ગુજરાત ક્રિકેટ એસોસિયેશન ક્લબના સભ્યો રહેવા આટલા રૂપિયા વધુ આપવા પડશે

PC: youtube.com

ગુજરાત ક્રિકેટ એસોસિયેશન દ્વારા મોટેરા સ્ટેડિયમની બાજુમાં જ જીસીએ ક્લબના મકાનના નવીનીકરણની કામગીરી ચાલુ કર્યા પછી પૈસા ખૂટી પડતાં 1100થી વધુ સભ્યોને મેમ્બરશીપની પ્રક્રિયા એટલે કે ફોર્મ ભરવા સહિતની પ્રક્રિયા નવેસરથી કરીને રૂા.1 લાખ અને 18 ટકા જીએસટી ગણીને કુલ રૂા.1.18 લાખ જમા કરાવી દેવાનો આદેશ કરવામાં આવ્યો છે. જીસીએ ક્લબ હાઉસનું મકાન તોડીને તેનું નવીનીકરણ કરવાની બાબતમાં પણ સભ્યોને જાણકારી આપવામાં ન આવી હોવાનું જાણવા મળી રહ્યું છે. જૂના મેમ્બરોને અન્ય મેમ્બરો તરફથી જ ફોન કરી કરાવીને નવી મેમ્બરશીપ માટેનું ફોર્મ મેળવી લેવાની સૂચનાઓ અપાવવામાં આવી રહી છે.

આ આદેશને પરિણામે નવાઈ પામેલા સભ્યોનું કહેવું છે કે જીસીએ ક્લબ હાઉસની કારોબારીની કોઈ જ બેઠક બોલાવવામાં આવી નથી. તેમ જ તેમાં કોઈપણ ઠરાવ કર્યો હોવાનુંં જાણવા મળ્યું નથી. ત્રીજી સૌથી આઘાતજનક બાબત તો એ છે કે જીસીએની કારોબારી દ્વારા આ મુદ્દે સભ્યો સાથે લેખિત પત્રવ્યવહાર કર્યા વિના જ તેમની પાસેથી પૈસા માગવામાં આવી રહ્યા છે. તેમાંય હાસ્યાસ્પદ બાબત તો એ છે કે જીસીએ ક્લબ હાઉસના અધિકૃત અધિકારી પાસેથી ફોન કરાવવાને બદલે તેઓ જૂના સભ્યોને જ અન્ય સભ્યોને ફોનથી આ બાબતની જાણ કરી દેવાની સૂચના આપવામાં આવી રહી છે. રૂા.11 કરોડ જેવી માતબર રકમ સભ્યો પાસેથી ઉઘરાવવામાં આવી રહી હોવા છતાંય તેમને એક પત્ર લખીને આ બાબતની જાણ કરવાની તસદી પણ જીસીએ ક્લબ હાઉસનું મેનેજમેન્ટ લેવા તૈયાર નથી.

આ મેમ્બરશીપ લીધા કે રિન્યુ કરાવ્યા પછી તેના ફ્યુચર સ્ટેટસ અંગે કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી. આ મેમ્બરશીપ લેનાર તેના સ્વજનને નામે તે ટ્રાન્સફર કરાવી શકશે કે નહિ તેની પણ જાણકારી આપવામાં આવતી નથી.આ સંદર્ભમાં નિયમો શું તૈયાર કરવામાં આવ્યા છે તે અંગે કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી. કર્ણાવતી અને રાજપથ ક્લબના સભ્યો તેમની મેમ્બરશીપનો કાર્ડ સમય જતાં વેચી શકે છે તેવી જોગવાઈ પણ આ કાર્ડમાં રાખવામાં આવી છે કે કેમ તે અંગે ફોડ પાડવામાં આવ્યો નથી. સામાન્ય રીતે ક્લબોમાં ત્રણ વર્ષ પછી આ પ્રકારની છૂટ આપવામાં આવતી હોય છે. મેમ્બરશીપને સેલેબલ અને ટ્રાન્સફરેબલ ગણવામાં આવતી હોય છે. આ મેમ્બરશીપ પુત્ર, પુત્રી કે પત્ની અથવા અન્ય સ્વજનને નામે ટ્રાન્સફર કરાવી શકાય છે કે કેમ તે પણ જણાવવામાં આવ્યું નથી. પોતાનું નામ ન આપવાની શરતે કેટલાક સભ્યો કહી રહ્યા છે કે શું રૂા.1.18 લાખ અને નવું ફોર્મ ભરનારાઓનું સભ્યપદ રદ થઈ જશે કે કેમ તે અંગે પણ કોઈ જ ફોડ પાડવામાં આવ્યો નથી.

ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ક્લબ હાઉસના નવા સભ્ય બનવા ઇચ્છનારાઓ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. નવી વ્યક્તિ રૂા. 7 લાખ અને તેના ઉપર 18 ટકાના દરે જીએસટી મળીને કુલ રૂા.8.26 જમા કરાવીને તેના સભ્ય બની શકે છે.

 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp