શહેરોમાં ઝેરી ધૂમાડો છોડતા ઉદ્યોગોને બહાર ખસેડાશે, આ છે પ્લાન

PC: https://www.hindustantimes.com

ગુજરાતના ચાર શહેરોમાં હવા અને પાણીમાં જોવા મળતું પ્રદૂષણ ઘટાડવા માટે તત્કાલિન સરકારે બનાવેલી એક યોજનાને ટૂંક સમયમાં આખરી ઓપ આપવામાં આવે તેવી સંભાવના છે. શહેરોના પ્રદૂષણને દૂર કરતી આ યોજના પ્રારંભિક તબક્કે અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કે જ્યાં વસતી ગીચતા છે ત્યાં લાગુ કરવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે આ શહેરોની હદમર્યાદામાં તત્કાલિન વિજય રૂપાણીની સરકારે નવી પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝને મંજૂરી નહીં આપવાનું તેમજ હયાત પોલ્યુટેડ ઇન્ડસ્ટ્રીઝને ધીમે ધીમે શહેરની બહાર ખસેડવાનો નિર્ણય લીધો હતો જેની સમીક્ષા ચાલી રહી છે. મૂળ યોજનામાં કેટલાક નવા ફેરફારો પણ સૂચવવામાં આવ્યા છે. આ માટે ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઇમાં સુધારો કરવામાં આવશે.

કોરોના સંક્રમણ અને લોકડાઉનના સમયમાં અમદાવાદ સહિતના રાજ્યના મોટા શહેરોમાં હવા અને પાણીનું પ્રદૂષણ ચોંકાવનારી રીતે ઘટ્યું હતું. આમ થવાનું કારણ ઉદ્યોગ-ધંધા બંધ હતા તેથી પ્રદૂષણની માત્રા નહિવત જોવા મળી હતી. સરકારે આ બાબતે પર્યાવરણના તજજ્ઞો સાથે બેઠકો કરીને ચિતાર મેળવ્યો છે અને સૂચનો એકત્ર કર્યા છે હવે એ સૂચનો પ્રમાણે શહેરોનો નવો પ્લાન રજૂ કરવામાં આવશે.

શહેરોની મર્યાદાઓ વિસ્તારવાની સાથે ઉદ્યોગો મધ્યમાં આવી ચૂક્યાં છે. આ ઉદ્યોગોના કારણે માનવજીવન કષ્ટદાયક બનતું જાય છે. શ્વાસમાં પોલ્યુટેડ હવા જતાં લોકો અનેક રોગનો ભોગ રહ્યાં છે. ટાઉન પ્લાનિંગ એક્ટમાં સુધારો કરીને આવા ઉદ્યોગો કે જેઓ પ્રદૂષણ કરી રહ્યાં છે તેમને શહેરોની બહાર ખસેડવામાં આવશે. આ ઉદ્યોગોને સ્થળાંતરની સાથે અનેક પ્રોત્સાહનો આપવાનું પણ સરકાર વિચારી રહી છે કે જેથી ઉદ્યોગ સંચાલક બહાર જવા સંમત થાય. આ ઉદ્યોગોને સસ્તાભાવમાં જમીન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂં પાડવામાં આવશે.

શહેરી વિકાસ વિભાગે નક્કી કર્યું છે કે પ્રદૂષણ ફેલાય તેવા ઉદ્યોગો શહેરોમાંથી બહાર તો કઢાશે પરંતુ તેની સાથે નવા ઉદ્યોગો શહેરી વિસ્તારમાં સ્થપાય નહીં તે માટેના આદેશો પણ બહાર પાડવામાં આવશે. એટલે કે કોઇને શહેરની મધ્યમાં પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગ શરૂ કરવાની પરમિશન આપવામાં આવશે નહીં.

અધિકારીએ કહ્યું હતું કે ગ્રીન ફ્લોર સ્પેસ ઇન્ડેક્સની વિભાવના ટૂંકસમયમાં પ્રોત્સાહિત કરાશે. ખાસ કરીને સોના-ચાંદી અને પ્લેટીનમના ઉદ્યોગો જે શહેરની મધ્યમાં આવેલા તેને ખસેડવામાં અનેક પ્રોત્સાહન આપવામાં આવશે. એ ઉપરાંત ધુમાડા કાઢતા તેમજ પાણીનું પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો માટે પણ શહેરોથી દૂર સ્થળાંતર કરવા માટે ખાસ યોજના બનાવવામાં આવી રહી છે.

 
 
 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp