વિજય રૂપાણીનું ગર્ભિત નિવેદન- વિધાનસભાની 2022ની ચૂંટણીનું પરિણામ આશ્ચર્યજનક હશે

PC: khabarchhe.com

ચૂંટણીના માત્ર 15 મહિના પહેલા જ જેમણે મુખ્યમંત્રીનું પદ છોડવું પડ્યું છે તેવા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણીનું પરિણામ આશ્ચર્યજનક હશે. તેમણે કેટલી બેઠકો આવશે તે અંગેનો ફોડ પાડવાનું ટાળ્યું હતું.

વિજય રૂપાણીએ ટેલિવિઝન ચેનલ વી ટીવીને બુધવારે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો. ઇન્ટરવ્યૂમાં તેમણે પોતાના 5 વર્ષના કાર્યકાળ અંગે વાત કરતા કહ્યું કે તેમના સમયમાં અમલમાં કરાયેલા સૌની યોજના, સેવા સેતુ, સીએમ ડેશબોર્ડ જેવી યોજનાઓથી તેમને સારૂં કામ કર્યાનો સંતોષ છે. તો સૌથી પડકારજનક કામગીરી કોરોનાના સમયમાં રહી તેમ રૂપાણીએ કહ્યું હતું.

તેમની સંવેદનશીલતા અંગે ઉઠેલા સવાલો અને તેમની દીકરીએ તે અંગે લખેલા પત્રના અંગે વાત કરતા તેમણે કહ્યું કે દરેક વ્યક્તિએ સંવેદનશીલ હોવું જરૂરી છે. જો કોઇના દુખમાં તમે સંવેદનશીલ નથી તો તમે માણસ જ નથી. રૂપાણીએ ગુજરાતના પ્રજા અને મંત્રીમંડળના સાથીઓ અને પોતાના પરિવારનો આભાર માન્યો હતો.

તેઓ હવે શું કરશે તે અંગેની વાત કરતા કહ્યું કે તેમની સંગઠનમાં કામ કરવાની ઇચ્છા છે. એટલે હવે પાર્ટી જે કામ સોંપશે તે કરવા તૈયાર છે.

શું ભૂપેન્દ્ર પટેલ સફળ જશે?

નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસે 15 મહિનાનો સમય છે. તેઓ સફળ જશે? એવા સવાલના જવાબમાં રૂપાણીએ કહ્યું કે આ વિક્રમાદિત્યનું સિંહાસન છે. મોદીએ તપાવેલું સિંહાસન છે. જો સિસ્ટમ મુજબ કામ કરશે તો ચોક્કસ સફળ જશે.

આગામી વિધાનસભાની ચૂંટણીઓને લગતા એક સવાલમાં તેમને પૂછાયું કે અગાઉ 2017 વખતે તેમણે નારો આપ્યો હતો કે યુપીમાં 300 અને ગુજરાતમાં 150 બેઠકો. હવે 2022માં કેટલી બેઠકો આવશે? શું ભાજપની 150 બેઠકો આવશે? આ સવાલના જવાબમાં રૂપાણીએ કહ્યું કે અમારા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે 182 બેઠકો લાવવાની જાહેરાત કરી છે. પત્રકારે જ્યારે પૂછ્યુ કે શું 182 બેઠકો આવશે? તો રૂપાણીએ જવાબ આપ્યો કે પરિણામ આશ્ચર્યજનક હશે.

ઉલ્લેખનીય છે કે હાલ નવા નીમાયેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટમાંથી તમામ જૂના મંત્રીઓને પડતા મૂકીને નવા મંત્રીઓ લાવવાની વાત ચાલી રહી છે. તો શું ભાજપના આ પ્રયોગથી પરિણામ આશ્ચર્યજનક આવશે. અને આશ્ચર્યજનક એટલે શું. તેને કેટલી બેઠકો ગણવી? રૂપાણીએ 182 બેઠકો આવી જશે તેવો જવાબ આપવાને બદલે એટલું જ કહ્યું હતું કે આશ્ચર્યનજક હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp