આગામી વાયબ્રન્ટ સમિટના મૂડીરોકાણ મુદ્દે સરકાર ચિંતિત

PC: Gujaratinformation.in

રાજ્યમાં મોંઘવારી, બીટ કોઈન, ઓછો વરસાદ, હાર્દિકના ઉપવાસ, દલિત આંદોલન ઉપરાંત ભાજપ સરકાર અને સંગઠનમાં ચાલતી યાદવાસ્થળી જેવા મુદ્દે ઘેરાયેલી ભાજપ સરકારને આગામી જાન્યુઆરી માસમાં ગાંધીનગર ખાતે આયોજિત વાયબ્રન્ટ સમિટની ચિંતા સતત સતાવી રહી છે અને 2019ની વાયબ્રન્ટ સમિટ સફળ બનાવવા માટે મુખ્યમંત્રી ખુદ મેદાનમાં ઉતર્યા છે અને રાજ્યના વહીવટી તંત્રને ઊંધા માથે કરી દીધું છે. તો બીજી તરફ સમિતિની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે ત્યારે અંગત સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ સરકારે સમિટની તૈયારીના ભાગરૂપે ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ શરૂ કરવાનો મહત્ત્વનો નિર્ણય કર્યો છે.

મળતી વિગતો અનુસાર દર મહિનાના બીજા મંગળવારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક મળશે. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ગત ઓગસ્ટ 2017મા ગુજરાત સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ ઘડ્યો છે. ત્યારે આ અધિનિયમ હેઠળ મુખ્ય હેતુ એ છે કે રાજ્યમાં ઉદ્યોગોની સ્થપના માટે જરૂરી વિવિધ પ્રકારના પરવાના અંગેના ક્લિયરન્સ અને જુદી જુદી સેવાઓ ઝડપથી પૂરી પાડવાનો રહેલો છે. તો બીજી તરફ સિંગલ વિન્ડો એક્ટના અમલીકરણ માટે મુખ્યમંત્રી કક્ષાએથી સમયાંતરે સમીક્ષા થતી હોવાનું જાણવા મળ્યું છે.

સૂત્રોનું માનીએ તો આ સમીક્ષા દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ઉદાસીનતા જોવા મળે છે. ત્યારે સરકાર દ્વારા વહીવટીતંત્રનો કાન આ મળ્યો છે અને હવે રાજ્ય સરકારે આગામી વાયબ્રન્ટ પૂર્વે ઇન્વેસ્ટમેન્ટ ફેસિલિટેશન પોર્ટલ ઊભું કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે પ્રત્યેક જિલ્લામાં આ પોર્ટલ પર મળતી ઓનલાઇન અરજીઓના નિકાલમાં વધુ ગતિ લાવી શકાશે. જ્યારે સમીક્ષા દરમિયાન ઓનલાઇન અરજીઓ પણ પડતર રહી હોવાનું સરકારના ધ્યાને આવતા તમામ જિલ્લાઓને દર મહિનાના બીજા મંગળવારે ખાસ સમીક્ષા બેઠક યોજીને પોર્ટલનું અપડેશન કરવાની કડક તાકીદ કરી છે. ઉદ્યોગ મંત્રાલયના સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે કેટલાક જિલ્લામાં તો IFP પોર્ટલ ઉપર હજુ લૉગ ઇન પણ સરકારની વહીવટી કચેરીઓ દ્વારા થયું નથી અને આ મામલે રાજ્ય સરકારે સખ્ત નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે પડતર અરજીઓનો તાત્કાલિક નિકાલ કરવા માટે કડક તાકીદ કરી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળે છે.
તો બીજી તરફ દેશમાં ડોલરની સામે રૂપિયાનું થતું અવમૂલ્યન, શેરબજારની કૃત્રિમ તેજી, ઉપરાંત ગુજરાત સહિત રાજ્યમાં વરસાદની ઘટ, સાથે ક્રૂડ ઓઇલ તેમ જ પેટ્રોલિયમ પેદાશોના ભાવ વધારાના કારણે વાયબ્રન્ટ સમિટને સફળ બનાવવા રાજ્ય સરકાર ચિંતિત બની ગઈ છે.

ગુજરાતમાં નવમી વાયબ્રન્ટ ઇન્વેસ્ટર્સ સમિટ જાન્યુઆરી માસમાં થવા જઈ રહી છે ત્યારે જો વૈશ્વિક મંદી શરૂ થશે તો આ વખતે દિવાળી પણ બગડે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઉપરાંત વાયબ્રન્ટ સમિટમાં ટાર્ગેટ પ્રમાણેના સમજૂતી કરાર પણ થઈ શકશે નહીં, તેમ નાણા વિભાગના આર્થિક નિષ્ણાતોનું માનવું છે. મનાઈ રહ્યું છે કે ગુજરાતની અંદર હાલમાં જે ઓન ગોઇંગ પ્રોજેક્ટ્સ છે, તેને જ મૂડીરોકાણ ગણીને સરકારે સંતોષ માનવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થાય તો નવાઈ નહીં. જોકે વર્તમાન ભાજપ સરકાર દ્વારા વાયબ્રન્ટ સમિટમાં MOUના ટાર્ગેટ પૂરા કરવા સચિવાલયના તમામ વિભાગો અને બોર્ડ -કોર્પોરેશનના તમામ ઉચ્ચ અધિકારીઓને સરકારે આદેશ આપ્યા છે અને ગુજરાતને સ્થાનિક ઉપરાંત આંતરરાજ્યને આંતરરાષ્ટ્રીય મૂડીરોકાણ માટેના દરવાજા ખોલ્યા છે.

તો બીજી તરફ વૈશ્વિક મંદીનાં અણસાર વચ્ચે ગુજરાતની વાયબ્રન્ટ સમિટના મૂડીરોકાણના મુદ્દે ગંભીર અસર થશે કે કેમ તે યક્ષ પ્રશ્ન છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp