ હોદ્દા પર નિગમમાં ફરજો બજાવી રહ્યા છે. 

સરકાર શું પગલાં લેશે?

રાજ્યના એસટી નિગમ દ્વારા ડ્રાઈવર કન્ડક્ટરની ભરતીમાં કરાયેલી ગેરરીતિ તેમ જ ઓનલાઈન બૂકિંગમાં પણ સરકારના નિયમોને કોરાણે મૂકીને કરાર આપવામાં જેની ભૂમિકા છે તે અધિકારી સામે કોઈ પગલાં નિગમના ઉપાધ્યક્ષ દ્વારા ન લેવાતાં હવે સરકાર તેમની સામે પણ કેવા પગલાં ભરે છે તે જોવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp