પરપ્રાંતીયોની હિજરતથી ઔદ્યોગિક એકમો પર થઈ રહી છે માઠી અસર

PC: intoday.in

સમગ્ર દેશમાં સાબરકાંઠાના ઢૂંઢેર ગામની દુષ્કૃત્યની ઘટના ચર્ચાના એરણ પર રહી છે. તો બીજી તરફ પરપ્રાંતીયો પર થતા હુમલાઓના કારણે દહેશત ભરી સ્થિતિ ઊભી થઈ છે. પરિણામે ગુજરાતને કર્મભૂમિ બનાવનારા પરપ્રાંતીઓએ પોતાના માદરે વતનની વાટ પકડી છે જેના કારણે સમગ્ર રાજ્યમાં ધમધમતા ઉદ્યોગોને તાળા મારવાના સંકેતો વહેતા થયા છે. ઉપરાંત વાયબ્રન્ટ સમિટને માત્ર અઢી મહિનાનો સમય બાકી રહ્યો છે ત્યારે પરપ્રાંતીયોના સહારે ધમધમતા ઉદ્યોગ કારીગરો અને કર્મચારીઓ વિહોણા થઈ જતા ઉદ્યોગકારો માટે નવી વિટંબણા ઊભી થઈ છે. તો બીજી તરફ નવું મૂડીરોકાણ કરવા માગતા અન્ય રાજ્યોના ઉદ્યોગકારો પણ પોતાનો ઉદ્યોગ ગુજરાતમાં સ્થાપવા ફરીથી વિચાર કરે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે. ત્યારે ગુજરાત સરકાર માટે પરપ્રાંતીયોની હિજરત અને આવી રહેલી વાયબ્રન્ટ સમિટ સમયે થતું મૂડીરોકાણ સરકાર માટે કપરા ચઢાણ સાબિત થશે.

છેલ્લા ચાર-પાંચ દિવસથી પરપ્રાંતીય ઉપર થતા હુમલા અને ત્યારબાદ તબક્કાવાર થતી એમની હિજરત સરકાર માટે મોટો પડકાર છે. બીજી તરફ ત્રણ મહત્ત્વના મુદ્દા પણ સરકારને ચિંતિત કરી રહ્યા છે. ત્યારે એ જોવું રહ્યું કે સરકાર માટે કયા કયા મુદ્દાઓ પડકારરૂપ છે. સૌથી પહેલા વાત કરીએ તો પરપ્રાંતીયોની હિજરતથી ગુજરાતના ઉદ્યોગ ઉપર શું અસર થશે?

ઉદ્યોગ ક્ષેત્રે ધમધમી રહેલા વિવિધ પ્રકારના ઉદ્યોગમાં પરપ્રાંતીઓનો મહત્ત્વનો રોલ હોય છે, જેમાં ખાસ કરીને લોખંડ ક્ષેત્રે ખાણીપીણી ક્ષેત્રે તેમજ વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાં ઉત્તર ભારતના લોકો પોતાનું યોગદાન આપતા હોય છે. જોકે આ ઘટના બાદ રાજ્ય મોટાભાગની GIDCઓમાં કામ કરતાં શ્રમજીવીઓ માદરે વતનની વાટ પકડતા વાયબ્રન્ટ સમિટ પહેલા જ ઇન્ડસ્ટ્રીઝ ઠપ થઈ ગઈ છે. પરિણામે ઉદ્યોગકારોને પણ કારીગરો અને શ્રમજીવીઓના અભાવે પોતાના ઉદ્યોગને તાળા મારવાની નોબત આવી છે. જ્યારે બીજો મુદ્દો નવા મૂડીરોકાણનો, જી હા આ મુદ્દો પણ સરકાર માટે કોયડારૂપ સાબિત થશે. એક તરફ ગુજરાતની ચાલુ ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવાની ફરજ ઉદ્યોગકારોને પડી રહી છે તો બીજી તરફ વાયબ્રન્ટ સમિટ દરમિયાન ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે વિચારી રહેલા અન્ય દેશ કે રાજ્યના ઉદ્યોગકારો આ સ્થિતિને જોતા હવે ગુજરાતમાં રોકાણ કરશે કે કેમ, તે કહેવું મુશ્કેલ ભર્યું છે. કારણકે કોઈપણ ઉદ્યોગમાં ગુજરાતી સિવાય પરપ્રાંતીય શ્રમિકો જ પોતાનું યોગદાન આપી શકવામાં સક્ષમ હોય છે અને આ બાબતોનો ઇતિહાસ સાક્ષી છે. એટલે જ ગુજરાતની કથળતી જતી સ્થિતિને જોતા વાયબ્રન્ટ સમિટ દરમિયાન નવું મૂડીરોકાણ આવશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે. સાથે સાથે ઉદ્યોગકાર પણ વાયબ્રન્ટ દરમિયાન MOU કરતા પહેલા ફરીથી વિચારશે જ તેમ મનાઈ રહ્યું છે. ત્રીજો મુદ્દો કે આ ઘટના બાદ જે હુમલા થયા છે. તેવા સૌથી વધુ મોટા ઉદ્યોગોમાં જ થઈ રહ્યાનું સામે આવ્યું છે. મનાઈ રહ્યું છે કે અત્યાર સુધીમાં જેટલા પણ હુમલાઓ થયા તેમાં માત્ર ને માત્ર મોટા ઉદ્યોગને જ ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ વિરમગામ સાણંદ અને અમદાવાદ જેવા વિસ્તારોમાં ધમધમતી ઇન્ડસ્ટ્રીઝ ઉપર રાજકીય પકડ ધરાવતા એક નેતાનું નામ ભારે ચર્ચામાં છે.

બીજી તરફ ઉત્તર ગુજરાત અને બનાસકાંઠા વિસ્તારના પાલનપુર, સિદ્ધપુર અને પાટણ તેમજ મહેસાણા સહિત વિસ્તારોમાં ધમધમતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં પણ ચોક્કસ નેતાનો ખાસો દબદબો રહ્યો છે અને તેમના પ્રભુત્વના કારણે આ નેતાઓ ઉદ્યોગકારો પાસે રીતસર હપ્તા ઉઘરાવતા હોવાની રાવ ઉદ્યોગકારોમાં ઉઠી છે અને આરોપ મૂક્યો છે કે રાજકીય પાર્ટીઓમાં દબદબો ધરાવતા અને પકડ ધરાવતા કેટલાક ધારાસભ્યો ઉદ્યોગકારો પાસેથી યેનકેન પ્રકારે ધાક ધમકીઓ આપી હપ્તા ( પ્રોટેક્શન મની) ઉઘરાવતા હોવાના આરોપો ઉદ્યોગકારો દ્વારા થઈ રહ્યા છે. પરિણામે જે ઉદ્યોગકારોએ પ્રોટેક્શન મની આપવાની મનાઈ ફરમાવી હશે તેવા ઉદ્યોગકારોને તકનો લાભ લઈ ટાર્ગેટ કરવામાં આવતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp