25 ગાયો માટે અડધી રાતે દ્વારકાધીશનું મંદિર ખૂલ્યું, લંપીથી સાજા થવાની માનતા હતી

PC: medialandnetwork.com

ભગવાન કૃષ્ણની નગરી 'દ્વારકા'ના ઈતિહાસમાં કદાચ આ પહેલીવાર બન્યું છે, જ્યારે દ્વારકાધીશ મંદિરના દરવાજા અડધી રાત્રે ખોલવામાં આવ્યા હોય. જી હાં, બુધવારે રાત્રે અહીં કંઈક આવું જ થયું. મંદિરના દરવાજા કોઈ VIP માટે નહીં, પરંતુ 25 ગાયો માટે ખોલવામાં આવ્યા હતા. આ ગાયો તેમના માલિક સાથે 450 KMનો પગપાળા પ્રવાસ કરીને કચ્છથી દ્વારકા પહોંચી હતી.

હકીકતમાં, કચ્છમાં રહેતા મહાદેવ દેસાઈની ગૌશાળાની 25 ગાયોને લગભગ બે મહિના પહેલા લમ્પી વાયરસનો ચેપ લાગ્યો હતો. આ દરમિયાન સમગ્ર સૌરાષ્ટ્રમાં લમ્પી વાયરસના કારણે ગાયોના મોતનો સિલસિલો ચાલી રહ્યો હતો. દરમિયાન મહાદેવ દેસાઈએ ભગવાન દ્વારકાધીશ પાસે માનતા માની હતી કે, જો તેમની ગાયો સ્વસ્થ થઈ જશે તો, તેઓ આ ગાયો સાથે તમારા દર્શન કરવા જશે.

મંદિર પ્રશાસન માટે સૌથી મોટી સમસ્યા મંદિરમાં ગાયોના પ્રવેશને લઈને હતી, કારણ કે અહીં દિવસભર હજારો ભક્તોની ભીડ રહે છે. આવી સ્થિતિમાં ગાયોના આવવાથી મંદિરની વ્યવસ્થા બગડી જાય તેમ હતી. એટલા માટે નક્કી કરવામાં આવ્યું કે મંદિર અડધી રાત્રે ખોલવામાં આવે. એવું પણ વિચારવામાં આવ્યું હતું કે, ભગવાન કૃષ્ણ તો ગાયોના જ ભક્ત હતા, તેથી તેઓ તેમને રાત્રે પણ દર્શન આપી શકે છે. આ રીતે રાત્રે 12 વાગ્યા બાદ મંદિરના દરવાજા ખોલવામાં આવ્યા હતા.

દ્વારકા પહોંચ્યા પછી, ગાયોએ સૌપ્રથમ ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા અને મંદિરની પરિક્રમા પણ કરી. આ સમયે પણ ગાયોના સ્વાગત માટે મંદિર પરિસરમાં અનેક લોકો હાજર રહ્યા હતા. મંદિરના પૂજારીઓએ ભગવાનના પ્રસાદ સિવાય તેમના માટે ચારા અને પાણીની પણ વ્યવસ્થા કરી હતી.

મહાદેવ દેસાઈ કહે છે, 'ભગવાન દ્વારકાધીશ પર બધું છોડીને હું ગાયોની સારવારમાં લાગી ગયો. થોડા દિવસો પછી જ ગાયો સારી થવા લાગી. લગભગ 20 દિવસ પછી તમામ 25 ગાયો સંપૂર્ણ સ્વસ્થ થઈ ગઈ. આટલું જ નહીં, ગૌશાળાની અન્ય ગાયોમાં પણ લમ્પી વાયરસનો ચેપ ફેલાયો નથી. તે સંપૂર્ણ સ્વસ્થ થયા પછી, હું તેમને લઈને કચ્છથી પગપાળા દ્વારકા જવા રવાના થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp