26th January selfie contest

રાજકોટમાં પૂર્વ પતિ આવ્યો જમતી સગર્ભાને પતાવી દીધી

PC: divyabhaskar.co.in

સૌરાષ્ટ્રમાં ફાયરિંગની ઘટનાઓ ધીમે ધીમે વધી રહી છે. કચ્છમાંથી લગ્ન પ્રસંગે ધડાકા કર્યાનો વીડિયો સામે આવતા ભારે ચર્ચા શરૂ થઈ હતી. પણ મંગળવારે રાજકોટમાં પરિણીતા પર થયેલા ફાયરિંગ કેસની ચર્ચા સમગ્ર શહેરમાં થઈ રહી છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલા વિમલનગર વિસ્તારના રવિ પાર્કમાં પતિ-પત્ની જમતા હતા. એ સમયે પૂર્વ પતિએ ત્યાં આવીને પરિણીતાની છાતીમાં ગોળી મારી દીધી.

ધોળા દિવસે મહિલાનું ઢીમ ઢાળી દેતા ચકચાર મચી જવા પામી છે. જ્યારે ગોળી મારીને પૂર્વ પતિ ભાગી રહ્યો હતો ત્યારે સ્થાનિક યુવાનોએ એનો પીછો કરીને પોલીસને જાણ કરી હતી. પોલીસે ફિલ્મી ઢબે આરોપીનો પીછો કરીને ગણતરીની મિનિટમાં માધાપર ચોકડી પાસેથી એને પકડી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાંથી જાણવા મળ્યું હતું કે, મૃતક મહિલાને સાત મહિનાનો ગર્ભ હતો.

રાજકોટ ઝોન-2 ડીસીપી મનોહરસિંહ જાડેજાએ કહ્યું કે, ચાર વર્ષ પહેલા સરીતા નામની આ મહિલાના લગ્ન ગોરખપુરના આકાશ રામાનુજ મૌર્ય સાથે થયા હતા. પછી એની સાથે છૂટાછેડા થતા સરીતાએ રાજકોટ કોર્ટમાં પંકજ નામના વ્યક્તિ સાથે બીજા લગ્ન કરી લીધા હતા. પંકજ અને સરીતા જ્યારે બપોરના સમયે જમી રહ્યા હતા ત્યારે આકાશ આવ્યો હતો. પછી પૈસાની બાબતે માથાકુટ થઈ હતી. પછી સરીતા પર દેશી બંદૂકથી ફાયરિંગ કરીને નાસી ગયો હતો. આ કેસમાં સ્થાનિક યુવાન કૃણાલે આરોપીનો પીછો કરીને પોલીસને જાણ કરી હતી. આકાશ ઈન્દિરા સર્કલ નજીક પહોંચીને રિક્ષામાં બેસી ગયો હતો. જ્યારે કૃણાલે સતત એનો પીછો કર્યો હતો. રિક્ષા નંબર પણ પોલીસને આપી દીધા હતા.

પોલીસે રિક્ષાનો પીછો કરીને આકાશને માધાપર ચોકડી પાસેથી પકડી લીધો હતો. આ અંગે પોલીસ તરફથી પૂછપરછ ચાલું કરી દેવામાં આવી છે. પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ આ પૂછપરછ કરી રહ્યા છે. કૃણાલે આરોપીને પકડવા માટે રિક્ષા પાછળ કાર દોડાવી હતી. પછી 150 ફૂટ રિંગ રોડ પર ચડતા યુવાને BRTS ટ્રેક પર પોતાની કાર ચલાવી હતી. પોલીસને રિક્ષાનો નંબર આપી દીધો હતો. સરીતા ચાર વર્ષ પહેલા ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે આરોપી આકાશના પિતાને ત્યાં સાડીના શૉરૂમમાં નોકરી કરતી હતી. એ સમયે બંને વચ્ચે પ્રેમ થયો હતો. ચાર વર્ષ પહેલા આકાશ સાથે લગ્ન થયા હતા. પછી મહિલાએ રાજકોટ આવી પંકજ નામના યુવાન સાથે લગ્ન કર્યા હતા. આકાશે સરીતાને પૈસા આપવાનું રટણ કર્યું હતું. જે પાછા ન આપતા માથાકુટ થઈ હોવાનું સામે આવ્યું હતુ.

જ્યારે કૃણાલે જણાવ્યું હતું કે, જ્યારે મેં પૂછ્યું કે, શું થયું ત્યારે તેણે કહ્યું કે, પેલો ભાઈ ગોળી મારીને ભાગ્યો છે. મેં મારી કાર એની પાછળ દોડાવી. યુનિવર્સિટી રોડ પરથી મેં પોલીસને આ અંગે જાણ કરી. પછી રિક્ષાના નંબર પણ લખાવ્યા. મિત્ર હરીએ પોલીસ સ્ટેશને જઈ કહ્યું કે, આ નંબરની રિક્ષા માધાપર ચોકડી બાજુ જાય છે. પછી પોલીસે એનો પીછો કર્યો અને મેં મારી કાર પણ એ દિશામાં હંકારી. મેમો આવશે એની ચિંતા કર્યા વગર મેં મારી કાર BRTS ટ્રેક પર દોડાવી હતી. બીક એ હતી કે, એ આરોપી પાસે ગન હતી. મારી કાર આડી રાખું તેવી કોઈ સ્થિતિ ન હતી. એ વખતે મને પણ ડર લાગતો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp