રોંગ સાઈડમાં વાહન ચલાવશો તો ખેર નહીં, ટાયરમાં પંચર, જાણો ક્યાં લાગ્યા આવા બમ્પ

PC: divyabhaskar.co.in

જો હવે તમે રોંગ સાઈડમાં વાહન લઈને જશો તો તમારી ખેર નહીં, તમારા વાહનના ટાયરમાં પંચર થશે અથવા તો નુકસાન થઈ જશે. અમદાવાદ મહાનગરપાલિકાના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા પ્રાયોગિક ધોરણે હવે શહેરમાં ટાયર કિલર બમ્પ લગાવવામાં આવી રહ્યા છે. જ્યાં વન-વે હોય અથવા તો વાહન ચાલકો રોંગ સાઈડમાં આવતા હોય તેવી જગ્યા ઉપર આ બમ્પ લગાવવામાં આવી રહ્યા છે. જેનાથી વાહનચાલકોને નુકસાન થશે અને તેઓ રોંગ સાઈડમાં નહીં જાય.

પ્રાયોગિક ધોરણે શહેરના ઘાટલોડીયા વિસ્તારમાં ચાણક્યપુરી બ્રિજ નજીક આ બમ્પ લગાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા આવા બમ્પ લગાવી અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે પ્રકારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકાના ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા શહેરમાં આવેલા રોંગ સાઈડથી આવતા વાહનચાલકોને કારણે સર્જાતા અકસ્માતો અને ટ્રાફિકની સમસ્યા નિવારવા માટે નવો અભિગમ અપનાવીને વન-વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ બમ્પ (ટાયર કિલર બમ્પ) લગાવવાની શરૂઆત કરી છે.

પ્રાયોગિક ધોરણે ઘાટલોડિયાના ચાણક્યપુરી બ્રિજના સર્વિસ રોડ પર વન-વે ટ્રાફિક સ્પાઇક સ્પીડ બમ્પ (ટાયર કિલર બમ્પ) લગાવવામાં આવ્યા છે. ચાણક્યપુરી બ્રિજ ઉતરી અને મોટાભાગના લોકો વાહન વાળીને નીચેની તરફના રોડ ઉપર જતા રહેતા હોય છે. જેથી બ્રિજના છેડે જ સર્વિસ રોડ ઉપર આ બમ્પ લગાવવામાં આવ્યા છે. હવે જો કોઈ વાહનચાલક રોંગ સાઈડમાં સર્વિસ રોડ પર થઈને બ્રિજ પર વાહન લઈ જશે, તો તે વાહનચાલકના વાહનના ટાયરમાં પંચર પડશે અથવા વાહનના ટાયરમાં કટ થશે, એટલે કે વાહનના ટાયરને નુકસાન થશે.

ટ્રાફિક ઇજનેર વિભાગ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું છે કે, આગામી દિવસોમાં શહેરમાં ટ્રાફિકના યોગ્ય પરિવહન માટે શહેરમાં આવેલા ઓવરબ્રિજના સર્વિસ રોડ પર આ પ્રકારે વન વે ટ્રાફિક સ્પાઈક સ્પીડ જમ્પ ટાયર કિલર બમ્પ ઈન્સ્ટોલ કરવાની સધન અને અસરકારક કામગીરી હાથ ધરાશે. મહાનગરપાલિકા દ્વારા શહેરના રસ્તાઓ પર સરળ ટ્રાફિક પરિવહન જળવાય રહે તે માટે કેવુસર રોડ માર્કિંગ, રોડ સાઇનેસ, વગેરે કામગીરી હાથ ધરવામાં આવે છે.

ટાયર કિલર્સ એ એવી મેટલ સ્ટ્રિપ્સ છે જે રોડ પર લગાવવામાં આવે છે. જેના છરા એક બાજુથી ઘણાં તીક્ષ્ણ હોય છે. જે લોકો સાચી દિશામાં વાહન ચલાવે છે તેમને આ છરા કંઇ નુકસાન નહીં થાય. તેમના માટે આ ટાયર કિલર્સ માત્ર એક નાનકડા બમ્પ જેવું લાગશે, પરંતુ રોંગ સાઈડમાં વાહન ચલાવનારા લોકો માટે આ સ્પાઇક નુકસાનકારક સાબિત થશે. રોંગ સાઇડના વાહનોના ટાયરમાં પંક્ચર પાડવાનું કામ કરશે આ ટાયર કિલર્સ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp