26th January selfie contest

ગુજરાતમાં ખેડૂતો પર પડ્યા પર પાટુ, ખાતરના ભાવમાં થયો આટલા રૂપિયાનો વધારો

PC: livemint.com

દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. ત્યારે કોરોનાની મહામારી વચ્ચે વધતી જતી મોંઘવારીએ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની કમર તોડી નાખી કારણ કે, હાલ પેટ્રોલના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે અને જેના કારણે અન્ય કેટલીક વસ્તુઓ પણ મોંઘી થઇ રહી છે. પેટ્રોલની સાથે અનાજ, કઠોળ, શાકભાજી સહિતની વસ્તુઓના ભાવમાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે રાજ્યના ખેડૂતો માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે કારણ કે, ખાતરના ભાવમાં વધારો થયો છે. થોડા દિવસો પહેલા જ ખાતરના ભાવને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું અને તે સમયે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતી હોવાના કારણે ભાવમાં વધારો થયો ન હતો તેવું કોંગ્રેસનું કહેવું હતું પરંતુ હવે ચૂંટણી ગઈ એના થોડા જ સમયમાં ખાતરના ભાવમાં IFCO કંપની દ્વારા વધારો કરી દેવામાં આવ્યો છે. ખાતરમાં ભાવ વધારાના કારણે ખેડૂતોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડશે.

રિપોર્ટ અનુસાર IFCO કંપની દ્વારા DAP ખાતરમાં 700 રૂપિયા, ASP ખાતરમાં 375 રૂપિયા અને NPK ખાતર માં 615 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. મહત્ત્વની વાત છે કે, DAP ખાતર પહેલા 1200 રૂપિયામાં મળતું હતું પરંતુ હવે 1900 રૂપિયા મળશે. આ ઉપરાંત NPK 12:32:16 ખાતર 1185 રૂપિયામાં મળતું હતું પરંતુ હવે 1800 રૂપિયામાં મળશે. NPK 10:26:26 ખાતર 1175 રૂપિયામાં મળતું હતું. હવે તે 1775 રૂપિયામાં મળશે. ASP ખાતર 975 રૂપિયામાં મળતું હતું અને હવે આ ખાતર 1350 રૂપિયામાં મળશે.

IFCO કંપની દ્વારા ખાતરમાં 375થી લઈને 700 રૂપિયાનો ભાવ વધારો કરવામાં આવતા ખેડૂતોની કમર તૂટી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના ખેડૂતો કુદરતી આફતો વચ્ચે પાકની નિષ્ફળતાના લઈને પરેશાન છે અને તેવામાં હવે IFCOએ ખાતરના ભાવ વધારીને ખેડૂતોને વધારે મુશ્કેલીમાં મૂકી દીધા છે.

અગાઉ જ્યારે રાજ્યમાં ખાતરના ભાવ વધારાની વાતો ચાલી રહી હતી તે સમયે કૃષિમંત્રી આર.સી. ફળદુએ સ્પષ્ટતા કરી હતી કે, કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કર્યો નથી અને ગુજરાતમાં ખાતર જે ભાવે મળે છે તે ભાવે મળશે અને આવતા દિવસોમાં પણ ભાવ વધારાની કોઈ વાત નથી. રાજ્ય સરકારની ખાતર ઉત્પાદક કંપનીના MD જોડે મે વાત કરી છે અને મારી પાસે પત્ર દ્વારા રાજ્યની ખાતર ઉત્પાદક કંપનીઓના MD દ્વારા જે માહિતી આપવામાં આવી છે તેના આધારે રાજ્યમાં ખાતર કંપનીઓએ કોઈ પણ પ્રકારનો ભાવ વધારો કર્યો નથી. સાથે તેમણે એવું કહ્યું હતું કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હાર ભાળી ગયેલી કોંગ્રેસ બોખલાઈ ગઇ છે. કૃષિમંત્રી આર.સી. ફળદુ દ્વારા આ નિવેદન 27 ફેબ્રુઆરી 2020ના રોજ આપવામાં આવ્યુ હતું. આ નિવેદનના એક મહિનાના સમય પછી જ ખાતરના ભાવમાં IFCO કંપની દ્વારા ભાવ વધારો કરવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp