BJPના પૂર્વ MLAનો ઊંઝા રેલવે સ્ટેશનની કામગીરીમાં 200 કરોડના ભ્રષ્ટાચારનો આરોપ

PC: dailyhunt.in

ઉત્તર ગુજરાતમાં જીરુ અને વરીયાળી માટે પ્રખ્યાત ગણાતા ઊંઝાના રેલવે સ્ટેશનને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. નવા રેલવે સ્ટેશનની જમીન ખરીદીમાં લગભગ રૂ. 200 કરોડનો ભ્રષ્ટાચાર થયો હોવાનો ભાજપના પૂર્વ ધારાસભ્ય અને સિનિયર નેતા નારાયણભાઈ પટેલે આક્ષેપ કરતા ખળભળાટ મચી ગયો છે. તેમજ સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. નારાયણભાઈ પટેલના આક્ષેપથી ભાજપના નેતા-કાર્યકરોમાં તરેહ-તરેહની અટકળો વહેતી થઈ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ઊંઝાના રેલવે સ્ટેશનને ખસેડીને બે કિમી દૂર લઈ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અંગે તંત્ર દ્વારા કવાયત પણ તેજ કરવામાં આવી છે. બીજી તરફ રેલવે મંત્રાલયના આ નિર્ણયથી સ્થાનિકોમાં રોષ ફેલાયો છે. એટલું જ નહીં આ અંગે અનેક વખત રજૂઆત પણ કરી છે.

ભાજપના સિનિયર નેતા અને પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે આ અંગે રેલવે મંત્રીને પત્ર લખીને કરોડોનો ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો છે. તેમજ આ અંગે ઝડપથી નિર્ણય નહીં લેવામાં આવે તો ઉત્તરાયણ બાદ તા. 17મી જાન્યુઆરીના રોજ રેલ રોકો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

પૂર્વ ધારાસભ્ય નારાયણભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઊંઝાના રેલવે સ્ટેશન ખસેડવાના નિર્ણયનો સ્થાનિક વેપારીઓ, રાજકીય આગેવાનો સહિતના લોકો વિરોધ કરી રહ્યાં છે. એટલું જ નહીં નવુ સ્ટેશન બનાવવા માટે ખરીદવામાં આવેલી જમીનમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે. આ અંગે સરકારને જાણ પણ કરવામાં આવી છે. વેપારીઓ અને સ્થાનિક આગેવાનો સાથે મળીને અમે અમારી આ લડત ચાલુ રાખીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp