26th January selfie contest

આ છે સૌરાષ્ટ્રના શાર્કમેન, 12 વર્ષમાં 600થી વધુ શાર્કને બચાવી

PC: khabarchhe.com
માછીમારો દરિયાઈ કાંઠાના સમુદ્રી જીવોની મોટી સંખ્યામાં કતલ કરતા હતા તે જ માછીમાર સમુદાય વહેલ શાર્કના સંરક્ષક તરીકે ઉભરી આવ્યા, જે આ યોજનાની સફળતા કહી શકાય. છેલ્લા 15 વર્ષમાં ગુજરાતના માછીમારોએ લગભગ 700 જેટલી વ્હેલ શાર્કને બચાવી છે. શરૂઆતના 10 વર્ષોમાં 412 વ્હેલ શાર્ક બચાવી હતી. જેનો જશ વન વિભાગ લઈ રહ્યું છે ખરેખર તો તે એક સામાજિક રીતે શરૂ કરાયેલી ઝૂંબેશ હતી. જેમાં સૌરાષ્ટ્રના શાર્કમેન કહેવાતા દિનેશ ગોસ્વામીનો મોટો રોલ છે. 
 
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે 14 અને 15 માર્ચનાં રોજ વ્હેલ શાર્ક રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યુ છે. ભારતભરમાં સૌ પ્રથમ વખત દરિયાઈ જીવસૃષ્ટિ બાબતે આંતરરાષ્ટ્રીય પરિષદ યોજાઈ રહી છે. મહાત્મા મંદિર ખાતે યોજાનાર બે દિવસીય વ્હેલ શાર્ક કોન્ફરન્સમાં એન્ડ્રોઇડ બેઝ્ડ મોબાઇલ એપ્લીકેશન વ્હાલી વોચર લોન્ચ કરાશે. આ આંતરરાષ્ટ્રીય પરિષદમાં અરબી સમુદ્ર સરહદે આવેલા દેશોના વૈજ્ઞાનિક, સંરક્ષણ અને કાયદા અમલીકરણ મંચના નિષ્ણાતો હાજર છે. વ્હેલ શાર્ક સંરક્ષણ કાર્યયોજના અને સંચાલન માળખાને વધુ વિકસાવવાના પ્રાથમિક હેતુસર આ આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કરવામાં આવ્યુ છે.
 
 
ગીર સોમનાથના કોડીનારમાં રહેતા દિનેશ ગોસ્વામીએ ગુજરાતના દરિયાકિનારે આવતી શાર્કને બચાવવા માટે એક અભિયાન શરૂ કર્યું છે. 1997મા આ અભિયાન તેમણે સૌરાષ્ટ્રના દરિયાકિનારે શરૂ કર્યું હતું અને તેમણે અત્યાર સુધીમાં 600થી વધારે શાર્કનો જીવ બચાવ્યો છે.
 
દિનેશ ગોસ્વામીના ઘરની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તેમણે અભ્યાસ મૂકીને દરિયાકિનારે સિમેન્ટની એક કંપનીમાં રોજના 40 રૂપિયા પગાર પર ઇલેક્ટ્રિશિયનનું કામ શરૂ કર્યું હતું. ફ્રી સમયમાં તેઓ દરિયાકિનારે લટાર મારવા જતા હતા. ત્યાં તેમણે જોયું કે દરિયાકિનારે માછીમારો શાર્કને લઈને આવતા અને તેનું માસ, લીવર અને કીડની વેંચી નાખતા અને દોઢથી બે લાખ રૂપિયા કમાતા. તેમને એક ડાયરેક્ટરે કહ્યું કે આ શાર્ક માછલીને બચાવવા માટે તમારે કંઈક કરવું જોઈએ. તેમના આ શબ્દો તેમના મનમાં ગુંજવા લાગ્યા અને તેમણે આ શાર્ક માછલીઓને બચાવવાનું બીડું ઝડપ્યું.
 
ત્યારબાદ તેમણે ઝુંબેશ શરૂ કરી અને માછીમારોના પ્રમુખોને મળ્યા. તેમણે માછીમારોને શાર્કને બચાવવા માટે જાગૃત કર્યા. તેમણે ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટની મદદથી ઝુંબેશ ચલાવી અને તેમાં ગુજરાત સરકાર સહિત અનેક કાર્યકર્તાઓને જોડ્યા અને શાર્કનો શિકાર કરનારને સાત વર્ષની સજાનો નિયમ લાગુ પડાવ્યો.
 
જ્યારે તેમણે પહેલી વખત શાર્કને બચાવી ત્યારે તેમણે પોતાની કંપનીમાં મીઠાઈ વહેંચી હતી અને આજે તેમણે ગુજરાત સરકાર તરફથી ઘણા પુરસ્કારોથી સમ્માનિત કરવામાં આવ્યા છે.
 
વૈશ્વિક સ્તરે વ્હેલ શાર્કની ઘટી રહેલી વસ્તીને કારણે તેના સંરક્ષણ કાર્ય યોજનાઓ બનાવવી જરૂરી છે. જો કે વ્હેલ શાર્કને બચાવવા સંરક્ષણ મોડેલ તૈયાર કરવાની પહેલ અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની સાથે ઘણા દેશોમાં કાર્યરત છે અને તે દિશામાં પ્રયત્નશીલ છે. વ્હેલ શાર્ક સંરક્ષણ ભારતમાં વર્ષ- 2004થી વાઈલ્ડ લાઈફ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા અને ટાટા કેમિકલ્સ લિમિટેડના સહયોગથી ગુજરાત સરકારના વન વિભાગ દ્વારા અમલમાં છે. આ કામગીરી દરમિયાન માછીમારોની નેટ(જાળી)ને થયેલા નુકસાનના વળતર ચૂકવવામાં પણ સરકારનો મોટો ફાળો છે.
 
 
ગાંધીનગર ખાતે યોજાનાર આ બે દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદમાં વ્હેલ શાર્કની હાલની વસ્તીની સ્થિતિ અને તેની બચાવ કામગીરી તથા જાળવણી સહિતના વિવિધ મુદ્દા ઉપર ચર્ચા થશે. આ કાર્યક્રમમાં એન્ડ્રોઇડ બેઝ્ડ મોબાઈલ એપ્લિકેશન વ્હાલી વોચર લોન્ચ કરવામાં આવશે. માછીમારી દરમિયાન વહેલ શાર્કની સ્થિતિ જાણવા આ એપ ઉપયોગી નીવડશે. વ્હેલ શાર્ક સંરક્ષણ પ્રોજેક્ટએ મોટી સફળતા હાંસલ કરી છે અને સમગ્ર દેશમાં આ પ્રોજેક્ટને વન્યજીવ સંરક્ષણનું પ્રતિકૃતિક મલ્ટી સ્ટેક હોલ્ડર મોડેલ માનવામાં આવે છે. ગુજરાતના માછીમારી સમુદાયનો સહયોગ આ પ્રોજેક્ટની સફળતાનો પાયો છે. આ આંતરરાષ્ટ્રીય પરિષદ વ્હેલ શાર્ક સંરક્ષણના વિવિધ મોડેલને એક મંચ પૂરું પાડશે. જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરીય વૈજ્ઞાનિક અને સંરક્ષણ સંસ્થાઓના તજજ્ઞો હિસ્સો બનશે.
 
 
 

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp