ગુજરાતમાં અર્ધ દુકાળની સ્થિતિ, પાણીની તંગી સર્જાશે

PC: developmentnews.in

ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની ચિંતામાં વધારો થયો છે, કારણ કે નબળા ચોમાસાના કારણે રાજ્યમાં અર્ધ દુકાળ જેવી સ્થિતિ સર્જાય તેવી સંભાવના છે. આ વખતે કૃષિ પાકોને પણ મોટો ફટકો પડ્યો છે. હવામાન વિભાગની આગાહીઓ પોકળ પુરવાર થઈ છે.

રાજ્યના કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં અર્ધ અછતની સ્થિતિ સર્જાય તેવું અનુમાન મહેસૂલ વિભાગ લગાવી રહ્યું છે. રાજ્યના 30 તાલુકાઓ એવાં છે કે જ્યાં પાણીની તંગી સર્જાઈ શકે છે. આ વિસ્તારોમાં પૂરતો વરસાદ થયો નથી. રાજ્યમાં એક સપ્તાહમાં હવે ઉત્તર અને મધ્ય ગુજરાત સહિત રાજ્યભરમાં સાર્વત્રિક વરસાદ ન થાય તો ખેડૂતો માટે રોકડીયા પાકના વાવેતરનો પ્રશ્ન આવીને ઊભો રહે તેમ છે તો રાજ્યના જળાશયોમાં પાણીનો પુરવઠો પૂરતો ન હોવાથી અત્યારથી પાણીનું રેશનિંગ કરવું પડે તેમ છે.

સામાન્ય રીતે જૂન મહિનાના મધ્ય ભાગથી રાજ્યમાં ચોમાસાની મોસમનો પ્રારંભ થતો હોય છે. પરંતુ આ વખતે વરસાદની પેટર્ન બદલાઈ અને એક મહિના પછી એટલે કે જુલાઈના મધ્ય ભાગમાં સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં સંતોષકારક વરસાદ પડ્યો હતો. જોકે, આ વરસાદી માહોલમાં કચ્છ, સુરેન્દ્રનગર સહિત ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતના ઘણાં વિસ્તારો વરસાદથી બાકાત રહ્યા હતા. કચ્છના લગભગ તમામ દસ તાલુકામાં 100 mmથી ઓછો વરસાદ થયો છે.

જ્યારે ઉત્તર ગુજરાતમાં પાટણ જિલ્લામાં સમી, ચાણસ્મા, સાંતલપુર, શંખેશ્વર, બનાસકાંઠા જિલ્લામાં ધાનેરા, કાંકરેજ, લાખાણી, સુઈગામ, થરાદ, વાવ, મહેસાણા જિલ્લામાં જોટાણા, ગાંધીનગરમાં માણસા, અમદાવાદમાં વિરમગામ, માંડલ, સાણંદ જેવા તાલુકામાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે.

શ્રાવણ મહિનો શરૂ થયો છે ત્યારે વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય થઈ શકી નથી. દર વર્ષે શ્રાવણમાં વરસાદ આવતો હોય છે. આ વખતે તેવા અણસાર જણાતા નથી આ સંજોગોમાં નર્મદાનું મોટાભાગનું પાણી પીવા માટે અનામત રાખવામાં આવી શકે છે. લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે આવતા ઉનાળામાં પીવાના પાણીની તંગી સર્જાય તેવી પણ ભિતી વ્યક્ત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp