જંગી વાવેતર છતાં સૌરાષ્ટ્રના ખેડૂતોને અંદાજે રૂ.10 હજાર કરોડનું નુકસાન

PC: khabarchhe.com

ગુજરાતના કૃષિ વિભાગે ચોમાસામાં વાવેતર અને ઉત્પાદનના અંદાજો જાહેર કર્યા હતા. જેમાં પાછોતરા વરસાદના કારણે મગફળીમાં પારાવાર નુકસાન થયું હોવાનું તેનો પાક કાઢ્યા બાદ ખેડૂતો જાણી શક્યા છે. ખેડૂતોને મગફળીમાં જે ઉત્પાદન મળવાના આંદાજો હતા તેમાં 40 ટકાનો ઘટાડો થયો છે. મગફળીના દાણાનું ઉત્પાદન ઘટવાના અંદાજના કારણે તેલનો ભાવ ઊંચો છે. 15 કિલો મગફળીના તેલનો ભાવ રૂ.2500 આસપાસ રહે છે.

વાવેતર

2020-21ના ચોમાસામાં મગફળીનું જંગી વાવેતર થયું હતું. સરેરાશ 15 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર સામે એકાએક વધીને 20.65 લાખ હેક્ટર વાવેતર થઈ ગયું હતું. સરેરાશ કરતાં 134.11 ટકાનો વાવેતરમાં વધારો થયો હતો.

કૃષિ વિભાગનો અંદાજ

2020માં વાવેતર વધતાં ગુજરાતના કૃષિ વિભાગે ચોમાસું પૂરું થાય તે પહેલાં એવો અંદાજ મૂક્યો હતો કે, 20.72 લાખ હેક્ટરમાં ખરીફ વાવેતર થશે અને 54.65 લાખ ટન મગફળી પાકશે. સરેરાશ એક હેક્ટરે 2637 કિલો મગફળી પેદા થશે એવો અંદાજ ગુજરાતના કૃષિ વિભાગે બાંધ્યો હતો.

કોણ સાચું

2019માં ચોમાસુ અને ઉનાળુ બે ઋતુ મળીને 15.66 લાખ હેક્ટરમાં વાવેતર થવાનો અંદાજ કૃષિ નિયામકનો હતો. 22 લાખ ટન મગફળીનું ઉત્પાદન થશે એવી ધારણા હતી. હેક્ટર દીઠ 1378 કિલો મગફળી થવાની ધારણાં કૃષિ વિભાગની હતી. આમ એક વર્ષમાં જ આવા આડેધડ અંદાજ કઈ રીતે તૈયાર થયા છે તે અંગે રૂપાણી સરકારે તપાસ કરવી જોઈએ એવું ખેડૂત આગેવાનો માને છે. બે ગણા ઉત્પાદનના અંદાજ અધિકારીઓ માત્ર કચેરીમાં બેસીને ખેડૂતોની આવક બે ગણી કરી આપવા આંકડા સાથે રમત રમી રહ્યાં છે.

અંદાજ ખોટા ઠર્યા

તેમના અંદાજો કુદરતે ખોટા ઠેરવી દીધા છે. પાછલા વરસાદ થવાથી મગફળીના ડોડવાને ભારે મોટું નુકસાન થયું છે. પાક તૈયાર હતો તેના ઉપર વરસાદ પડ્યો હતો. તેથી જમીનની અંદર ડોડવા સડી ગયા હતા. કાંતો વધું પાણી મળવાના કારણે વજન ઘટી ગયું હતું. આવું 40 ટકા નુકસાન છે. જે ખેડૂતોએ આગોતરું વાવેતર - ચોમાસા પહેલાનું કરેલું તે સદંતર નિષ્ફળ રહ્યું છે.

ચોમાસા પહેલાની મગફળીને સૌથી વધું નુકસાન

15 જૂને ગુજરાતમાં ચોમાસું બેસે છે. 15 જૂન 2020માં 6.57 લાખ હેક્ટરમાં મગફળીનું વાવેતર થઈ ગયું હતું. આ તમામ વાવેતરની મગફળીના ઉત્પાદનમાં 50 ટકા સુધીનો ઘટાડો થયો છે. તૈયાર પાક પર વરસાદ પડવાના કારણે આમ થયું છે.

તેલનું ઓછું પ્રમાણ

તેલનું માંડ 50 ટકા ઉત્પાદન થશે. મગફળીનું 60 ટકા ઉત્પાદન મળી રહ્યું છે. ખેડૂતોને 40 ટકા નુકસાની છે. એક તો દાણા નબળા છે, દાણામાં ભેજ છે. ડોડવા પલળી ગયા છે. ડોડવાનું વજન ઓછું છે. દાણા ભરેલા ન હોવાથી તેલનું પ્રમાણ આ વખતે માંડ 30થી 40 ટકા મળી રહ્યું છે જે સામાન્ય રીતે 50 ટકા સુધી તેલ મળે છે.

ખરેખર કેટલું ઉત્પાદન થશે

કૃષિ વિભાગનો અંદાજ હતો કે, 55 લાખ ટન મગફળી પાકશે. ખેડૂતોના અંદાજ પ્રમાણે ખરેખર તો તે 30 લાખ ટનથી વધારે નથી. આમ 25 લાખ ટન ઉત્પાદન ઓછું થયું છે.

કયા જિલ્લાને સૌથી વધું નુકસાન

સૌથી વધું મગફળી પકવતાં રાજકોટ, જુનાગઢ, અમરેલી, સોમનાથ જિલ્લાને સૌથી વધું નુકસાન થયું છે. 6.50 લાખ હેક્ટરમાં સૌથી વધું આ જિલ્લાઓમાં નુકસાન છે. કુલ વાવેતરના 70 ટકા વાવેતર આ 4 જિલ્લામાં થયું હતું.

હેક્ટર દીઠ 1000 કિલોની ખોટ

2637 કિલો એક હેક્ટર દીઠ મગફળી પાકશે એવો અંદાજ કૃષિ વિભાગનો હતો. જેમાં 1 હજાર કિલોથી 1200 કિલોનો ઘટાડો એક હેક્ટર દીઠ થયો હોઈ શકે છે. તેની સીધો મતલબ કે 20.65 લાખ હેક્ટર મગફળીના પાકમાં 25 લાખ ટન ઓછું ઉત્પાદન થયું છે.

SEAની વાત ખરી ઠરી

2 ઓક્ટોબર 2020ના રોજ ખરીફ મગફળીનું ગુજરાતમાં 35 લાખ ટન પાક થવાની ધારણા સોલ્વન્ટ એકસટ્રેકટર્સ અસોસિએશન ઓફ ઈન્ડિયા (SEA) દ્વારા હતી. જે 2019માં 32 લાખ ટન ઉત્પાદન કરતાં 10 ટકા વધું બતાવેલું હતું. તેમનું અનુમાન હતું કે, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડતાં ઊપજને થોડું નુકસાન પહોંચ્યું છે. SEAએ જાહેર કર્યું હતું કે, શરૂઆતના વાવેતર પછી 40થી 42 લાખ ટન મગફળી પાકવાનો અંદાજ હતો. વાવેતર 33 ટકા વધીને 21 લાખ હેક્ટર થયું હોવા છતાં અતિશય વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ઊપજમાં 17 ટકાનો ઘટાડો થયો હોવાનું SEAએ જાહેર કર્યું હતું. હેક્ટર દીઠ 1715 કિલો ઘટાડો થશે. જે ગયા વર્ષે 2070 કિલો હતી.

10 હજાર કરોડનું નુકસાન

40 રૂપિયે કિલો મગફળી વેંચાય છે. હિસાબે રૂ.10 હજાર કરોડનું નુકસાન ખેડૂતોને ઉત્પાદનમાં થયું છે. ખરેખર તો તે વીમો મળવા પાત્ર હતો. પણ સરકારે વીમો લેવાનું બંધ કર્યું છે. હવે સહાય આપે છે. તેથી ખેડૂતોને ઉત્પાદન નુકસાન પેટે રૂ.10 હજાર કરોડનું નુકસાન આપવાનું થાય છે. ખેડૂતો જેને નુકસાન માને છે તેને સરકાર નુકસાન માનતી નથી.

2017-18માં શ્રેષ્ઠ ઉત્પાદન

સૌથી સારું ચોમાસું 2017-18માં દેશમાં હતું, ત્યારે 91.79 લાખ ટન મગફળીમાંથી 20.82 લાખ ટન તેલ નિકળેલું હતું. જેમાં મગફળીમાં 45 ટકા અને તેલમાં 50 ટકા હિસ્સો ગુજરાતનો હતો. આ વર્ષે હેક્ટરે 2361 કિલો મગફળી પાકી હતી, જે સમગ્ર દેશમાં સૌથી વધું હતી. આ વખતે તે વિક્રમ તૂટી શકે તેમ હતો.

5 લાખ ટન તેલ

2020-21માં માંડ 5 લાખ ટન તેલ ગુજરાતની ઓઈલ મિલો કાઢી શકે એમ છે. કારણ કે મગફળીના દાણાંમાં ઓછું તેલ છે. નબળા દાણાં છે. મગફળી પલળેલી છે. તેથી તેલનો ઉતારો ઓછો આવેલો છે.

ટેકાના ભાવ

કેન્દ્ર સરકારે 2014-15માં 100 કિલો મગફળી રૂ.4000માં ખરીદી હતી. ખેડૂતોને એક કિલોના રૂ.40 મળ્યા હતા. તેની સામે 2018-19માં 100 કિલોના રૂ.4890 કેન્દ્ર સરકારે આપ્યા હતા. ગુજરાતની રૂપાણી સરકારે એક કિલો મગફળી રૂ.50માં લીધી હતી. આમ ખેડૂતોને ભરપુર મદદ મળી હતી.

ઉત્પાદન ખર્ચ

ગુજરાતના ખેડૂતોએ એક હેક્ટરે મગફળીના ઉત્પાદન પાછળ રૂ.58373.60નું ખર્ચ થાય છે. તેની સામે હેક્ટરે 1853 કિલો મગફળી સરેરાશ પાકે છે. આંધ્રપ્રદેશના ખેડૂતે 43 હજારનું ખર્ચ અને કર્ણાટકના ખેડૂતો 41 હજારનું ખર્ચ એક હેક્ટરે કરે છે. આમ ગુજરાતના ખેડૂતે હેક્ટર દીઠ રૂ.15 હજારનું વધારાનું ખર્ચ કરવું પડે છે. જોકે તેની સામે ઉત્પાદન પણ 500-800 કિલો વધું લે છે.

ભારતમાં મગફળી

2017-18માં ભારતમાં 5 મિલિયન હેક્ટરમાં 9.18 મિલિયન ટન મગફળી પેદા થઈ હતી. જે સરેરાશ હેક્ટરે 1444 કિલો હતી. જેમાં ગુજરાતમાં 3.94 મિલિયન ટન, રાજસ્થાનમાં 1.26 મિલિયન ટન અને આંધ્રપ્રદેશમાં 1.04 મિલિયન ટન મગફળી પેદા થઈ હતી. આખા દેશમાં 31.31 મિલિયન ટન તેલીબિંયા થયા હતા. જેમાં મધ્ય પ્રદેશમાં 6.95, રાજસ્થાન 5.97 અને ગુજરાતમાં 5.89 મિલિયન ટન ઉત્પાદન થયું હતું. જે હેક્ટર દીઠ સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધું ઉત્પાદન થયું હતું. પણ જો આ વર્ષે છેલ્લાં વરસાદ ન થયા હોત તો મગફળી 5 મિલિયન ટન ઉત્પાદન ગુજરાતના ખેડૂતો મેળવતા. આમ સમગ્ર દેશમાં ગુજરાતમાં સૌથી વધું તેલ પેદા થવાનું હતું જે થઈ શક્યું નથી. સામાન્ય રીતે દેશની 42 ટકા મગફળી ગુજરાત પકવે છે તે સરેરાશ વધીને 50 ટકા સુધી 2020-21માં થઈ જવાની હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp