નામની દારૂબંધી, જુઓ ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં નશામાં ડ્રાઇવ કરતા કેટલા પકડાયા

PC: fishwickandassociates.com

રાજ્યમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થતો હોવાની વાત સરકાર દ્વારા કરવામાં આવે છે. પરંતુ અવાર નવાર દારૂબંધીના લીરે-લીરા ઉડતા હોય એવા કિસ્સાઓ રાજ્યમાં પ્રકાશમાં આવ્યા છે. રાજ્યમાં પોલીસ દ્વારા લાખો રૂપિયાના દારૂ સાથે અવાર નવાર બૂટલેગરોને પકડવામાં આવે છે. તો કેટલીકવાર દારૂના નશામાં કાર ચાલક અથવા તો અન્ય વાહન ચાલકે અકસ્માત સર્જ્યા હોવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. ત્યારે દારૂબંધી વાળા ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં દારૂ પીને ડ્રાઇવ કરવાના કારણે 218 અકસ્માતના કિસ્સાઓ સામે આવ્યા છે.

રિપોર્ટ અનુસાર કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાં 3 વર્ષની અંદર દારૂ પીને વાહન આવવાના કારણે 218 અકસ્માતની ઘટના બનવા પામી છે. જેમાં વર્ષ 2017માં 65 અકસ્માતની ઘટના બની હતી. વર્ષ 2018માં 106 અકસ્માતની ઘટના બની હતી અને વર્ષ 2019માં 47 અકસ્માતની ઘટના બનવા પામી હતી. આંકડાઓ પરથી સ્પષ્ટ થાય છે કે, દર સાત દિવસે દારૂ પીને વાહન ચલાવવાના કારણે એક અકસ્માતની ઘટના સામે આવે છે.

કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા સોમવારે આપવામાં આવેલી માહિતીના આધારે દેશમાં વર્ષ 2019માં દારૂ પીને વાહન ચલાવવાના કારણે 12,256 અકસ્માતના કિસ્સા સામે આવ્યા છે. સૌથી વધારે દારૂ પીને અકસ્માત થવાના મામલે ઉત્તરપ્રદેશ મોખરે છે. ત્યારબાદ પંજાબ, ઓરિસ્સા, તમિલનાડુ અને મધ્યપ્રદેશનો નંબર આવે છે.

દેશમાં 2017માં દારૂ પીને વાહન ચલાવવાના કારણે 14,071 અકસ્માત થયા હતા અને વર્ષ 2018માં 12,018 અકસ્માતની ઘટના સામે આવી છે. વર્ષ 2019માં કુલ 12,256 અકસ્માતોની થયા હોવાની વિગત કેન્દ્ર સરકારે આપેલી માહિતીમાં સામે આવી છે. 12,256 અકસ્માતમાં સૌથી વધારે અકસ્માત ઉત્તર પ્રદેશમાં નોંધાયા છે. ઉત્તર પ્રદેશમાં વર્ષ 2019માં 4,496 અકસ્માત દારૂ પીને વાહન ચલાવવાના કારણે થયા છે. પંજાબમાં 1,290, ઓડિશામાં 1,068, તામિલનાડુમાં 1,047 અને મધ્યપ્રદેશમાં 1,030 અકસ્માત દારૂ પીને વાહન ચલાવવાના કારણે થયા છે.

મહત્ત્વની વાત છે કે, દારૂ પીને વાહન ચલાવવું જોખમી હોવાની અનેક જાહેરાતો સરકાર દ્વારા કરવામાં આવી છે અને આ જાહેરાતો પાછળ મોટો ખર્ચો પણ કરવામાં આવે છે. દારૂ પીને વાહન ચલાવતા લોકોને પોલીસ પકડી શકે તે માટે તેમને જરૂરી તમામ સાધનો પણ ફાળવવામાં આવ્યા છે. તો કેટલીક વાર રાજકીય પક્ષના સિમ્બોલ વાળી ગાડીમાંથી દારૂની બોટલો મળવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તો કેટલીકવાર પોલીસકર્મીઓ દ્વારા જ દારૂની હેરાફેરી કરવાના પણ કિસ્સાઓ સામે આવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp