26th January selfie contest

ગૌશાળાની 1700 એકર જમીનમાંથી 701 હેક્ટર જમીન ક્યા ગઈ?

PC: khabarchhe.com

1960મા હરિજન આશ્રમે એક બોધપત્ર પ્રકાશિત કર્યું હતું. આ દસ્તાવેજમાં બતાવવામાં આવ્યું છે કે સાબરમતી ગાંધી આશ્રમની ગૌશાળા પાસે 1700 એકર જમીન છે. તો ત્યાર પછી એવું તે શું થયું કે જમીન ઘટી ગઈ? તે સમયના ગાંધીજીના અનુયાયીઓએ કેમ તપાસ પંચનો વિરોધ કર્યો હતો. જો તપાસ પંચે સારી રીતે તપાસ કરી હોત તો ગેરરીતિ ઓછી થઈ હોત. 2005મા સાબરમતી આશ્રમ ગૌશાળાના અધ્યક્ષ દેવેન્દ્ર આર. દેસાઈએ દસ્તાવેજો ચકાસીને કેટલીક વિગતો જાહેર કરી હતી. જે આ પ્રમાણે છે.

ગુજરાત વડી અદાલતે 30 ઓગસ્ટ 2005ના રોજ હુકમ કરેલો હતો કે ગાંધી આશ્રમની આજુબાજુ આવેલી ગૌશાળાની જમીનોમાં થયેલા દબાણો દૂર કરવા. તે માટે અદાલતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને આદેશ કર્યો હતો. ગાંધી આશ્રમમાં આ જમીન કેટલી છે તે અંગે દેસાઈએ કંઈ જાહેર કર્યું ન હતું.

1852મા 622 એકર જમીન હતી, પછી વધુ ખરીદી

હરિજન ટ્રસ્ટે ગૌશાળાના હેતુ માટે જમીન મેળવી હતી. 1852મા ગૌશાળાનું અલગ ટ્રસ્ટ બન્યું હતું. ત્યારે 622-32 એકર જમીન જ બતાવવામાં આવી છે. ત્યાર બાદ 1973મા ખેત જમીન ટોચ મર્યાદા ધારા હેઠળ મુક્તિ માંગી ત્યારે તેમાં 1492-23 એકર-ગુંઠા જમીન હતી. 1990મા સરકારી ઠરાવોથી 1346 એકર જમીન ગૌશાળાને મળી હતી.

જેમાં…

પ્રત્યક્ષ કબજા હેઠળની જમીન – 999-00 એકર-ગુંઠા

બીનઅધિકૃત કબજા હેઠળની જમીન – 99-00 એકર-ગુંઠા

કહેવાતા ગણોતિયા હસ્તકની જમીન – 248-00 એકર-ગુંઠા

કૂલ જમીન 1346-00 એકર-ગુંઠા

આમ 1960મા હરિજન બોધપત્રમાં બતાવેલી 1700 એકર જમીનમાં 354 એકર જમીન ઓછી જોવા મળી રહી છે. વળી દબાણ અને ગણોત ગણવામાં આવે તો ગૌશાળા પાસે 999 એકર જમીન રહે છે. 701 એકર જમીનનો આશ્રમ ગૌશાળા પાસે કજબો નથી. જે બતાવે છે કે ગૌશાળા પાસે તો 701 એકર જમીન રહી નથી.

1700 એકર જમીન ક્યારેય ન હતી: દાવો

ટ્રસ્ટ એવો દાવો કરે છે કે ગૌશાળાની માલિકીની જમીનો દફતરે ક્યારેય 1700 એકર રહી નથી. 1960 પછી 2005 સુધી કોઈ જમીન ખાનગી રાહે કોઈને આપી નથી.

સરકારે જમીન લઈ લીધી

ગૌશાળાની 158 એકર જમીન સરકારે જાહેર હેતુ માટે સંપાદિત કરી છે. એટલે કે સરકારે ગાંધીજીની ગૌશાળાની જમીન લઈ લીધી છે. કાયદાની પરિસ્થિતિ બદલાતાં સાબરમતી આશ્રમ ગૌશાળા ટ્રસ્ટને બક્ષીસથી 193 એકર અને 35 ગુંઠા જમીન તબદીલ થઈ હતી. બીજો હુકમ ન થાય ત્યાં સુધી તબદીલ ન કરવા આદેશ કર્યો હતો.

346 એકર જમીન પચાવી પાડી

ગૌશાળાની માલિકીની 346-29 એકર જમીન બીનઅધિકૃત કબજો કોઈકે લઈ લીધો છે. જે ગણોતીયા પાસે છે. ખેડે તેની જમીન કાયદો આવ્યા પછી બીજા લોકોએ કબજો લઈ લીધો છે. તે જમીન સાબરમતી ગૌશાળા પાસેથી જતી રહી છે. આ જમીનો ચરિયાણ હતી. તેથી તેને ખેડવા માટે ખેડૂતોને દર વર્ષે આપવામાં આવતી હતી. આ ખેડૂતોએ હવે કબજો જમાવી લીધો છે. તે અંગે કાયદેસર કાર્યવાહી કરી હતી. જેના કેસ ચાલુ છે.

જાહેર ટ્રસ્ટ અંગે ગાંધીજી શું કહેતાં હતા?

દક્ષિણ આફ્રિકામાં જાહેર જીવન શરૂ કર્યા બાદ ગાંધીજીએ કોંગ્રેસ માટે મિલકત ખરીદવાનું નક્કી કર્યું હતું. તેમણે આ અંગે કહ્યું હતું કે, ‘કોંગ્રેસના ખજાનામાં લગભગ 5,000 પાઉન્ડ થયા. મારો લોભ એ હતો કે જો કોંગ્રેસને સ્થાયી ફંડ હોય, તેની જમીન લેવાય ને તેનું ભાડું આવે, તો કોંગ્રેસ નિર્ભય બને. જાહેર સંસ્થાનો આ મારો પહેલો અનુભવ હતો. મેં મારો વિચાર સાથીઓ આગળ મૂક્યો. તેઓએ તે વધાવી લીધો. મકાનો લેવાયા ને તે ભાડે અપાયા. તેના ભાડામાંથી કોંગ્રેસનું માસિક ખર્ચ સહેજે ચાલવા લાગ્યું. મિલકતનું મજબૂત ટ્રસ્ટ થયું. આમ આ મિલકત આજે મોજૂદ છે, પણ તે માંહોમાંહે કજિયાનું મૂળ થઈ પડેલ છે. ને મિલકતનું ભાડું આજે અદાલતમાં જમા થાય છે.’

ફંડથી નૈતિક અધોગતિ થાય છે

‘આ દુખદ બનાવ તો મારા દક્ષિણ આફ્રિકા છોડ્યા બાદ બન્યો. પણ જાહેર સંસ્થાઓને સારું સ્થાયી ફંડ રાખવા વિશે મારા વિચારો દક્ષિણ આફ્રિકામાં જ બદલાયા. ઘણી જાહેર સંસ્થાઓની ઉત્પત્તિને સારું તેમ જ તેમના તંત્રને સારું જવાબદાર રહ્યા પછી, મારો દૃઢ નિર્ણય એ થયો છે કે, કોઈ પણ જાહેર સંસ્થાએ સ્થાયી ફંડ ઉપર નભવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. તેમાં તેની નૈતિક અધોગતિનું બીજ રહેલું હોય છે.’ ગાંધીજીની વાત ગાંધી આશ્રમમાં સંપૂર્ણ સત્ય સાબિત થઈ છે. તેથી તેમણે આશ્રમની મિલકત સરકારને લઈ લેવા કહ્યું હતું. આશ્રમને વિખેરી નાંખવા કહ્યું હતું. પણ તેમ ન થયું. આજે પારાવાર ગેરવહીવટ બહાર આવ્યો છે.

લોકોના ફાળાના પૈસે સંસ્થા ચાલવી જોઈએ

મહાત્મા આગળ લખે છે કે, ‘જાહેર સંસ્થા એટલે લોકોની મંજૂરીને લોકોનાં નાણાંથી ચાલતી સંસ્થા. એ સંસ્થાને જ્યારે લોકોની મદદ ન મળે ત્યારે તેને હસ્તી ભોગવવાનો અધિકાર જ નથી. સ્થાયી મિલકત ઉપર નભતી સંસ્થા લોકમતથી સ્વતંત્ર બની જતી જોવામાં આવે છે ને કેટલીક વેળા તો ઊલટા આચરણ પણ કરે છે. આવો અનુભવ હિંદુસ્તાનમાં આપણને ડગલે ડગલે થાય છે. કેટલીક ધાર્મિક ગણાતી સંસ્થાઓના હિસાબકિતાબનું ઠેકાણું જ નથી. તેના વાલીઓ તેના માલિક થઈ પડ્યા છે ને કોઈને જવાબદાર હોય તેમ નથી. જેમ કુદરત પોતે રોજનું પેદા કરી રોજનું જમે છે તેમ જાહેર સંસ્થાઓનું હોવું જોઈએ, એ વિશે મને શંકા જ નથી. જે સંસ્થાને લોકો મદદ કરવા તૈયાર ન હોય તેને જાહેર સંસ્થા તરીકે નભવાનો અધિકાર જ નથી. પ્રતિવર્ષ મળતો ફાળો તે તે સંસ્થાની લોકપ્રિયતાની અને તેના સંચાલકોની પ્રમાણિકતાની કસોટી છે. અને દરેક સંસ્થાએ એ કસોટી ઉપર ચડવું જોઈએ એવો મારો અભિપ્રાય છે.’ ગાંધીયનો પાસે જરા પણ ગાંધીજી માટે લાગણી હોય તો તેમણે ગાંધીજીના આ બોધનું અક્ષરશઃ પાલન કરવું જોઈએ. પણ તેમ કરવાના બદલે સંપતિનું સર્જન કરી રહ્યાં છે. તેઓ ગાંધી ચિંધ્યા માર્ગે જરા પણ નથી.

ગાંધીજીએ સ્પષ્ટતા કરતાં આગળ લખ્યું છે કે, ‘આ લખાણની ગેરમસજ ન થાઓ. ઉપરની ટીકા એવી સંસ્થાઓને લાગુ નથી પડતી કે જેને મકાન ઇત્યાદિની આવશ્યકતા હોય. જાહેર સંસ્થાઓનાં ચાલુ ખરચોનો આધાર લોકો પાસેથી મળતા ફાળા ઉપર રહેવો જોઈએ.’

ગાંધીજી લાખો રૂપિયા એકઠા કરતાં હતા

ગાંધીજી જાહેર લડત ચલાવવા માટે લાખો રૂપિયા એકઠા કરતાં હતા. છતાં તેમના પર ક્યારેય તેનો ડાઘ લાગ્યો નથી. પોતાનો પ્રયોગ વર્ણવતાં ગાંધી કહે છે કે, ‘આ વિચારો દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહના સમયમાં દૃઢ બન્યા. એ છ વર્ષની મહાન લડત સ્થાયી ફાળા વિના ચાલી, જોકે તેને અંગે લાખો રૂપિયાની આવશ્યકતા હતી. એવા સમય મને યાદ છે કે જ્યારે આવતા દહાડાનું ખર્ચ ક્યાંથી મળશે તેની મને ખબર નહોતી. પણ હવે પછી આપવાની બિનાઓનો ઉલ્લેખ હું અહીં ન કરું. ઉપરના અભિપ્રાયનું સમર્થન આ કથામાં વાંચનારને તે તે સ્થળે યોગ્ય પ્રસંગે મળી રહેશે.’

ગાંધી સંસ્થાઓ બંધ કરી દેવી જોઈએ

ગાંધીજીની સંસ્થાઓને હવે તાળા મારી દેવાનો સમય આવી ગયો છે. ગાંધીજીએ સ્થાપેલી એક પણ સંસ્થા તેમના વિચારો પ્રમાણે હવે ચાલતી નથી. તેમના વિચારો હવે વેપારમાં બદલાઈ ગયા છે. ભલે પછી તે ગૌશાળા હોય, ચરખો હોય, પુસ્તકો હોય કે ખાદી હોય. તમામ સ્થળે ગાંધી વિચારની ક્રાંતિ નહીં પણ ગાંધીજીના નામે વેપાર કરવામાં આવી રહ્યો છે. બહુ થોડા લોકો એવા બચ્યા છે કે જે ગાંધીજીના વિચારો પ્રમાણે વર્તી રહ્યાં છે. તેમના જન્મને 150 વર્ષ થઈ રહ્યાં છે ત્યારે ફરીથી ગાંધીયન સંસ્થાઓએ વિચાર કરવો પડશે.

(દિલીપ પટેલ)

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp