રાજકોટમાં ટેસ્ટિંગ દરમિયાન 613 ફેરિયાઓમાં લક્ષણો દેખાયા, 6 પોઝિટિવ આવ્યા

PC: dnaindia.com

રાજ્યમાં કોરોના વાયરસના સૌથી વધારે પોઝિટિવ કેસો અમદાવાદમાં નોંધાયા હતા. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ કાબુમાં આવ્યા બાદ સુરતમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યુ છે, તો સુરત બાદ હવે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ અને અમરેલી જેવા શહેરોમાં કોરોનાનાં પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. તો રાજકોટમાં કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે આરોગ્ય તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવે છે. તો બીજી તરફ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા પણ રાજકોટની મુલાકાત લેવામાં આવી હતી અને રાજકોટના જિલ્લા કલેક્ટર, રાજકોટ મહાનગરપાલિકા કમિશનર અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરી રાજકોટમાં કોરોના ટેસ્ટિંગનું પ્રમાણ ડબલ કરવા માટે આદેશો આપ્યા હતા.

રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા અમદાવાદ પેટર્નથી આરોગ્ય તંત્ર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે અને રાજકોટમાં સુપર સ્પ્રેડર્સ એવા શાકભાજીવાળા, દૂધવાળા અને ફેરિયાઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજકોટમાં સુપર સ્પ્રેડર્સમાં કોરોનાનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1,532 જેટલા ફેરિયાઓનું કોરોનાનું ટેસ્ટિંગ કરવામાં આવ્યુ હતું. આ ટેસ્ટિંગ દરમિયાન 613 ફેરિયાઓમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા હતા અને 6 જેટલા ફેરિયાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ 6 ફેરિયાઓ રાજકોટના રેલનગર, રૈયા રોડ અને મવડી વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, જે 600થી વધુ ફેરિયાઓમાં કોરોનાના લક્ષણો દેખાયા છે, તે લોકો શહેરમાં અલગ-અલગ વિસ્તારમાં શાકભાજી અને અન્ય વસ્તુઓનું વેચાણ કરતા હોવાથી શહેરના મોટી સંખ્યામાં લોકોના સંપર્કમાં આવ્યા હોઈ શકે છે. તેથી મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં રાજકોટમાં અલગ-અલગ વિસ્તારના લોકોનું રેપિડ ટેસ્ટિંગ કરવામાં આવી શકે છે. ગઇ કાલે રેપિડ ટેસ્ટ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના સભ્યોનો રિપોર્ટ કરવામાં આવતા ધારાસભ્ય લલિત કગથરાના પરિવારના 22 સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યુ હતું પરંતુ આ સભ્યોમાં કોઈ લક્ષણો ન દેખાતા હોવાથી તમામ સભ્યોને હોમ ક્વોરેન્ટાઇન કરી સારવાર શરૂ કરવામાં આવી છે.

મહત્ત્વની વાત છે કે, રાજકોટમાં અન્ય શહેરોની જેમ કોરાનાનું સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે આરોગ્ય વિભાગ પણ યુદ્ધના ધોરણે કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે કામગીરી કરી રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp